| Photo - Ukraine Government Facebook |
Russia Ukraine War : અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ 450 ડ્રોન અને 70 મિસાઇલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વીજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં 1100 બિલ્ડિંગોને પણ અસર થઈ છે.
ઝેલેન્સ્કીએ રશિયા પર કર્યો ગંભીર આક્ષેપ
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આજે (3 ફેબ્રુઆરી) કહ્યું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. તેણે 450 રેન્જના ડ્રોન અને 70 મિસાઇલો ઝીંકી છે. રશિયાએ યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી છે. રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીટિંગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે. હુમલામાં 10 લોકોને ઈજા થઈ છે. રશિયા વ્યૂહાત્મક રસ્તો અપનાવવાના બદલે લોકોને ડરાવવામાં વિશ્વાસ રાખે છે.’
આ પણ વાંચો : ભારતે ઓઇલ નહીં ખરીદવાની વાત કરી જ નથી... ટ્રમ્પના દાવા અંગે રશિયાનો જવાબ
અબુધાબીમાં શાંતિ વાર્તા પહેલા રશિયાનો હુમલો
ઝેલેન્સ્કીએ પોતાના સહયોગી દેશોને વધુમાં વધુ હથિયારો મોકલવાની અને રશિયા પર દબાણ વધારવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ટૂંક સમયમાં શાંતિ વાર્તા માટે બેઠક યોજાવાની છે, જોકે તે પહેલા રશિયાએ ભયાનક હુમલો કરતાં બેઠક પર સંકટના વાદળો છવાઈ ગયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરી-2022થી યુદ્ધ શરુ થયા બાદ યુદ્ધવિરામ માટે રશિયા-યુક્રેન વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે, જોકે એકપણ બેઠકમાં હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી.
1170 બિલ્ડિંગોને અસર, પાવર પ્લાન્ટને પણ નુકસાન
- અધિકારીઓએ રાજ્યની ઈમરજન્સી સેવાઓને ટાંકીને કહ્યું છે કે, રશિયાના હુમલામાં રાજધાની કીવમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઘરો, એક શાળા અને આગ લાગતા ગેસ સ્ટેશનને નુકસાન થયું છે.
- કીવના મેયર વિટાલી ફ્લિટસ્કોએ કહ્યું કે, હુમલાના કારણે કડકડતી ઠંડીમાં 1170 બિલ્ડિંગોમાં હીટિંગની સુવિધા બંધ થઈ ગઈ છે.
- યુક્રેનની સૌથી મોટી કંપની DDEKએ કહ્યું કે, હુમલામાં પાવર પ્લાન્ટને ઘણું નુકસાન થયું છે.
- યુક્રેનના સાંસ્કૃતિક મંત્રી ટેટિયાના બેરેજનાએ કહ્યું કે, ‘કીવમાં એક ઐતિહાસિક સંગ્રહાલયને પણ નુકસાન થયું છે. રશિયાએ ખારકીવ અને ઓડિસા જેવા વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો : આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા


