Iran vs Israel-USA War Updates and Russia to sell Crude Oil to Pakistan : રશિયાએ પાકિસ્તાનને સસ્તુ તેલ આપવા તૈયારી દર્શાવી છે. આ ખબર એવા સમયે સામે આવ્યા છે કે, જ્યારે મધ્યપૂર્વમાં યુદ્ધને લીધે, વૈશ્વિક તેલ પુરવઠામાં અવરોધ ઉભો થયો છે. પાકિસ્તાનમાં પણ ઇંધણની કિંમત વધી રહી છે તેવે સમયે પાકિસ્તાન સ્થિત રશિયાના રાજદૂત આલ્બર્ટ ખોરેવે કહ્યું હતું કે, તેમનો દેશ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ રેટે તેલ આપવા તૈયાર છે. સાથે આવા કટોકટી જેવા સમયે રશિયાની ઑફરનો લાભ લેવા તેમણે પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો.
એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા સ્પષ્ટતા પણ કરી હતી કે, જો પાકિસ્તાન તેમના દેશનો વિધિવત્ સંપર્ક સાધે તો રશિયા પાકિસ્તાનને સસ્તા દરે તેલ વેચવા તૈયાર છે. આ સાથે ખોરવે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હજી સુધી પાકિસ્તાને તે અંગે વિધિવત્ રજૂઆત કરી નથી.
રશિયાના રાજદૂતે તે પત્રકાર પરિષદમાં આગળ કહ્યું કે, 'ઊર્જા ક્ષેત્રે બંને દેશોના દ્વિ-પક્ષીય સરકારમાં જો કે મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. તે ક્ષેત્રમાં કોઈ પણ પ્રગતિ ઇસ્લામાબાદ દ્વારા કરાતી પહેલ ઉપર આધારિત છે.
તે સર્વવિદિત છે કે, હોર્મુઝ સમુદ્રધુનિ બંધ થતા દુનિયાભરમાં તેલ સંકટ વ્યાપી ગયું છે. પાકિસ્તાનમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે અને ભાવ હજી પણ વધતા જવાના ઉપરાંત તેલના પુરવઠામાં ખેંચ પડવાની પૂરી શક્યતા છે. ત્યારે રશિયાએ સસ્તા (ડિસ્કાઉન્ટ) તેલ આપવાની રજુઆત કરી એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક ત કે તેલ કટોકટી અમેરિકાએ કરેલા આક્રમણનો જ પરિપાક છે તેમાં સહાય કરી રશિયા પાકિસ્તાનને અમેરિકાથી દૂર ખેંચી શકે. બીજી તરફ તે પાકિસ્તાનમાં તેનો પ્રભાવ પણ વધારી શકે. સાથે રશિયન રાજદૂતે કહી દીધું છે કે આ યુદ્ધ ક્યારે બંધ થશે તે કહી શકાય તેમ નથી.


