World

યુરોપમાં આગ ઓકતું આકાશ : ફ્રાન્સમાં 1000નાં મોત

By GS Team
28 Jun 20264 mins read
TukuTouch Logo
યુરોપના 16 દેશોમાં વિક્રમી કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. સ્પેનમાં 45.1 ડિગ્રી તાપમાન નોંધાતા 212 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં 1,000થી વધુ સ્કૂલો બંધ કરાઈ છે અને 50,000 ઘરોમાં વીજળી ગુલ થઈ છે. બ્રિટનમાં 3 દિવસ 'રેડ વોર્નિંગ' જાહેર કરાઈ. જર્મનીના ઇતિહાસમાં 41.5 ડિગ્રી તાપમાન સાથે જંગલોમાં આગ લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપમાં આગ ઓકતું આકાશ : ફ્રાન્સમાં 1000નાં મોત
  • બ્રિટનથી નોર્ડિક દેશો સહિત 16 દેશોમાં વિક્રમી કાળઝાળ ગરમી
  • બ્રિટનના ઈતિહાસમાં પહેલી વખત સતત ત્રણ દિવસ 'રેડ વોર્નિંગ' સ્પેનમાં સૌથી વધુ 45.1 ડિગ્રી સે. તાપમાન, 212નાં મોત
  • ફ્રાન્સમાં 50,000 ઘરોમાં વીજળી ડૂલ : યુરોપમાં એસી, કુલર અને પંખાની ખરીદી માટે પડાપડી
  • જર્મનીના ઈતિહાસમાં સૌથી વધુ 41.5 ડિગ્રી સે. તાપમાન, જર્મની, સ્પેન, ડેન્માર્કના જંગલોમાં આગ
  • હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને શ્વાસ લેવામાં તકલીફના દર્દીઓની સંખ્યામાં અચાનક અનેક ઘણો વધારો થયો
  • ફ્રાન્સના પિસોસમાં 44.3 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ, બ્રિટન-ફ્રાન્સમાં 1000થી વધુ સ્કૂલો બંધ કરવી પડી
  • ઈટાલીના 18 શહેરોમાં રેડ એલર્ટ, પો નદી સુકાતા દુષ્કાળનો ભય
    પેરિસ/બર્લિન: પશ્ચિમ યુરોપને આગની ભઠ્ઠીમાં શેક્યા પછી હવે કાળઝાળ હીટવેવનું મોજું મધ્ય અને પૂર્વીય યુરોપ તરફ ફંટાયું છે, જેના પગલે જર્મની, સ્વીટ્ઝર્લેન્ડથી ડેન્માર્ક સુધી વિક્રમી તાપમાન નોંધાયું છે. ફ્રાન્સમાં ભયાનક હીટવેવના કારણે માત્ર ચાર દિવસમાં ૧,૦૦૦ વધારે લોકોનાં મોત થયા છે, જેમાં ૮૫ ટકા મોત વૃદ્ધોના થયા છે. ઐતિહાસિક 'ઓમેગા બ્લોક' ગરમીના મોજાએ યુરોપના ૧૬ દેશોમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. સામાન્ય રીતે ઠંડો પ્રદેશ ગણાતા યુરોપમાં જૂન મહિનામાં અનેક દેશોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. યુરોપના અંદાજે ૧૯.૧ કરોડ લોકો ૩૫ ડિગ્રીથી વધુ ગરમીમાં શેકાઈ રહ્યા છે.
    ફ્રાન્સમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પિસોસ શહેરમાં રવિવારે તાપમાન ૪૪.૩ ડિગ્રી સે. નોંધાયું છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ તાપમાન ૩૦ ડિગ્રી સે.ને પાર થઈ ગયું છે, જેને પગલે રવિવાર ફ્રાન્સનો સૌથી ગરમ દિવસ રહ્યો. અહીં રાતનું તાપમાન પણ સરેરાશ ૨૨ ડિગ્રી સે.થી નીચે ગયું નથી. ફ્રાન્સે જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
    ફ્રાન્સના સ્વાસ્થ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે વિક્રમી હીટવેવના સમયમાં ૨૪થી ૨૭ જૂન વચ્ચે લગભગ ૧,૦૦૦ વધારાના લોકોનાં મોત થયા છે. વધારે મોતનો મતલબ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી સરેરાશ મોતની સરખામણીમાં આ વર્ષે અંદાજે ૧,૦૦૦ લોકો વધુ મર્યા છે. જોકે, સરકારે અગાઉના કે આ વર્ષના મૃત્યુઆંકનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી.
    ગરમીના કારણે રસ્તા, ટ્રેકના લોખંડના પાટા પીગળવાનું જોખમ સર્જાતા ટ્રેનો રોકવી પડી છે, હાઈવે બંધ કરવા પડયા છે. વીજળી ઠપ થવાના કારણે ૫૦,૦૦૦થી વધુ ઘરમાં લોકો વીજળી વિના પરેશાન થઈ ગયા હતા. ગરમીથી લોકો એટલા હેરાન-પરેશાન થઈ ગયા છે કે ફ્રાન્સના શૈમ્બૈરી શહેરની દુકાન હોય કે પેરિસનું સુપરમાર્કેટ, લોકો પંખા, એસી, કુલરની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે. એસીથી લઈને પંખા ખરીદવા સમગ્ર યુરોપમાં પડાપડી થઈ રહી છે. સુપરમોલથી લઈને નાની દુકાનોમાં મિનિટોમાં એસી, કુલર, પંખાનું વેચાણ થઈ રહ્યું છે.
    બ્રિટનના ઈતિહાસમાં પહેલી વખત સતત ત્રણ દિવસ સુધી 'રેડ વોર્નિંગ' જાહેર કરવી પડી છે. બ્રિટનમાં જૂનમાં ગરમીએ ૫૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં તાપમાન ૩૬.૪ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે, જે જૂનમાં ગરમીનો નવો રેકોર્ડ છે. ગરમીના કારણે વીજળીની માગ ૪૫ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી છે. હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને શ્વાસ લેવામાં તકલીફના દર્દીઓની સંખ્યામાં અચાનક અનેક ઘણો વધારો થયો છે, જેથી મોટી હોસ્પિટલોએ ઈમર્જન્સી જાહેર કરવી પડી છે. સમગ્ર બ્રિટનમાં ૧,૦૦૦થી વધુ સ્કૂલો બંધ કરવી પડી છે.
    યુરોપમાં સ્પેનમાં સૌથી વધુ ૪૫ ડિગ્રી સે. સુધી તાપમાન પહોંચ્યું છે. સ્પેનના એંડુજારમાં તાપમાન ૪૫.૧ ડિગ્રી સે. નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસમાં ગરમીના કારણે સ્પેનમાં ૨૦૦થી વધુનાં મોત થયા છે. અત્યાધિક સુષ્ક અને ભયાનક ગરમીના કારણે સ્પેનના જંગલોમાં ભયાનક આગ લાગી છે. આગથી બચવા અનેક કસ્બાને ખાલી કરવા પડયા છે.
    પશ્ચિમ યુરોપની હીટવેવ મધ્ય અને પૂર્વ તરફ ફંટાતા પૂર્વીય જર્મનીના ડ્રૈવિટ્ઝમાં શનિવારે તાપમાન ૪૧.૫ ડિગ્રી સે. નોંધાયું હતું, જે જર્મનીના ઈતિહાસનું સૌથી વધુ તાપમાન છે. કુબશુટ્સ શહેરમાં રાતનું તાપમાન ૨૯.૪ ડિગ્રી સે.થી નીચે નથી ગયું, જેથી અંદાજે ૧૫૦ વર્ષ રેકોર્ડ શરૂ થયા બાદ જર્મનીની સૌથી ગરમ રાત રહી.
    ઠંડા દેશ તરીકે ઓળખાતા ડેન્માર્કમાં પણ ભયાનક ગરમી પડી છે, જે સ્થાનિક લોકોએ ઈતિહાસમાં ક્યારેય અનુભવી નથી. ડેન્માર્કમાં તાપમાન ૩૭ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે, જે ૧૮૭૪માં રેકોર્ડની શરૂઆત થયા પછી સૌથી વધુ છે. આ પહેલાં ઓગસ્ટ ૧૯૭૫માં સૌથી વધુ ૩૬.૪ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. ઈટાલીમાં પણ ગરમી સતત વધી રહી છે. રોમ, મિલાન, વેનિસ સહિત ૧૮ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. પો નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે અને તેના સુકાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
    ચેક રિપબ્લિકમાં પણ તાપમાન વિક્રમી ૪૦.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. આ પહેલાં રાષ્ટ્રીય ઓલટાઈમ રેકોર્ડ ૪૦.૪ ડિગ્રી સે. હતો. પોલેન્ડમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીને પાર ગયું છે. પોર્ટુગલમાં તાપમાન સતત ૪૦ ડિગ્રી સે.થી ઉપર રહ્યું છે.

યુરોપમાં ક્યાં કેટલું તાપમાન

  • સ્પેનના એન્ડુજારમાં સૌથી વધુ ૪૫.૧ ડિગ્રી સે. તાપમાન નોંધાયું.
  • સ્પેનના બલબાઓમાં ૪૨.૭ ડિગ્રી સાથે જૂનનો સર્વોચ્ચ રેકોર્ડ તૂટયો.
  • ફ્રાન્સના પિસોસ શહેરમાં રવિવારે તાપમાન ૪૪.૩ ડિગ્રી સે. નોંધાયું
  • જર્મનીના ડ્રૈવિટ્ઝમાં ૪૧.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું.
  • સ્વીટ્ઝર્લેન્ડના બાસેલ શહેરમાં તાપમાન ૩૮.૮ ડિગ્રી સે. નોંધાયું.
  • ચેક રિપબ્લિકના ડોકસાનીમાં તાપમાન ૪૦.૮ ડિગ્રી સે. નોંધાયું.
  • દક્ષિણ ઈંગ્લેન્ડમાં તાપમાન ૩૬.૪ ડિગ્રી સે. સુધી પહોંચ્યું
  • ચેક રિપબ્લિકના ડોક્સાનીમાં તાપમાન ૪૦.૬ ડિગ્રી. સે. નોંધાયું.