VIDEO: 'મેડે, મેડે...' મધદરિયે રશિયાના શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન હુમલો, ક્રૂએ માંગી મદદ, જહાજ સળગ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Black Sea News: તૂર્કિયેના બોસ્ફોરસ સ્ટ્રેટ નજીક રશિયાના શેડો ફ્લીટના બે ટેન્કરોમાં શુક્રવારે મોડી રાત્રે (28 નવેમ્બર, 2025) વિસ્ફોટ થયો, જેનાથી જહાજોમાં આગ લાગી ગઈ. તૂર્કિયેને શંકા છે કે કાળા સમુદ્રમાં વિસ્ફોટ મિસાઇલ, ડ્રોન અથવા અન્ય દરિયાઈ વાહનના બાહ્ય હુમલાને કારણે થયો હતો. બે રશિયન શેડો ફ્લીટ ટેન્કરોના નામ Kairos અને Virat છે.
'મેડે, મેડે!'ની ક્રૂએ બૂમો પાડીને મદદ માંગી
એક ટેન્કર ક્રૂ મેમ્બરે ઇન્ટરસેપ્ટેડ ઓપન-ફ્રિકવન્સી રેડિયો ડિસ્ટ્રેસ કોલમાં ડ્રોન હુમલાની જાણ કરી. તેઓ માનવરહિત દરિયાઈ ડ્રોનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એક વીડિયોમાં એક ક્રૂ મેમ્બરને કહેતા સાંભળી શકાય છે, 'આ વિરાટ છે. મદદની જરૂર છે. ડ્રોન હુમલો. મેડે!'
તૂર્કિયેના પરિવહન મંત્રાલયે X પર જણાવ્યું હતું કે, 'વિરાટ, જેના પર અગાઉ કાળા સમુદ્રના કિનારાથી આશરે 35 નોટિકલ માઇલ દૂર માનવરહિત દરિયાઈ જહાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા, તેના પર 29 નવેમ્બરની સવારે ફરીથી હુમલો કરવામાં આવ્યો.'
આ પણ વાંચો: વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે અમેરિકા? એરસ્પેસ બંધ કરવા ટ્રમ્પનો આદેશ
યુક્રેને હુમલાની જવાબદારી સ્વીકારી
તૂર્કિયેએ જણાવ્યું હતું કે, 'રશિયન જહાજ પર રોકેટ, ખાણ, મિસાઇલ, ડ્રોન અથવા અન્ય નૌકાદળના જહાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.' જોકે, વિરાટને થોડું નુકસાન થયું હતું અને ક્રૂને કોઈ ઈજા થઈ નથી. AFPના અહેવાલ મુજબ, યુક્રેને હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેન પર શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકાનું ભારે દબાણ છે.
યુક્રેનિયન સુરક્ષા સેવાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયન શેડો ફ્લીટ જહાજો પર હુમલો કરવા માટે સંયુક્ત કાર્યવાહી SBU અને યુક્રેનિયન નૌકાદળ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'હુમલાના વીડિયો ફૂટેજ દર્શાવે છે કે બંને ટેન્કરોને ગંભીર નુકસાન થયું છે. આ રશિયન તેલ પરિવહનને નોંધપાત્ર ફટકો પહોંચાડશે.'
યુક્રેનની SBU સુરક્ષા સેવાના એક સૂત્રએ AFP ને જણાવ્યું કે, 'મોર્ડન સી બેબી નેવલ ડ્રોને રશિયન જહાજોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા.' તેમણે એક વીડિયો શેર કર્યો, જેમાં કથિત રીતે દરિયાઈ ડ્રોન બે જહાજો તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યારબાદ વિસ્ફોટ થયા હતા.








