Get The App

રશિયાની હાયપરસોનિક મિસાઇલથી કીવમાં કચ્ચરઘાણ

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
રશિયાની હાયપરસોનિક મિસાઇલથી કીવમાં કચ્ચરઘાણ 1 - image

- ઝેલેન્સ્કીએ યુક્રેનનાં લોકોને એલર્ટ રહેવાની ચેતવણી આપી

- રશિયાનાં હુમલામાં 600 સ્ટ્રાઇક ડ્રોન અને 90 હવા, સમુદ્ર અને જમીનથી લોન્ચ કરવામાં આવેલી મિસાઇલ પણ સામેલ 

- યુક્રેનમાં અલ્બાનિયાનાં રાજદૂતનાં રહેઠાણ ઉપર હુમલો : યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલો નષ્ટ કરી

કીવ: રશિયાએ યુક્રેન પર કરેલા ભીષણ હુમલામાં હાયપરસોનિક ઓરેશનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનનાં એરફોર્સ અનુસાર આ હુમલામાં ૬૦૦ સ્ટ્રાઇક ડ્રોન અને ૯૦ હવા, સમુદ્ર અને જમીનથી લોન્ચ કરવામાં આવેલી મિસાઇલ સામેલ હતી. 

યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ૫૪૯ ડ્રોન અને ૫૫ મિસાઇલોને નષ્ટ કરી હતી અથવા જામ કરી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે લગભગ ૧૯ મિસાઇલો પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

અલ્બાનિયાનાં વિદેશ પ્રધાન ફેરિક હોક્સાએ જણાવ્યું હતું કે આ હુમલા દરમિયાન યુક્રેનમાં અલ્બાનિયાનાં રાજદૂતનાં રહેઠાણ ઉપર પણ હુમલો થયો હતો. તેમણે આ હુમલાને અસ્વીકાર્ય અને ગંભીર તંગદિલી ગણાવી તેની નિંદા કરી હતી.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ઓરેશનિક મિસાઇલ જે પરમાણુ અથવા પારંપરિક વોરહેડ લઇ જવામાં સક્ષમ છે તેણે કીવ ક્ષેત્રનાં બિલા ત્સેરકવા શહેર પર હુમલો કર્યો હતો.

બીજી તરફ સ્થાનિક અધિકારીઓએ રવિવાર સવારે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદે આવેલા બેલગોરોદ વિસ્તારનાં રશિયન શહેર ગ્રેવોરોનમાં એક યુક્રેની ડ્રોન હુમલામાં એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું.

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની સેનાઓએ શનિવાર અને રવિવાર વચ્ચેની રાત દરમિયાન યુક્રેનનાં ૩૩ ડ્રોન તોડી પાડયા હતાં કે જામ કરી દીધા હતાં. જેમાં મોસ્કો ક્ષેત્ર, પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી રશિયા અને રશિયાનાં કબજાવાળા ક્રિમિયાની ઉપર ઉડી રહેલા ડ્રોન સામેલ હતાં. 

રશિયા યુક્રેન યુદ્ધ બેહદ ખતરનાક વળાંકે પહોંચ્યું છે તે અટકવાનું નામ નથી લેતું. પૂર્વે યુક્રેને રશિયા ઉપર ડ્રોન વિમાનોથી કરેલા હુમલાનું વેર વાળવા રશિયાએ શનિવાર-રવિવાર વચ્ચેની રાત્રીએ ૧ વાગે યુક્રેનનાં પાટનગર કીવ ઉપર પ્રચંડ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. તેમાં કેટલીએ મોટી ઈમારતો, સ્કૂલો, અન્ય નાગરિક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.

 જોકે હજી સુધીમાં માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પ્રમુખ ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ રહેવા જણાવી દીધું છે.આ ધમાકો થયો તે પહેલાં થોડા સમયે યુક્રેનનાં એરફોર્સે આવા હુમલાની સંભાવના અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેણે જણાવ્યું હતું કે રશિયા તેના બેહદ ખતરનાક ઓરેશનિક હાઈપર સોનિક બેલાસ્ટિક મિસાઇલ્સથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

કીવના મેયરે જણાવ્યું હતું કે, નુકશાન વેઠેલા વિસ્તારોમાં રાહતકાર્ય ઝડપભેર ચલાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર યુક્રેનમાં 'એર-ડીફેન્સ સીસ્ટીમ' હાઈ એલર્ટ પર મુકી દેવાઈ છે.

રશિયાના આ હુમલાની કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઉગ્ર ટીકા કરી છે.

રશિયાના આ હુમલા પૂર્વે પ્રમુખ ઝેલેન્સ્કીએ દેશવાસીઓને શનિવારે સાંજે જ કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે, પુતિનની સેના કોઈ એક જ સ્થળને નહીં પરંતુ એક સાથે અનેક સ્થળોને - પાટનગર કીવ સહિત લગભગ તમામ શહેરો ઉપર એક સાથે નિશાન બનાવવા માગે છે. તેની પાસે અનેક પ્રકારનાં ઘાતક શસ્ત્રો છે. શનિવારે રાત પડતાં જ સાયરન વગાડવામાં આવશે તેને જરા પણ હળવી રીતે ન લેતા, કારણ કે રશિયાનાં પાગલ મનની કોઈ સીમા નથી. તેથી સાયરન વાગે કે તુર્તજ બંકરોમાં છુપાઈ જજો.