રશિયાનો કીવ પર ઘાતક હુમલો: એક ભારતીય સહિત 12 લોકોના મોત થયાનો ઝેલેન્સ્કીનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રિભર મિસાઇલ અને ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ મંગળવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ હુમલાઓમાં કુલ 12 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેના કારણે કીવમાં ફરી એકવાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
મૃતકોમાં એક ભારતીય નાગરિક પણ સામેલ
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, રશિયા દ્વારા કરવામાં આવેલા આ વિનાશક હુમલામાં જીવ ગુમાવનારા 12 નાગરિકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. સતત 6ઠ્ઠા દિવસે રશિયન દળોએ કીવને નિશાન બનાવીને હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. આ હુમલાના કારણે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં યુદ્ધની ગંભીરતા અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રહેણાંક ઇમારતો અને પાયાની સુવિધાઓને ભારે નુકસાન
રશિયન સેનાએ મધ્યરાત્રિએ કીવ શહેર અને સમગ્ર કીવ ક્ષેત્ર પર એકસાથે અનેક મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. ધમાકાના પ્રચંડ અવાજોથી આખું શહેર ગૂંજી ઊઠ્યું હતું. યુક્રેની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, હુમલામાં અનેક બહુમાળી રહેણાંક ઇમારતો, નાગરિક પાયાની સુવિધાઓ અને અન્ય મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ સ્થળ પર આગ ફાટી નીકળતાં ઇમરજન્સી સેવાઓ અને રાહત ટુકડીઓને તુરંત બચાવ કામગીરીમાં જોડવામાં આવી હતી.
રાહત અને બચાવ કામગીરી ઝડપી કરાઈ
ઘટનાસ્થળે પહોંચેલી ઇમરજન્સી ટીમો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. યુક્રેનિય સત્તાવાળાઓએ નાગરિકોને એર રેડ એલર્ટ દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે. આ ભયાનક હુમલા બાદ ભારતીય નાગરિકના મોત અંગે વિદેશ મંત્રાલય દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.





