World

સાઉદી અરેબિયા અને કતાર પાક.ને પાંચ અબજ ડોલર આપશે

By GS TEAM
12 Apr 20261 min read
સાઉદી અરેબિયા અને કતાર પાક.ને પાંચ અબજ ડોલર આપશે


(પીટીઆઇ)     ઇસ્લામાબાદ, તા. ૧૨

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સાઉદી અરેબિયા અને કતાર પાસેથી પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા મળવાની છે તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ મદદ તેની નબળી આર્થિક સહાયતા માટે વરદાનરૃપ સાબિત થશે. સ્થાનિક મીડિયા અનુસાર આ મદદ એવા સમયે આવશે જ્યારે ઇસ્લામાબાદ ચાલુ મહિને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ને ૩.૫ અબજ ડોલર ચુકવવાની તૈયારી કરી રહ્યું છે અને તેના ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર દબાણ બનેલુ છે.

નાણા મંત્રાલયનાં સૂત્રોનાં સંદર્ભથી  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનનાં નબળા ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર પડનારા દબાણને ઘટાડવા માટે સાઉદી અરેબિયા અને કતાર પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા કરશે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે નાણા પ્રધાન મોહમ્મદ ઔરંગઝેબ આઇએમએફ-વિશ્વ બેંકની સ્પ્રિંગ મિટિંગમાં ભાગ લેવા અને પાકિસ્તાનની આર્થિક કૂટનીતિને આગળ વધારવા માટે વોશિંગ્નટનનાં પ્રવાસે છે.

ઔરંગઝેબ ૧૩ થી ૧૮ એપ્રિલ સુધી થનારી આ બેઠકોમાં ભાગ લેશે. જ્યાં તે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) અને વિશ્વ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા કરશે.

નીતિ ઘડનારાઓ આ મુલાકાતોને એક વ્યાપક વ્યૂહાત્મક પહોંચનો ભાગ માની રહ્યાં છે. તેનાથી સંકેત મળી રહ્યાં છે કે વર્તમાન સ્થિતિમાં કાર્યક્રમની કડક શરતોે અથવા યુએઇ જેવા ત્રીજા પક્ષનાં ગેરંટર પર નિર્ભરતા જેવા પારંપરિક કારકોનું મહત્ત્વ કદાચ સમાપ્ત થઇ જશે.