Get The App

VIDEO: ભીષણ હિમ તોફાનને પગલે અમેરિકાના 7 રાજ્યમાં ઇમરજન્સી જાહેર, જનજીવન ઠપ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: ભીષણ હિમ તોફાનને પગલે અમેરિકાના 7 રાજ્યમાં ઇમરજન્સી જાહેર, જનજીવન ઠપ 1 - image

Snowstorm in New York: અમેરિકાના ઉત્તર-પૂર્વમાં આવેલા ભીષણ હિમ તોફાન એટલે કે બોમ્બ સાયક્લોનને અમેરિકાના અનેક રાજ્યમાં જનજીવન ઠપ કરી દીધું છે. ચોતરફ બરફની સફેદ ચાદર પથરાઈ જતાં ન્યૂયોર્ક સહિત 7 રાજ્યમાં 'સ્ટેટ ઓફ ઇમરજન્સી' (કટોકટી) જાહેર કરાઈ છે, જેમાં ન્યૂ જર્સી, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ડેલવેર, રોડ આઇલેન્ડ અને મેરીલેન્ડ પણ સામેલ છે. આ તમામ રાજ્યોમાં વહીવટી તંત્રે મુસાફરી પર પ્રતિબંધ મૂકાયો છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી છે. 

અત્યાર સુધી આશરે 14.9 ઈંચ બરફ ખાબક્યો 

આ હિમ તોફાનના અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને વિશ્વપ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર અત્યારે સ્લેજિંગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે, જ્યાં બાળકો બરફમાં રમી રહ્યા છે. તો સેન્ટ્રલ પાર્ક સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અંદાજે સરેરાશ 30 ઈંચ જેટલો બરફ ખાબક્યો છે અને હજુ પણ હિમવર્ષા ચાલુ છે. વહીવટી તંત્ર સતત રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ સતત પડતી હિમવર્ષા પડકારરૂપ બની રહી છે.

શિક્ષણ અને પરિવહન પર માઠી અસર

આ ભીષણ તોફાનને પગલે ન્યૂયોર્ક જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ અમેરિકાને બાનમાં લીધું છે. સરકારે અનિશ્ચિતકાળ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે, જેથી લાખો વિદ્યાર્થીઓએ ઘરેથી જ અભ્યાસ શરૂ કર્યો છે. બીજી તરફ, અત્યંત ખરાબ વાતાવરણના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરાઈ છે, જેથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ભારે પવન અને બરફના કારણે આશરે પાંચ લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ અસર મેસેચ્યુસેટ્સમાં જોવા મળી હતી.

આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે 10,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. 23 ફેબ્રુઆરીએ જ 5,000થી વધુ અને 24 ફેબ્રુઆરીએ 1,300થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવતા લાખો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું JFK, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન ઍરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત છે.

તોફાન ક્યારે શરૂ થયું?

આ શક્તિશાળી હિમ તોફાનની શરૂઆત 23 ફેબ્રુઆરી 2026, સોમવારની મોડી રાતથી થઈ હતી. ત્યાર પછી બીજા દિવસે 24 ફેબ્રુઆરીની સવાર સુધીમાં તો તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે સુરક્ષાના પગલાં લેવા પડ્યા હતા. નિષ્ણાતોના મતે, આ સિઝનનું આ સૌથી શક્તિશાળી હિમ તોફાન હોઈ શકે છે. આ પ્રકારના હિમ તોફાનને 'બોમ્બ ચક્રવાત' (Bomb Cyclone) કહેવામાં આવે છે. 

શું છે આ 'બોમ્બ ચક્રવાત'?

હવામાન વિજ્ઞાનીઓએ આ તોફાનને દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે, જેને 'બોમ્બ ચક્રવાત' (Bomb Cyclone) કહેવામાં આવે છે. 'બોમ્બ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે 24 કલાકના ગાળામાં તોફાનનું દબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. આ પ્રકારના હિમ તોફાન મોટા ભાગે શરદ અને શિયાળામાં આવે છે. આ ગાળામાં આર્કટિકની ઠંડી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે અથડાય છે, જેથી આ સ્થિતિ સર્જાય છે. 

રાહતકાર્ય વચ્ચે નાગરિકોએ આનંદ માણ્યો

આ હિમ તોફાન વચ્ચે પણ કેટલાક પ્રવાસીઓ ટાઇમ્સ સ્ક્વેર પર નાચતા અને સ્લેજિંગનો આનંદ લેતા જોવા મળ્યા હતા. જો કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ખતરો હજુ ટળ્યો નથી. આ સપ્તાહના અંતમાં વધુ એક તોફાન આવવાની શક્યતા છે. વહીવટી તંત્રે નેશનલ ગાર્ડ પણ તહેનાત કરી દીધા છે અને રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે.