World

નેપાળમાં જોખમી સરોવર ઓવરફ્લો થતાં સ્થિતિ વણસી

By GS Team
29 Aug 20265 mins read
TukuTouch Logo
નેપાળમાં પૂરની તારાજી વચ્ચે દક્ષિણ ચીનમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ગ્યિરોંગ બોર્ડર પોર્ટ પર હિમશિખર તૂટવાથી ભોટેકોશી-ત્રિશૂલી નદીઓમાં જળસ્તર વધ્યું, જેથી બચાવ કામગીરી અટકી. મૃત્યુઆંક 625ને પાર થયો છે, 4,451 લોકો બચાવાયા, જ્યારે 2,000 હજુ લાપતા છે. PM બાલેન શાહ અને મંત્રીઓએ 1 મહિનાનો પગાર રાહત ફંડમાં આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં જોખમી સરોવર ઓવરફ્લો થતાં સ્થિતિ વણસી
  • દક્ષિણ ચીનના સિયુઆનમાં 5.1 ના ભૂકંપથી વધુ મોટી તારાજીના ભણકારા
  • નેપાળમાં ભોટેકોશી-ત્રિશૂલીમાં જળસ્તર વધતા બચાવ કામગીરી અટકી મૃત્યુઆંક 625ને પાર, 4,451ને બચાવાયા, 2000 હજુ લાપતા
  • બચાવ-રાહત કાર્યોમાં 7,451 સુરક્ષા જવાનો જોડાયા, પીએમ બાલેન શાહ-મંત્રીઓએ એક મહિનાનો પગાર રિલિફ ફંડમાં આપ્યો

કાઠમંડુ/બેઈજિંગ : નેપાળમાં બે દિવસ પહેલાં આવેલા ફ્લેશ ફ્લડથી સર્જાયેલી તારાજીમાંથી દેશ અને લોકોને હજુ કળ વળી નથી ત્યાં શુક્રવારે સવારે દક્ષિણ ચીનના સિચુઆનમાં ૫.૧ની તિવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજતા નેપાળમાં નવેસરથી ફ્લેશ ફ્લડની ચેતવણી અપાી હતી. દક્ષિણ ચીનમાં ભૂકંપ બાદ ઉત્તર ચીન અને નેપાળ સરહદે ગ્યિરોંગ સરહદ પોર્ટ ઉપર હિમશિખર તૂટવાથી બનેલું સરોવર શુક્રવારે ઓવરફ્લો થવા લાગ્યું હતું, જેને પગલે ભોટેકોશી અને ત્રિશુલી નદીનું જળસ્તર વધવા લાગતા નેપાળમાં ફરી સ્થિતિ વણસી હતી અને લોકો ભયભીત થઈ ગયા હતા. બાલેન સરકારે બંને નદીના કિનારે રેસ્ક્યુ કામ અટકાવી દીધું હતું અને લોકોને પર્વત પર સલામત સ્થળે જતા રહેવા જણાવ્યું હતું.
નેપાળમાં બુધવારે આવેલા વિનાશક પૂરમાં કુલ મૃત્યુઆંક વધીને ૬૨૫ને પાર થઈ ગયો છે. બે દિવસથી ચાલતા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં વધુ મૃતદેહો મળી આવ્યા છે. આવા સમયે દક્ષિણ ચીનના સિચુઆન પ્રાંતમાં સવારે ૧૦.૪૩ કલાકે ૫.૧ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીન અર્થક્વેક નેટવર્કસ સેન્ટરે જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૩ કિ.મી. ઊંડું હતું. આટલી ઓછી ઊંડાઈએ થયેલા ધરતીકંપની ગંભીર અસર થઈ હોવાની આશંકા છે, પરંતુ જિનપિંગ સરકારે ભૂકંપના કારણે થયેલી જાન-માલની નુકસાનીની વિગતો જાહેર કરી નથી.
જોકે, નેપાળ અને તિબેટ સરહદે બુધવારે આવેલા પૂર પછી તિબેટમાં સર્જાયેલી તારાજી પછી ચાલતું સર્ચ અને રેસ્ક્યુ અભિયાન જિનપિંગ સરકારે થોડા સમય માટે અટકાવી દીધું હતું. સરકારે બચાવ કર્મચારીઓને નવી સૂચના ના મળે ત્યાં સુધી નદી કિનારેથી એક કિ.મી. દૂર ઊંચાઈવાળા ભાગોમાં પહોંચી જવા જણાવ્યું હતું. પ્રમુખ જિનપિંગે શુક્રવારે તિબેટમાં બચાવ અને રાહત કાર્યોની સમીક્ષા કરી હતી.
દરમિયાન નેપાળ-ચીન સરહદ નજીક ગ્યિરોંગ બોર્ડર પોર્ટ ઉપર હિમશિખર તૂટવાથી બનેલું સરોવર તૂટશે તો નેપાળમાં વધુ મોટી તારાજી આવી શકે છે તેવી ચીને ગુરુવારે ચેતવણી આપી હતી. ચીનમાં આવેલા ભૂકંપ પછી નેપાળમાં આ સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં ભોટેકોશી અને ત્રિશુલી નદીનું જળસ્તર વધવા લાગ્યું હતું. પરિણામે નુવાકોટ જિલ્લામાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન અટકાવી દેવાયું હતું.
નેશનલ ડિઝાસ્ટ રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા લોકો તેમજ ભોટેકોશી અને ત્રિશુલી નદીના વિસ્તારમાંથી લોકોને ઊંચાઈવાળા સલામત સ્થળે ખસી જવા નિર્દેશો આપ્યા હતા. નેપાળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, આઠ જિલ્લામાંથી બે દિવસમાં કુલ ૫૭૯ મૃતદેહો રિકવર કરાયા છે જ્યારે ૧૯૨૪ લોકો હજુ પણ લાપતા છે. ૧૫૪૫ ઈજાગ્રસ્તોને કાઠમંડુમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. નેપાળ સેના અને બચાવ ટૂકડીઓએ વિવિધ પ્રાંતોમાંથી કુલ ૪૪૫૧ લોકોને બચાવ્યા છે.
નેપાળ પોલીસે કહ્યું કે, નુવાકોટમાં થોડા કલાકો સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન અટકાવાયા પછી નેપાળ આર્મીના ૨,૩૯૧ સૈનિકો સહિત કુલ ૭,૪૫૧ સુરક્ષા જવાનોએ અભિયાન પુનઃ શરૂ કરી દીધું હતું. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ અને તેમના મંત્રીઓએ એક મહિનાનો પગાર ડિઝાસ્ટર રિલિફ ફંડમાં દાન કરવાનો નિર્ણય કર્યો હતો. કેબિનેટે પૂરથી અસરગ્રસ્ત લોકો અને ઉદ્યોગો માટે આર્થિક સહાય અને પુનર્વસન પેકેજની તૈયારી કરવા નાણામંત્રાલયને આદેશ આપ્યો હતો.
ચીને શુક્રવારે જણાવ્યું હતું કે, તિબેટમાં ચીન-નેપાળ સરહદ નજીક ગ્યિરોંગ બોર્ડર પોર્ટ ઉપર ફ્લેશ ફ્લડ પછી પાંચ લોકોનાં મોત થયા હતા અને ૨૬૦ વિદેશી સહિત ૫૫૮ લોકો લાપતા થયા છે. ચીનના અધિકારીઓએ ૫૫૫ પ્રવાસીઓ અને ૪૯૯ સ્થાનિક લોકો સહિત ૧,૦૦૦થી વધુ લોકોને ગ્યિરોંગ ક્ષેત્રમાંથી સલાતમ સ્થળે ખસેડયા હતા. હવે આ વિસ્તારમાં કોઈ પ્રવાસી ફસાયેલ નથી તેમ જિનપિંગ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

