Deputy Chief of Russian Military Intelligence Shot : રશિયન મિલિટરી ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર એલેક્સીવ પર છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ મોસ્કોમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હાલ એલેક્સીવ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક છે. આ હુમલો રશિયાના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની શ્રેણીબદ્ધ હત્યાના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, આ પહેલા મોસ્કોમાં જ રશિયાના ત્રણ ઉચ્ચ લશ્કરી અધિકારીની જુદી જુદી રીતે હત્યા થઈ ચૂકી છે. આ ઘટનાઓ યુદ્ધ મેદાનમાં નથી થઈ, પરંતુ રશિયાના હાર્દ સમાન મોસ્કો શહેરમાં થઈ છે. મોસ્કોમાં જે રીતે ટોચના લશ્કરી અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે, તેનાથી રશિયન સુરક્ષા એજન્સીઓ સામે પણ સવાલો ઊભા થયા છે. રશિયાએ આ હુમલા પાછળ યુક્રેન ઇન્ટેલિજન્સનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.
અનેક રાઉન્ડ ગોળીબાર કરીને હુમલાખોરો નાસી ગયા
આ ઘટનાની તપાસ સમિતિના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર એલેક્સીવ પર મોસ્કોમાં એક એપાર્ટમેન્ટ નજીક હુમલો કરાયો હતો. અજાણ્યા હુમલાખોરે તેમના પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એલેક્સીવ 2011થી રશિયાની લશ્કરી ગુપ્તચર વિભાગના ડેપ્યુટી હેડ તરીકે સેવા આપી રહ્યા છે.
શાંતિની વાટાઘાટો બાદ તુરંત બનેલી ઘટના
હાલમાં જ રશિયા, યુક્રેન અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની અબુ ધાબીમાં બે દિવસની શાંતિ મંત્રણા યોજાઈ હતી. આ બેઠકના બીજા જ દિવસે જનરલ પર જીવલેણ હુમલો થયો છે. આ મંત્રણા લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે યોજાઈ હતી. રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લશ્કરી ગુપ્તચર વડા એડમિરલ ઇગોર કોસ્ટ્યુકોવે કર્યું હતું અને તેમના ડેપ્યુટી તરીકે વ્લાદિમીર એલેક્સીવ પણ ગયા હતા.

રશિયાના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ નિશાના પર
રશિયાએ યુક્રેનમાં સૈન્ય મોકલ્યું ત્યારથી અત્યાર સુધી અનેક વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવાયા છે, જેની વિગતો આ પ્રમાણે છે.
- લેફ્ટનન્ટ જનરલ ફાનિલ સરવારોવ (22 ડિસેમ્બર, 2025): રશિયન જનરલ સ્ટાફના આર્મી ટ્રેનિંગ વિભાગના વડા ફાનિલ સરવારોવનું મોસ્કોમાં એક કાર બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું. તેમની કારમાં પ્લાન્ટ કરેલા વિસ્ફોટક રિમોટ કંટ્રોલથી ઉડાવાયા હોવાની શંકા છે.
- લેફ્ટનન્ટ જનરલ યારોસ્લાવ મોસ્કાલિક (25 એપ્રિલ, 2025): મોસ્કોમાં એક કાર વિસ્ફોટમાં જનરલ મોસ્કાલિકનું મોત થયું હતું. તેઓ રશિયન સૈન્યની મહત્ત્વની ઓપરેશનલ કામગીરી સાથે જોડાયેલા હતા.
- લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવ (17 ડિસેમ્બર, 2024): રશિયાના ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ પ્રોટેક્શન ફોર્સના વડા ઇગોર કિરીલોવની હત્યાની મોડસ ઓપરેન્ડી અનોખી હતી. તેમના નિવાસ સ્થાન નજીક પાર્ક કરેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બોમ્બ વિસ્ફોટ થતા તેમનું અને તેમના સાથીદારનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ પણ વાંચો : અમેરિકા પાકિસ્તાનનો ખજાનો લૂંટાશે !
યુક્રેનનું મૌન અને રશિયાના આક્ષેપો
રશિયન સરકાર આ તમામ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો દાવો કરે છે. અગાઉની કેટલીક ઘટનાઓમાં યુક્રેને જવાબદારી સ્વીકારી હતી, પરંતુ એલેક્સીવ પર થયેલા હુમલા અંગે યુક્રેને હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી.


