રશિયા, ચીન અને અમેરિકા મળીને સ્થિર જગત રચી શકીએ : પુતિન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પ, શી-જિનપિંગ સાથેની બેઠકમાં પુતિનનો આશાવાદ
- મીટીંગના પ્રારંભે ટ્રમ્પે કહ્યું કે, 'પુતિન અને શી-જિનપિંગ સાથે હોવું તે મારા માટે સન્માનની વાત છે અમે યુક્રેન સહિત અનેક મુદ્દાઓ ચર્ચીશું
શેનઝન (ચાયના) : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથેની ઐતિહાસિક બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને મહત્વનું નિવેદન કરતાં જણાવ્યું હતું કે, 'રશિયા, ચીન અને અમેરિકા મળીને એક સ્થિર દુનિયા રચી શકીએ.'
આ ત્રણે નેતાઓ વચ્ચે અહીં (શેનઝેનમાં) ઐતિહાસિક બેઠક યોજાઈ રહી છે. મીટીંગના પ્રારંભે ટ્રમ્પે કહ્યું કે, પુતિન અને શી-જિનપિંગ સાથે હોવું તે મારા માટે સન્માનની વાત છે. અમે ત્રણે મળીને રશિયા-યુક્રેન યુધ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
રશિયાના પ્રમુખ પુતિને ટ્રમ્પ અને શી-જિનપિંગને કહ્યું, 'જો રશિયા, ચીન અને અમેરિકા મળીને કામ કરે તો, તેઓ વૈશ્વિક સ્થિરતાને મજબૂત કરી શકે. તેઓએ વધુમાં કહ્યું કે, જિનપિંગ અને ટ્રમ્પે વૈશ્વિક તેમજ ક્ષેત્રીય મુદ્દાઓની સાથે એનર્જી સિકયોરિટીની પણ ચર્ચા કરવી જોઈએ.'
પ્રમુખ ટ્રમ્પે કહ્યું : 'મને ખુશી છે આ ટ્રિપે અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓ વચ્ચે પહેલી જ વાર ત્રિપક્ષીય મીટીંગની તક આપી છે અને આજે તે સંદર્ભે મને લાગે છે કે, આપણે બીજી રીતે ખરા અર્થમાં ઇતિહાસ રચી રહ્યા છીએ.' પ્રમુખ પુતિને ટ્રમ્પ અને શી-જિનપિંગને કહ્યું કે, 'યુક્રેન યુધ્ધ ઉકેલવામાં આપણા ત્રણેના દેશોનું હિત રહેલું છે. અને વૈશ્વિક શાંતિ તથા સલામતી માટે પણ આપણા ત્રણેની જવાબદારી છે. જ્યારે ક્ષેત્રી ઝઘડા ઉકેલવાની વાત ચાલે છે, ત્યારે આપણા દેશોના લગભગ સમાન હેતુઓ છે. બેશક તેમાં યુક્રેન-સંઘર્ષ પણ સમાવિષ્ટ છે.
પુતિને આગળ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની તેઓની પણ સહ-ભાગીદારી છે. અને બંધ રૂમમાં થનારી વાતચીતમાં ક્રૂડ તથા એનર્જી વિષે પણ વાતચીત થવી જોઈએ. તે બંને બાબતો, ઇરાન અને યુક્રેન યુદ્ધના કારણે બગડી ગઈ છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિનહુયાના જણાવ્યા પ્રમાણે શી-જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત પછી ચીનના પ્રમુખે ગુરૂવારે કહ્યું કે, 'અમેરિકાએ તાઇવાન વિષે યોગ્ય રીતે કામ કરવું જોઈએ. જેથી ચીન-અમેરિકાના સંબંધો 'આંચકામાંથી' બચી શકે.' શિન્હુઆએ વધુમાં જણાવ્યું હતું કે, શી અને ટ્રમ્પ વચ્ચેની મીટીંગ પોઝિટિવ અને કન્સ્ટ્રકટિવ હતી. તેઓ સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ પણ સ્થિર સંબંધો માટે, એક એકશન પ્લાન બનાવવા સહમત થયા હતા.
જિનપિંગે કહ્યું, 'અમે સ્ટ્રેટેજિક સ્થિરતા ધરાવતા, ચીન-અમેરિકા સંબંધો માટે નવી પરિભાષા નિશ્ચિત કરી છે. જેથી સન્માન, નિષ્પક્ષતા અને આપસી સંબંધોને નવો આધાર મળી શકે.'
શી-જિનપિંગે આ મુલાકાતને પાયાના પથ્થર સમાન કહી હતી. સાથે દ્વિતીય વિશ્વ યુધ્ધ સમયે ત્રણેયે યોજેલા ગઠબંધનની યાદ આપી હતી. સાથે કહ્યું કે, ચીન, રશિયા અને અમેરિકાએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે દુનિયામાં શાંતિ અને સ્થિરતા અમલી રાખવા પ્રયત્નો કરવા જોઈએ.' તેઓએ ૮૦ વર્ષ પૂર્વેના એન્ટી ફાસીસ્ટ મોર્ચાના મુખ્ય સ્તંભો તરીકે આપણે વિજય મેળવી શાંતિનું રક્ષણ કર્યું તે માટે તો લડયા હતા. આપણે એ ઐતિહાસિક યાદો ભૂલવી ન જોઈએ અને અતિતમાંથી શીખ લઈ ભવિષ્ય રચવું જોઈએ.'