તિબેટની નિર્વાસિત સરકારનો ચીન પર આરોપ
હિમાલયમાં ડ્રેગન વિકાસના નામે મોતની જાળ પાથરી રહ્યું છે
હિમાલયમાં ચીનના જળાશયો, ડેમ, ગ્રીન એનર્જી, રેલવે લિંકના પ્રોજેક્ટ માનવતા માટે જોખમી

નવી દિલ્હી : નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે ત્યારે આ પૂરને કુદરતનો કેર ગણાવવામાં આવે છે. જોકે, તિબનેટની નિર્વાસિત સરકારે નેપાળમાં આવેલી હોનારત માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. આ હોનારત મુદ્દે સેન્ટ્રલ તિબેટ એડમિનિસ્ટ્રેશન (સીટીએ)એ કહ્યું કે તિબેટના પઠાર પર ચીન સરકાર પર્યાવરણના ધજાગરા ઉડાડતા પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે અને આ પ્રાકૃતિક આપત્તિના જોખમને વધારી રહી છે.
ચીન ગ્રીન એનર્જી અને વિકાસના બહાને તિબેટના અત્યંત સંવેદનશીલ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. તિબેટ પઠાર પર ચીનની સરકાર પર્યાવરણનો નાશ કરતા પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે, જેનાથી તાપમાન બમણી ઝડપે વધી રહ્યું છે. ગ્રીન એનર્જીના નામે ચીન બેધડક અને બેજવાબદારીપૂર્ણ રીતે નિર્માણ કાર્યો કરી રહ્યું છે, જેમાં મોટા જળાશયો અને ડેમનું નિર્માણ, સૌર ઊર્જા પ્રોજેક્ટ, રેલવે લિંક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ચીનના આ બેજવાબદારીપૂર્ણ કામો સમગ્ર માનવતાને જોખમમાં મૂકી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દુનિયા ચૂપ રહેશે તો આગળ જઈને મોટા જોખમો ઊભા થઈ શકે છે. આ પહેલા નેપાળના પૂર્વ મંત્રી અને અનેક નિષ્ણાતોએ પણ ચીન પર ગંભીર આરોપ મૂક્યા હતા. ત્યાર બાદ ચીને આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

નેપાળમાં ફસાયેલા ૨૧ ભારતીય દિલ્હી પાછા ફર્યા
નેપાળ પૂરમાં ૩૨૦ ભારતીય લાપતા, ચીનમાં ૪૦૦ ફસાયા

નવી દિલ્હી : ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નેપાળમાં ફસાયેલા ૨૧ ભારતીય નાગરિક સુરક્ષિત રીતે દિલ્હી પાછી ફર્યા છે. વિદેશ મંત્રી જયશંકરે આ લોકોની મુલાકાત લીધી હતી. જયશંકરે કહ્યું કે, નેપાળમાં હજુ પણ અંદાજે ૩૨૦થી વધુ ભારતીયોનો સંપર્ક થઈ રહ્યો નથી. ભારત સરકાર સતત નેપાળના સંપર્કમાં છે અને પોતાના નાગરિકોના સુરક્ષિત પાછા ફરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
બીજીબાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, નેપાળમાં સર્જાયેલી કુદરતી આફત પછી ચીન સરદે અંદાજે ૪૦૦ ભારતીય નાગરિકો ફસાયા છે. આ બધા જ સુરક્ષિત છે. તેઓ તેમના પરિવારોના સંપર્કમાં છે. બેઈજિંગમાં ભારતીય દૂતાવાસ પણ તેમના સંપર્કમાં છે. આ ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવાની યોજના બનાવાઈ રહી છે. ચીનના તિબેટ ક્ષેત્રમાંથી ૯૩ ભારતીયો નેપાળ પહોંચી ગયા છે.