- હુમલામાં યુક્રેનનાં એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં આગ લાગી
- રશિયાએ સમગ્ર રાતમાં કીવ, ખાર્કિવ અને નિપ્રો શહેરો પર 611 ડ્રોન અને 70 મિસાઇલ છોડી, જી-7 દેશો રશિયા સામે જવાબી કાર્યવાહી કરે : ઝેલેન્સ્કીની માંગ
કીવ : રશિયાએ સમગ્ર રાત યુક્રેનનાં સૌથી મોટા શહેરો પર અનેક ડ્રોન અને કેટલીક મિસાઇલો છોડી હતી જેમાં ૧૧ લોકોનાં મોત થયા છે તથા એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં આગ લાગી હતી તેમ યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કી અને અન્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઝેલેન્સ્કી અને રશિયાનાં પ્રમુખ પુતીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર અલગ અલગ વાત કર્યા પછી યુક્રેનની રાજધાની કીવ અને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર હુમલા કરવામાં આવ્યા હતાં.
આ વાતચીતથી સંકેત મળે છે કે અમેરિકાએ ૨૦૨૨માં રશિયા દ્વારા પોતાના પાડોશી દેશ યુક્રેન પર કરેલા પૂર્ણ આક્રમણ પછી શરૂ થયેલી લડાઇને રોકવા માટે પોતાના રાજદ્વારી પ્રયાસોને છોડયા નથી.
યુક્રેન યુદ્ધ ફ્રાન્સમાં યોજાનાર જી-૭ શિખર સંમેલનમાં થનારી મંત્રણામાં પણ ચર્ચાનો વિષય બનનારો છે. ઝેલેન્સ્કી અને ટ્રમ્પ આ સંમેલનમાં ભાગ લે તેવી શક્યતા છે.
ઝેલેન્સ્કીએ એક્સ પર એક પોસ્ટમાં સમગ્ર રાત થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આવી રીતે રશિયા વિશ્વને યુદ્ધ ચાલુ રાખવાનો ઇરાદો દર્શાવી રહ્યો છે. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જી-૭ દેશો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવે. અને આ પ્રતિક્રિયા નિર્ણાયક અને મજબૂત હોય. રશિયા પર વધારે દબાણ બનાવવામાં આવે. યુક્રેનની હવાઇ સુરક્ષા વધારવામાં આવે અને યુક્રેનની બેલેસ્ટિક વિરોધી ક્ષમતાઓને વધારે સમર્થન આપવામાં આવે.
કીવમાં ઘાયલ થયેલા લોકોમાં પણ બાળકો સામેલ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં સમગ્ર યુક્રેનમાં ૧૧ નાગરિક અને ઇમરજન્સી કર્મચારીઓનાં મોત થયા છે અને ૫૩ લોકો ઘાયલ થયા છે.
કીવમાં થયેલા બોંબમારાથી કીવ-પેચેર્સ્ક લાવરાને નુકસાન થયું છે. જે ૧૧મી સદીનું એક મઠ પરિસર અને ધાર્મિક સ્થળ છે. કીવ-પેચેર્સ્ક લાવરા જેને કેવ્સનો મઠ પણ કહેવામાં આવે છે તે એક મઠો અને ચર્ચોનો વિશાળ પરિસર છે.
યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાતમાં ૭૦ મિસાઇલ અને ૬૧૧ ડ્રોન છોડયા હતાં. આ હુમલાઓમાં મુખ્યવે કીવ, નિપ્રો અને ખાર્કિવ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.


