Trump Blocks Airspace Over Venezuela : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ડ્રગ્સ મુદ્દે વેનેઝુએલા અને તેના પ્રમુખ નિકોલસ માદુરોને ધમકી આપી રહ્યા છે. એવામાં હવે ટ્રમ્પે વેનેઝુએલા અને તેની આસપાસનો એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે.
શું વેનેઝુએલા પર હુમલો કરશે અમેરિકા?
અમેરિકા વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે તેવી અવારનવાર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એવામાં ટ્રમ્પ દ્વારા એરસ્પેસ બંધ કરવાની જાહેરાત બાદ આવી અટકળોમાં વધારો થયો છે. એવામાં સવાલ થાય છે કે શું અમેરિકા હવે વેનેઝુએલા પર હુમલો કરશે?
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં ચેતવણી આપતા કહ્યું કે તમામ એરલાઈન્સ, પાયલટ, ડ્રગ્સ માફિયા વેનેઝુએલાની ઉપર અને આસપાસ સંપૂર્ણ એરસ્પેસ બંધ સમજે.
અમેરિકાનો વેનેઝુએલા પર ગંભીર આરોપ
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અમેરિકાએ સંકેત આપ્યા હતા કે તેઓ નિકોલસ માદુરોને સત્તાથી હટાવવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે ડ્રગ્સની હેરફેરમાં માદુરોની સરકાર પણ સામેલ છે. બીજી તરફ વેનેઝુએલાનો આરોપ છે કે અમેરિકા તેમના દેશમાં અસ્થિરતા ફેલાવી સત્તા પરિવર્તન કરવા માંગે છે.
નોંધનીય છે કે અમેરિકાની FAA ( ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન )એ હાલમાં જ ચેતવણી આપી હતી કે વેનેઝુએલાની ઉપરથી ઉડાન ભરવી ખતરનાક સાબિત થઈ શકે છે. FAAની A ચેતવણી બાદ ત્રણ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ કંપનીએ વેનેઝુએલાની ફ્લાઈટ્સ રદ કરી હતી. એવામાં હવે ટ્રમ્પની ચેતવણી બાદ એરસ્પેસને લઈને કડકાઈ વધશે.
માદુરોને કેમ સત્તાથી હટાવવા માંગે છે ટ્રમ્પ?
નોંધનીય છે કે અમેરિકા Cartel de los Solesને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાની તૈયારમાં છે. ટ્રમ્પ સરકારનો દાવો છે કે વેનેઝુએલાના માદુરો પણ આ કાર્ટેલ સાથે જોડાયેલા છે. જોકે માદુરોએ આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે.


