- અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના યુદ્ધમાં નવો ઘટસ્ફોટ
- જાહેરમાં શાંતિ અને ઈરાન સાથે ભાઈચારાની વાતો કરતા પ્રિન્સ સલમાને ઈઝરાયેલ સાથે મળી પલીતો ચાંપ્યો
- મધ્ય-પૂર્વમાં યુદ્ધ રોકવા માટે તૂર્કીયેના પ્રમુખ એર્દોગને બધા પક્ષો સાથે વાટાઘાટો શરૂ કરી
દુબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ બોમ્બ સહિત અનેક મુદ્દાઓ પર વાટાઘાટો ચાલુ હતી અને સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનેઈ જીવતા હતા ત્યાં સુધી મધ્ય-પૂર્વમાં તેઓ ઈસ્લામાના નામે મુસ્લિમ દેશોને એક થવા માટે હાકલ કરતા રહ્યા. સાઉદી અરબ પણ મધ્ય-પૂર્વમાં શાંતિની વાતો કરતું રહ્યું, પરંતુ ઈરાન પર હુમલા કરવા સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાને જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ઉશ્કેર્યા હોવાનો હવે ઘટસ્ફોટ થયો છે. બીજીબાજુ તૂર્કીયેના પ્રમુખ એર્દોગને મધ્ય-પૂર્વમાં યુદ્ધ રોકવા માટે બધા પક્ષો સાથે વાતચીત શરૂ કરી હોવાનો દાવો કર્યો છે.
અમેરિકન મીડિયાના દાવા મુજબ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ)એ ડોનાલ્ડ ટ્રમ્પને અનેક વખત ખાનગી ફોન કોલ કરીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ઈરાન પર હુમલા માટે ભલામણ કરી હતી. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કરીને મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ કરી દીધું છે.
અમેરિકન અખબારે ચાર લોકોને ટાંકીને જણાવ્યું કે, સાઉદી અરબના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાને ગયા મહિને ટ્રમ્પને અનેક વખત ખાનગી કોલ કર્યા હતા. આ સમયે તેઓ વારંવાર ટ્રમ્પને ઈરાન પર હુમલા માટે ઉશ્કેરતા રહ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે ઈરાન પર હુમલા માટે ઈઝરાયેલની સાથે એમબીએસે પર વારંવાર લોબિંગ કર્યું હતું.આ રિપોર્ટ મુજબ પ્રમુખ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ રાજદ્વારી સમાધાન કાઢવા માગતા હતા, પરંતુ સાઉદીના ક્રાઉન પ્રિન્સ આક્રમણ કરવા પર ભાર મૂકી રહ્યા હતા. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે ઈરાન મુદ્દે બેવડું વલણ અપનાવ્યું હતું. એક તરફ તેઓ જાહેરમાં ઈરાનની તરફેણમાં નિવેદનો આપી રહ્યા હતા જ્યારે હકીકતમાં તેઓ અંદરથી હુમલા માટે લોબિંગ કરી રહ્યા હતા.
સાઉદી અરબ જાહેરમાં મધ્ય-પૂર્વમાં શાંતિ અને કૂટનીતિની વાતો કરી રહ્યું હતું. ઈરાન પર હુમલા માટે અમેરિકા અને ઈઝરાયેલને સાઉદીના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે તેમ કહેતું હતું, પરંતુ પડદા પાછળ ક્રાઉન પ્રિન્સ એમબીએસે ટ્રમ્પના મનમાં ઠસાવ્યું કે, ઈરાનને માત્ર અને માત્ર સૈન્ય તાકાતથી જ રોકી શકાય છે. ટ્રમ્પને તેમણે ત્યાં સુધી કહ્યું કે, અમેરિકા હુમલો નહીં કરે તો ઈરાન વધુ શક્તિશાળી બની જશે. વધુમાં તેમણે અમેરિકાને એવું પણ આશ્વાસન આપ્યું કે, ઈરાન વળતો હુમલો કરશે તો સાઉદી અરબ દુનિયામાં ક્રૂડના પુરવઠા અને પ્રાદેશિક સુરક્ષાને સંભાળવામાં મદદ કરશે. ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પર દબાણ માટે તેમના જમાઈ જેરેડ કુશ્નર સાથે તેમના અંગત સંબંધોનો પણ ઉપયોગ કર્યો હતો.
દરમિયાન મુસ્લિમ દેશોમાં 'ખલિફા'નું પદ હાંસલ કરવા આતુર તૂર્કીયેના પ્રમુખ એર્દોગને ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ ખતમ કરાવવા બધા પક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. તૂર્કીયેના વિદેશ મંત્રી હકન ફિદાને કહ્યું કે તૂર્કીયે વાતચીતના ટેબલ પર પાછા ફરવાનો રસ્તો શોધવા માટે બધા પક્ષો સાથે વાત કરી રહ્યું છે. આ મુદ્દે તેમણે ઓમાન સાથે પણ વાતચીત કરી છે, કારણ કે ઓમાન પણ વાતચીત માટે કામ કરી રહ્યું છે.


