World

રશિયાએ વિશ્વની સૌથી 'ખતરનાક' મિસાઈલનું પરિક્ષણ કર્યું

By GS TEAM
27 Oct 20252 mins read
રશિયાએ વિશ્વની સૌથી 'ખતરનાક' મિસાઈલનું પરિક્ષણ કર્યું

- પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ મિસાઈલે નાટોની ઊંઘ ઉડાડી

- સતત બીજા દિવસે રશિયાનો કીવ પર ડ્રોન હુમલો : ત્રણનાં મોત, સાત બાળકો સહિત 29 ઘાયલ : બે રહેણાંક વિસ્તારમાં આગ લાગી 

- બુરેવેસ્ટનિક મિસાઇલે 14000 કિ.મી.નું અંતર કાપ્યું અને હવામાં 15 કલાક સુધી સક્રિય રહી

- આ મિસાઇલ 50-100 મીટરની ઉંચાઇએ ઉડતી હોવાથી રડારમાં પકડાતી નથી 

કીવ : રશિયાએ પોતાની સૌથી આધુનિક પરમાણુ ઉર્જાથી ચાલતી ક્રૂઝ મિસાઇલ બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યુ છે. આ મિસાઇલ પરમાણુ ઉર્જા પર નિર્ભર હોવાથી અમર્યાદિત અંતર કાપી શકે છે અને તેમાં પરમાણુ શસ્ત્રો લઇ જવાની સુવિધા છે. આ મિસાઇલ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલોમાં સ્થાન ધરાવે છે અને રશિયાએ તેનું સફળ પરિક્ષણ કરતા નાટો દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પરીક્ષણ દરમિયાન મિસાઇલે ૧૪૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને હવામાં લગભગ ૧૫ કલાક સુધી સક્રિય રહી હતી. 

પુતિનના જણાવ્યા અનુસાર ૯એમ૭૩૦ બુરેવેસ્ટનિક (સ્ટોર્મ પેટ્રેલ) જેને નાટોએ એસએસસી-એક્સ-૯ સ્કાઇફોલ નામ આપ્યું છે. આ મિસાઇલ વર્તમાન અને ભવિષ્યની મિસાઇલ સંરક્ષણ સિસ્ટમ વિરુદ્ધ અજેય છે. સામાન્ય મિસાઇલ ઇંધણ સમાપ્ત થવા પર રોકાઇ જાય છે પણ આ મિસાઇલ પરમાણુ ઉર્જાથી સંચાલિત હોવાથી તે સપ્તાહો અને મહિનાઓ સુધી સતત ઉડી શકે છે. આ માત્ર ૫૦-૧૦૦ મીટરની ઉંચાઇએ ઉડે છે જેના કારણે રડાર તેને સરળતાથી ટ્રેક કરી શકતા નથી.  બીજી બાજુ તંગદિલી વચ્ચે  રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોનથી કરેલા હુમલાઓમાં ત્રણ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલામાં સાત બાળકો સહિત ૨૯ લોકો ઘાયલ પણ થયા છે. 

યુક્રેનનાં ગૃહ પ્રધાન ઇહોર ક્લિમેંકોએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં ૧૯ વર્ષીય યુવતી અને તેની ૪૬ વર્ષીય માતા સામેલ છે. રશિયન ડ્રોન હુમલાને કારણે કીવના દેસ્નિયાન્સ્કી જિલ્લાના બે રહેણાંક વિસ્તારમાં આગ લાગી હતી.

ઇમરજન્સી ટીમે ૯ માળ અને ૧૬ માળની ઇમારતમાંથી રહેવાસીઓને બહાર કાઢ્યા હતાં. યુક્રેનનાં એરફોર્સનાં જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૧૦૧ ડ્રોન છોડયા હતાં. જે પૈકી યુક્રેને ૯૦ ડ્રોન તોડી પાડયા હતાં.

પાંચ ડ્રોનને કારણે ચાર સ્થળોએ નુકસાન થયું હતું. ડ્રોનનું કાટમાળ અન્ય પાંચ સ્થળોએ પડયું હતું. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રશિયાએ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ચાર લોકોનાં મોત થયા હતાં. જેમાં કીવનાં બે લોકો સામેલ હતાં.આ હુમલા પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ફરી એક વખત પશ્ચિમી એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે.