- ટ્રમ્પની મુલાકાત પછી તરત જ પુતિન-જિનપિંગનું સંયુક્ત નિવેદન
- કેટલાક દેશોની મનમાનીના લીધે શરૂ થયેલા યુદ્ધે વિશ્વને અરાજકતાની ગર્તામાં ધકેલ્યુ: જિનપિંગ-પુતિન
બૈજિંગ : રશિયા અને ચીન હાલમાં ચાલતા ઇરાન યુદ્ધ કે ખાડીયુદ્ધનું ઠીકરુ અમેરિકા અને ઇઝરાયેલના માથે ફોડયું છે. તેમણે જણાવ્યું હતું કે બને દેશના મરજી મુજબના વલણે ફક્ત ઇરાન નહીં આખા વિશ્વને ઉર્જા અને નાણાકીય સંકટમાં મૂકી દીધું છે. અમેરિકા-ઇઝરાયેલના ઇરાન પરના હુમલાએ ફક્ત ઇરાનની જ નહીં પણ આખા મધ્યપૂર્વની આર્થિક અને રાજકીય સ્થિરતાને ભયમાં મૂકી દીધી છે.
ટ્રમ્પના ચીન છોડયા પછી ચીનની મુલાકાતે આવેલા પુતિન અને જિનપિંગની બેઠકના અંતિમ દિવસે બંને નેતાઓએ સંયુક્ત નિવેદન કરતાં આ જાહેરાત કરી હતી. બંનેના આ સંયુક્ત નિવેદને આખા વૈશ્વિક રાજકારણને હચમચાવ્યુ છે. ઇરાન યુદ્ધને લઈને રશિયા અને ચીને પહેલી જ વખત સંયુક્ત નિવેદન આપ્યું છે. કદાચ આગામી બ્રિક્સ બેઠક ભારતમાં યોજાવવાની છે ત્યારે આ મોરચે ત્રણેય દેશનું અમેરિકા વિરોધી સંયુક્ત નિવેદન આવે તો આશ્ચર્ય નહીં થાય.
આ ઉપરાંત પુતિને અમેરિકાના ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની પણ આકરી ટીકા કરી હતી. આ સંયુક્ત નિવેદનમાં જણાવાયુ હતું કે ગોલ્ડન ડોમ પ્રોજેક્ટના અમલીકરણના કારણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર નકારાત્મક અસર પડશે. ટ્રમ્પની ચીનની મુલાકાતના ગણતરીના દિવસોમાં પુતિન ચીન ગયા હતા. પુતિનની ચીનની ૨૫મી મુલાકાત છે.
રશિયા અને ચીન બંને ઇરાન સાથે મજબૂત સંબંધો ધરાવે છે. બંનેએ ઇરાન પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધોની અવગણના કરીને તેની સાથેના સંબંધો જારી રાખ્યા છે. રશિયા અને ચીને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક દેશોની મનમાનીના કારણે આજે હોર્મુઝની ખાડી બંધ છે અને તેનું પરિણામ આખું વિશ્વ ભોગવી રહ્યું છે.
અગાઉ પણ પુતિન અને જિનપિંગ પશ્ચિમ એશિયામાં યુદ્ધનો અંત લાવવાનું આહવાન કરી ચૂક્યા છે.


