ચારેકોર તબાહી અને કાટમાળના દૃશ્યો, ઈરાને પહેલીવાર ખામેનેઈના ઘરનો VIDEO શેર કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran releases Khamenei house footage: અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પહેલીવાર પોતાના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના ઘરનો વીડિયો જાહેર કર્યો છે. બુધવારના રોજ ખામેનેઈની સત્તાવાર વેબસાઇટ અને દેશના સરકારી ટીવી દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં યુદ્ધ દરમિયાન થયેલા હુમલા બાદ ખામેનેઈના નિવાસસ્થાન પરિસરમાં આવેલી મસ્જિદ અને ઇમારતોને થયેલું ભારે નુકસાન દેખાઈ રહ્યું છે.
આ વીડિયોને 'ફેબ્રુઆરી/માર્ચ 2026માં ઇમામ ખુમેની હુસૈનીયા પર અમેરિકાના કાયરતાપૂર્ણ હુમલા' એવું કેપ્શન આપવામાં આવ્યું છે, જેમાં ઇમારતોનો કાટમાળ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
'ઇમામ ખુમેની હુસૈનીયા' હોલ સંપૂર્ણપણે ધ્વસ્ત
તેહરાનના મધ્યમાં આવેલો આ ઇમામ ખુમેની હુસૈનીયા હોલ ખામેનેઈના રહેણાંક પરિસરની અંદર જ સ્થિત હતો. આ એ જ જગ્યા છે જ્યાં ખામેનેઈ મહત્ત્વની બેઠકો યોજતા હતા અને જાહેર સભાઓને સંબોધિત કરતા હતા. જાહેર કરાયેલા 35 સેકન્ડના વીડિયોમાં અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાને કારણે આખી ઇમારતનું માળખું ધરાશાયી થયેલું, લોખંડના બીમ વળેલા અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. આ જ હુમલાઓમાં ખામેનેઈનું મોત નીપજ્યું હતું.
બે વખત થયો હતો ભીષણ હુમલો
અહેવાલો અનુસાર, આ પરિસર પર પહેલો હુમલો 28 ફેબ્રુઆરીના રોજ થયો હતો. ત્યારપછી માર્ચ મહિનામાં ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેમણે આ રહેણાંક પરિસરની નીચે આવેલા એક વિશાળ અંડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું.
આજે આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિ કરાશે
બીજી તરફ, આયતુલ્લા અલી ખામેનેઈના પાર્થિવ દેહને આજે એટલે કે ગુરુવારે તેમના વતન મશહદમાં દફનાવવામાં આવશે. આ સાથે જ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી તેમની અંતિમ સંસ્કાર યાત્રાનો અંત આવશે. આ વિશાળ યાત્રા ઈરાનના તેહરાન, કોમ સહિત ઇરાકના શિયા ધાર્મિક શહેરો નજફ અને કરબલામાંથી પસાર થઈ હતી, જ્યાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા.









