World

નામ લખેલી રિવોલ્વર અને જીવતા કારતૂસ! એર્દોગનની ગિફ્ટથી 'ફસાયા' નાટો દેશના નેતાઓ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
તુર્કીમાં નાટો શિખર સંમેલન બાદ રાષ્ટ્રપ્રમુખ એર્દોગને વિશ્વ નેતાઓને વિદાય ગિફ્ટ તરીકે રિવોલ્વર આપી આશ્ચર્યચકિત કર્યા. દરેક નેતાને તેમના નામ કોતરેલી વિન્ટેજ હેન્ડગન અને જીવતા કારતૂસ લાકડાના બોક્સમાં મળ્યા. આ 'ગુમુસાય 357 મેગ્નમ' રિવોલ્વર દ્વારા તુર્કી પોતાના સંરક્ષણ ઉદ્યોગની તાકાત પ્રદર્શિત કરવા માંગતું હતું. આ ભેટથી સુરક્ષા અને ઇમિગ્રેશન નિયમોને લીધે એરપોર્ટ પર મૂંઝવણ સર્જાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

નામ લખેલી રિવોલ્વર અને જીવતા કારતૂસ! એર્દોગનની ગિફ્ટથી 'ફસાયા' નાટો દેશના નેતાઓ

Turkiye President Erdogan Gifts Revolver To World Leaders : તુર્કીમાં યોજાયેલી નાટો શિખર સંમેલન બાદ એક અદભુત ઘટના સામે આવી છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને વિદાય ગિફ્ટ તરીકે તમામ વિશ્વ નેતાઓને એક-એક રિવોલ્વર ભેટમાં આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દરેક નેતાને લાકડાના બોક્સમાં તેમના નામ કોતરેલી વિન્ટેજ હેન્ડગન અને જીવતા કારતૂસ આપવામાં આવ્યા હતા.

તુર્કીના સંરક્ષણ ઉદ્યોગનું પ્રદર્શન
રાષ્ટ્રપ્રમુખ એર્દોગન આ અનોખી ભેટ દ્વારા તુર્કીના સંરક્ષણ ઉદ્યોગની તાકાત દુનિયા સામે પ્રદર્શિત કરવા માંગતા હતા, જે હવે તેમના દેશની વિદેશ નીતિ અને નિકાસનું મુખ્ય હથિયાર બની ગયું છે. નેતાઓને અપાયેલું આ હથિયાર 'ગુમુસાય 357 મેગ્નમ' હોવાનું મનાય છે. આ 1990ના દાયકામાં તુર્કીની કંપની MKE દ્વારા બનાવવામાં આવેલી એક દુર્લભ સિક્સ-શૂટર રિવોલ્વર છે. આ બોક્સ પર તુર્કીનો ઝંડો અને નાટોનો લોગો પણ લગાવેલો હતો.

ભેટ વિશે વિશ્વના નેતાઓની પ્રતિક્રિયા
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ભેટ વિશે સૌથી પહેલા વાત કરતા જણાવ્યું કે, તેમને અને અન્ય નેતાઓને તેમના નામ કોતરેલી રિવોલ્વર મળી છે. તેની સાથે એક ક્લીનિંગ કીટ અને 500 ગોળીઓ પણ અપાઈ હતી. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને સ્લોવાકિયાના રાષ્ટ્રપ્રમુખ પીટર પેલેગ્રીનીએ પણ આ અણધારી ગિફ્ટ મળવાની પુષ્ટિ કરી હતી. જ્યારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મજાકમાં કહ્યું કે, 'તેમની મેપલ સિરપની ભેટ તુર્કીની આ રિવોલ્વર સામે સાવ ફીકી પડી ગઈ.'

સુરક્ષા અને ઇમિગ્રેશનના નિયમો નેમે મુકાયા
આ ભેટના કારણે વિવિધ દેશોની સુરક્ષા ટીમો અને એરપોર્ટ પર ભારે મૂંઝવણ ઊભી થઈ હતી. બેલ્જિયમના વડાપ્રધાને પોતાની રિવોલ્વર બ્રસેલ્સ એરપોર્ટ પોલીસને સોંપી દીધી હતી, જ્યારે પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખની ગિફ્ટ કસ્ટમ ક્લિયરન્સની રાહ જોઈ રહી હતી. નેધરલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાનોએ આ હથિયાર તુર્કીમાં આવેલી તેમની એમ્બેસીમાં મોકલી આપ્યા હતા.

હથિયારો મ્યુઝિયમને દાન કરાશે
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ રિવોલ્વર સરકારી હેડક્વાર્ટરમાં અન્ય સરકારી ભેટો સાથે સુરક્ષિત રાખી દીધી છે. બીજી તરફ, યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને ગ્રીસના નેતાએ આ રિવોલ્વર પોતપોતાના દેશના સૈન્ય અને યુદ્ધ મ્યુઝિયમને દાન આપવાની યોજના બનાવી છે.

હથિયારોની નિકાસમાં તુર્કી વિશ્વમાં ત્રીજા નંબરે
સામાન્ય રીતે આવી વૈશ્વિક સભાઓમાં હથિયારોની ભેટ અપાતી નથી, કારણ કે તેમાં કડક સુરક્ષા તપાસની જરૂર પડે છે. જોકે, તુર્કીના હથિયાર નિર્માતાઓએ સસ્તા દરની પિસ્તોલ અને શૉટગન સાથે યુરોપના બજારમાં મજબૂત પકડ બનાવી લીધી છે. વર્ષ 2019થી 2024 વચ્ચે નાના હથિયારોની નિકાસમાં અમેરિકા અને ઇટાલી પછી તુર્કી અંદાજે 3 બિલિયન ડોલરના નિકાસ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે રહ્યું છે.