Get The App

ગેસ સંકટથી મળશે છૂટકારો? ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોને રશિયાની ખાસ 'ઓફર'

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ગેસ સંકટથી મળશે છૂટકારો? ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોને રશિયાની ખાસ 'ઓફર' 1 - image

Global Gas Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં હાહાકાર મચ્યો છે. કતારના પાવર પ્લાન્ટ્સ પર થયેલા હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે એક મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે, રશિયાએ ભારત અને બાંગ્લાદેશ સહિતના દક્ષિણ એશિયાના દેશોને આકર્ષવા માટે 40 ટકા જેટલા તોતિંગ ડિસ્કાઉન્ટ પર લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) વેચવાની ઓફર કરી છે.

કતારમાં વિક્ષેપ અને વધતા ભાવ

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને કતારના મુખ્ય નિકાસ પ્લાન્ટ્સ પર હુમલાને કારણે વિશ્વના કુલ ગેસ પુરવઠાનો 20 ટકા હિસ્સો ખોરવાઈ ગયો છે. આના પરિણામે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને હાલમાં ખૂબ જ ઊંચા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી રહી છે. ગેસની અછતને કારણે ખાતર અને અન્ય ઉદ્યોગોને અપાતા પુરવઠામાં કાપ મૂકવો પડ્યો છે. બાંગ્લાદેશે લાંબા ગાળાના કરાર કરતા બમણી કિંમતે સ્પૉટ માર્કેટમાંથી ગેસ લેવાનું શરૂ કર્યું છે.

પ્રતિબંધો છતાં 'ગુપ્ત' નિકાસ!

અમેરિકાએ રશિયન ગેસ પર કડક પ્રતિબંધો લાદ્યા હોવા છતાં, રશિયા પોતાનો માલ વેચવા માટે નવી વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયા આર્કટિક LNG 2 પ્રોજેક્ટમાંથી 40 ટકા ડિસ્કાઉન્ટ પર ગેસ વેચી રહ્યું છે. ચીન અને રશિયાના મધ્યસ્થીઓ એવો દાવો કરી રહ્યા છે કે તે આ ગેસ રશિયાનો નહીં પણ ઓમાન કે નાઇજીરીયાનો હોવાના દસ્તાવેજો આપી શકે છે. ચીન ગુપ્ત જહાજો દ્વારા રશિયન ઇંધણની આયાત કરીને રશિયાની નિકાસ વધારવામાં મદદ કરી રહ્યું છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી

ભારત માટે દ્વિધાભરી સ્થિતિ

ભારત હંમેશા પ્રતિબંધો પ્રત્યે સાવધ રહ્યું છે, પરંતુ પોતાની ઊર્જા સુરક્ષા માટે તેણે અગાઉ રશિયન અને ઈરાની ઓઇલની ખરીદી કરી છે. હાલમાં ભારત મોંઘા ભાવે ગેસ ખરીદી રહ્યું છે, ત્યારે રશિયાની આ સસ્તી ઓફર સ્વીકારવી કે અમેરિકી પ્રતિબંધોનું માન રાખવું, તે ભારત સરકાર માટે મોટો પડકાર છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો ચાલશે, તો દક્ષિણ એશિયાના દેશો પાસે રશિયાના આ સસ્તા ગેસ સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં બચે.