World

ભારતની વિનંતી છતાં રશિયાના યુક્રેન પર હુમલા : ત્રણનાં મોત

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
રશિયાએ યુક્રેનના ઓડેસા પર કરેલી એરસ્ટ્રાઈકમાં 28 લોકો ઘાયલ થયા છે. રશિયન પ્રમુખ પુતિને ચેતવણી આપી છે કે, જો યુક્રેનમાં યુરોપનું લશ્કર મોકલાશે તો તેને રશિયા પર સીધું આક્રમણ ગણાશે. જોકે, યુક્રેનના દળોએ જર્મનીમાં યુએસ આર્મી સાથે સંયુક્ત યુદ્ધ કવાયતમાં ડ્રોન વોરફેરમાં કાબેલિયત બતાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની વિનંતી છતાં રશિયાના યુક્રેન પર હુમલા : ત્રણનાં મોત
  • રશિયાની એરસ્ટ્રાઇકમાં ઓડેસામાં 28 લોકો ઘાયલ
  • યુક્રેનમાં યુરોપનું લશ્કર કે પીસ કીપિંગ ફોર્સ મોકલી તો તેને રશિયા પર સીધુ આક્રમણ મનાશે: પુતિનની ચેતવણી
  • જર્મનીમાં યુક્રેનના દળોની યુએસ આર્મી સાથે સંયુક્ત યુદ્ધ કવાયત: ડ્રોન વોરફેરમાં કાબેલિયત બતાવી

કીવ : ભારતે રશિયાને હજી ગઇકાલે જ વિનંતી કરી કે યુક્રેન યુદ્ધ અટકાવો, પરંતુ રશિયાએ જાણે આ વિનંતી કાને ન ધરતા હોય તેમ હુમલા કરતાં યુક્રેનના ત્રણ નાગરિકોના મોત થયા છે અને ડઝનથી પણ વધુ લોકો ઇજા પામ્યા છે. રશિયન પ્રમુખ પુતિને આટલું ઓછું હોય તેમ યુક્રેનમાં યુરોપીયન લશ્કર મોકલવા સામે ચેતવણી આપી છે. આમ થશે તો તેને રશિયા પરનું આક્રમણ મનાશે, એમ તેમણે જણાવ્યું હતું.
યુક્રેનના ઝાપોરિઝજિયા શહેરમાં રશિયાના ડ્રોન હુમલામાં બેના મોત થયા છે અને એક ઘાયલ થયા છે. આ ઉપરાંત ક્રીવ્યી રિહમાં કરેલા હુમલામાં એકનું મોત થયું છે અને બીજા ત્રણને ઇજા થઈ છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. રશિયાએ જેટ પાવર્ડ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો વડે ભીષણ હુમલા કરીને યુક્રેન પર દબાણ વધાર્યુ છે.
સત્તાવાળાઓનું કહેવું છે કે મોસ્કોનું આક્રમણ યુક્રેનની પાવર ગ્રિડને ખતમ કરીને લોકોની હાલાકીમાં વધારો કરવાનું છે. બ્લેક સી પોર્ટ ઓડેસા અને તેની આસપાસ થયેલા હુમલામાં કુલ ૨૮ને ઇજા થઈ હતી અને રિજનલ હેડના ઓલેહ કિપરના જણાવ્યા મુજબ આ જબરદસ્ત હુમલો હતો. પુતિન દિલ્હીમાં ચાલતી બ્રિક્સ સમિટમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો યુરોપીયન સરકાર યુક્રેનમાં લશ્કરી દળો મોકલશે તો તેનો સીધો અર્થ રશિયા સાથે યુદ્ધ એવો થશે. તેની સાથે પુતિને રશિયાથી યુરોપને કોઈપણ પ્રકારનો ભય હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ક્યારેય યુરોપીયન દેશો માટે ભયજનક ન હતા. આ યુદ્ધ વચ્ચે અમેરિકન લશ્કર ડ્રોન સ્ટ્રેટેજીનો તેના લશ્કરમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની વિચારણા કરી રહ્યુ છે. અમેરિકન લશ્કરને તો યુક્રેનની આર્મીને ડ્રોન સોંપવામાં કોઈ વાંધો નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે લશ્કરે તો યુક્રેનને ડ્રોન સોંપવા તૈયાર છે, પરંતુ અમેરિકન રાજકારણીઓ હજી પણ સંપૂર્ણપણે ડ્રોન આપવાને લઈને આશ્વસ્ત નથી. લશ્કરની દરેક રેન્કમાં ડ્રોન સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાં કેટલી હદે ડ્રોન સ્થાપવા તે નક્કી થયું નથી.
જર્મનીમાં અમેરિકા અને યુક્રેનના દળોએ સંયુક્ત કવાયત કરી હતી. આ કવાયત વાર્ષિક કવાયતનો ભાગ છે. યુક્રેને આ કવાયતમાં ડ્રોન વોરફેરનું પ્રદર્શન કર્યુ હતુ. યુક્રેન આ ડ્રોનની મદદથી રશિયાના હુમલાને છેલ્લા સાડા ચાર વર્ષથી ખાળતું આવ્યું છે. અમેરિકનોએ પણ જણાવ્યું હતું કે અમે ડ્રોન બનાવીએ છીએ, પણ યુક્રેનિયનો પાસેથી ખરેખર ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યા છે. ડ્રોન વોરફેર જેવી ટેકનોલોજીના લીધે નાનુ યુનિટ મોટા આક્રમણને ફકત ખાળતું જ નથી, પરંતુ વળતો પ્રહાર પણ કરી શકે છે.