Get The App

આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા 1 - image


US Not Fully Prepared to Attack Iran : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી તત્કાલીન પ્રમુખ માદુરોને કેદ કર્યા તે પછીથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની વારંવાર ધમકીઓ પણ આપી હતી. જોકે હવે અમેરિકા હાલ ઈરાન પર હવાઈ હુમલો કરે તેની શક્યતા ઓછી છે. WSJના અહેવાલ અનુસાર અમેરિકા ઈરાન પર હુમલો કરવા હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. કારણ કે જો ઈરાન વળતો હુમલો કરે તો તેનાથી બચવા માટે મિડલ ઈસ્ટના દેશો તથા ઈઝરાયલમાં વધુ એર ડિફેન્સ તૈનાત કરવાની જરૂર છે. 

ઈરાન પર હુમલો કરવા કેમ 'તૈયાર' નથી અમેરિકા?

નોંધનીય છે કે ગયા સપ્તાહે જ અમેરિકાની નૌસેના અબ્રાહમ લિન્ક એરક્રાફ્ટ કેરિયર તથા અન્ય જંગી જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કર્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે અમેરિકા હવે ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. જોકે જ્યાં સુધી ઈઝરાયલ તથા આરબના અન્ય દેશો સુરક્ષિત છે તેવી ખાતરી ન થાય ત્યાં સુધી અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે. અમેરિકાનું પેન્ટાગોન હાલ જૉર્ડન, કુવૈત, બેહરીન, સાઉદી અરેબિયા, કતાર તથા અન્ય સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. 

આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા 2 - image

ઈરાન ગયા વર્ષે ઈઝરાયલ અને કતાર પર કર્યો હતો હુમલો

નોંધનીય છે કે ગયા વર્ષે જ જૂન મહિનામાં અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ નષ્ટ કરી હતી. જે બાદ ઈરાને બદલો લેવા ઈઝરાયલ તથા કતારમાં અમેરિકાના એરબેઝ પર વળતો હુમલો કર્યો હતો. 

ઈરાન અને રશિયાએ અમેરિકાને આપી હતી ચેતવણી

હાલમાં જ રવિવારે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો 'પ્રાદેશિક યુદ્ધ' ફાટી નીકળશે. બીજી તરફ શુક્રવારે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડાએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે વાટાઘાટો ચાલી રહી છે. રશિયાએ પણ ચેતવણી આપી હતી કે ઈરાન પર કોઈ પણ સૈન્ય હુમલો સમગ્ર ક્ષેત્રમાં અરાજકતા પેદા કરી શકે છે. જેના કારણે ખતરનાક પરિણામો આવશે. 

ઈરાન અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર: રિપોર્ટ 

બીજી તરફ ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ઈરાન અમેરિકા સામે નમતું જોખવા તૈયાર હોય તેવા સંકેત પણ મળ્યા છે. તુર્કીયેમાં ઈરાન અને અમેરિકાના અધિકારીઓ વાટાઘાટો કરવાની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરે તેવી અટકળો પણ વહેતી થઈ છે. આ વાટાઘાટોમાં તુર્કીયે, કતાર અને ઈજિપ્તના અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે.