World

એસસીઓમાં મોદી, જિનપિંગ, પુતિન, શાહબાઝ એક મંચ પર આવશે

By GS Team
11 Sep 20221 min read
This article was originally published on 11 Sep 2022
એસસીઓમાં મોદી, જિનપિંગ, પુતિન, શાહબાઝ એક મંચ પર આવશે

નવી દિલ્હી, તા.૧૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ગુરુવાર-શુક્રવારે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે. યુક્રેન-રશિયા સંઘર્ષ તેમજ પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ પછી પહેલી વખત ભારત, ચીન, રશિયા, પાકિસ્તાનના વડા એકમંચ પર આવશે.

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ૧૫મી અને ૧૬મી એ યોજાનારી એસસીઓની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની દ્વિ-પક્ષીય વાટાઘાટો યોજાવાનું નિશ્ચિત છે. જોકે, મોદી અને જિનપિંગની દ્વિપક્ષીય બેઠક અંગે હજુ સુધી કોઈ અહેવાલ મળ્યા નથી. એટલું જ નહીં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત થશે કે નહીં તે અંગે પણ બંને દેશના અધિકારીઓએ ચૂપકિદી જાળવી રાખી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી બેઠક દરમિયાન અન્ય દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે થોડાક દિવસ પહેલાં કહ્યું હતું કે એસસીઓમાં પીએમ મોદી અને પ્રમુખ પુતિન વચ્ચે મુલાકાત થશે. એસસીઓમાં કુલ આઠ સભ્યો છે, જેમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે.