ખૈબરમાં ઇમરાનની પાર્ટી પાસેથી શરીફે સત્તા ઝૂંટવી, ઇમર્જન્સી લાગુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. રવિવારે ૧૧ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખૈબર પ્રાંતની ઇમરાન ખાનની પાર્ટીની સરકારને ભંગ કરીને ઇમર્જન્સી લાગુ કરી દીધી હતી. આ નિર્ણયો સાથે જ પ્રાંતમાંથી પીટીઆઇના તમામ અધિકારોને છીનવી લેવાયા, ઇમરાન ખાનને છોડી મુકવાની માગ સાથે હાલ તેમનો પક્ષ રસ્તા પર ઉતર્યો છે.
પાકિસ્તાનમાં હાલમાં કેન્દ્રમાં શહબાઝ શરીફની સરકાર છે, જ્યારે અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલા ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટીનું શાસન હતું, ઇમરાન ખાન ત્રણ વર્ષથી જેલમાં કેદ છે. તેમનો પક્ષ અને સમર્થકો હાલ વિશાળ રેલીઓ કરીને ઇમરાનને છોડવાની માગણી સાથે આંદોલન પર ઉતર્યા છે. એવા સમયે જ ખૈબરમાં વિપક્ષ પાસેથી શાસન છીનવી લઇને શહબાઝ શરીફે રાષ્ટ્રપતિને કહીને ઇમર્જન્સી લાગુ કરી દીધી છે. જેને પગલે પાકિસ્તાનમાં સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ઇમર્જન્સી લાગુ કરવાના નિર્ણયને લઇને શહબાઝ શરીફ સરકારે એવી દલીલ કરી હતી કે ખૈબરમાં આતંકવાદ વધી રહ્યો છે, જેને રોકવામાં ઇમરાન ખાનની પાર્ટીની સરકાર નિષ્ફળ રહી છે, જેને કારણે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
જોકે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી તેના થોડા જ સમય બાદ પીટીઆઇના નેતાઓએ વિરોધ શરૂ કરી દીધો હતો, જુનૈદ અખતર નામના નેતાએ કહ્યું હતું કે ઇમર્જન્સી લાગુ કરતાની સાથે જ ખૈબરના મુખ્યમંત્રી સોહૈલ આફ્રિદીની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાંતના પ્રદેશ પ્રમુખને પણ પોલીસ પકડી ગઇ છે. હવે ખૈબરમાં પ્રાંતના રાજ્યપાલના હાથમાં શાસન આવી જશે. આગામી છ મહિના સુધી હવે પ્રાંતમાં કોઇ જ ચૂંટણી નહીં યોજાય અને કેન્દ્રની શહબાઝ શરીફ સરકારના હાથમાં શાસન રહેશે. બીજી તરફ ઇમરાન ખાનને છોડી મુકવાની માગણી સાથે ખૈબરથી ઇસ્લામાબાદમાં રેલી પહોંચી રહી છે.




