Russia Reaction On Iran's Natanz Nuclear Plant Attack : હંમેશા ઈરાનનું સમર્થન કરનારા રશિયાએ પરમાણુ સાઈટ પર હુમલા મામલે અમેરિકા-ઈઝરાયલની કડક શબ્દોમાં ટીકા કરી છે. અમેરિકા-ઈઝરાયલે આજે ઈરાનની પરમાણુ સાઈટ પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી શાંતિ-સુરક્ષા જોખમમાં મુકી હોવાનો રશિયાએ દાવો કર્યો છે. રશિયાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
પરમાણુ સ્થળો પર હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન : રશિયા
રશિયન વિદેશ મંત્રાલયે પરમાણુ સ્થળો પર હુમલા વિરુદ્ધ નિવેદન જાહેર કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને મજબૂત સંદેશ આપ્યો છે. મંત્રાલયે આકરા શબ્દોમાં કહ્યું છે કે, ‘ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને આવા હુમલાથી શાંતિ અને સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.’
રશિયા હંમેશા ઈરાનના સમર્થનમાં
રશિયા હંમેશા ઈરાનનું સમર્થન કરતું રહ્યું છે અને ઈરાન દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ શાંતિપૂર્ણ ગણાવ્યો છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે રશિયાએ તમામ પક્ષોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કીર છે. નિષ્ણાંતોનું પણ માનવું છે કે, પરમાણુ સાઈટ પર આવા હુમલાઓ થવાથી વર્તમાન ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક બની શકે છે. આવી રીતે હુમલાઓ કરવાથી મિસાઈલ અને વળતો ગંભીર જવાબ આપવાની કાર્યવાહી વધી શકે છે.
ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો થયો હતો
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં ઉથલપાથલ મચી ગઈ છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તાર સુધી સંભળાયો છે. ઘટનાસ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈપણ પ્રકારનું રેડિએશન ફેલાયું ન હોવાની પુષ્ટિ થતાં મોટી રાહત થઈ છે. એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે.
પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના ઈરાદાથી કરાયો હુમલો
ઈરાને દાવો કર્યો છે કે, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેનારા લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. આ હુમલો અમેરિકા-ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ કરાયો હોવાનો ઈરાની સરકારે દાવો કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના અને નષ્ટ કરવાના ઇરાદાથી આ બોંબમારો કરાયો છે.
નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર વારંવાર હુમલો
દુશ્મન દેશો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટને વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં પ્લાન્ટ પર અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. દર વખતે તેના માળખા અને મશીનોનો નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. જોકે રાહતની વાત એ છે કે, હુમલાઓ છતાં પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી.
જૂન-2025માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન નતાંજ પ્લાન્ટ જ મુખ્ય ટાર્ગેટ પર હતું. આ યુદ્ધમાં અમેરિકા સીધું જ કૂદી પડ્યું હતું. હવે ફરી તે જ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે.


