Get The App

ઈરાને ચીની સેટેલાઇટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા, રિપોર્ટથી ખળભળાટ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાને ચીની સેટેલાઇટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા, રિપોર્ટથી ખળભળાટ 1 - image

Iran Use China Satellites: ઈરાને ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની રેકી કરી હતી. આ જાસૂસીને કારણે ઈરાનને તમામ મહત્ત્વની જાણકારી મળી ગઈ હતી અને ત્યારબાદ યુદ્ધ દરમિયાન તેને અમેરિકન ઠેકાણાઓને વીણી-વીણીને નિશાન બનાવ્યા હતા. ચીની સેટેલાઇટનો આ ઉપયોગ 2024ના છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. 

ઈરાની સેનાએ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી

રિપોર્ટ અનુસાર, ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની 'અર્થ આઇ' દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈરાની સેનાની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી. ચીન દ્વારા આ સેટેલાઇટ્સ લોન્ચ કર્યાના ગણતરીના દિવસોમાં જ ઈરાને તેની સેવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું.

ચીન પર ટૅરિફ લગાવવા અમેરિકાની ચાલ

બીજી તરફ, ચીની વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને ધરમૂળથી ફગાવી દીધા છે. ચીનનું કહેવું છે કે તેના પર ટૅરિફ લગાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મનઘડંત આરોપોનો ઉપયોગ ચીન પર ટૅરિફ લાદવાના બહાના તરીકે થઈ શકે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન જણાવ્યું કે જો અમેરિકા અમારા પર ટૅરિફ વધારશે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું. 

ઈરાની સેનાના દસ્તાવેજો લીક 

ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું છે કે ઈરાની સેનાના લીક થયેલા દસ્તાવેજોના અભ્યાસ બાદ આ માહિતી સામે આવી છે. અખબારના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા, ત્યારબાદ સેટેલાઇટની મદદથી તસવીરો અને અન્ય વિગતો મેળવવામાં આવી હતી.

ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો 

આ તસવીરો ઘણા સમય પહેલા એકઠી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા, ત્યારે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને ઈરાક, કતાર, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઘાતક હુમલા કર્યા હતા. એવી પણ માહિતી છે કે ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો આવે છે, આ ઉપરાંત લેટિન અમેરિકા સહિતના અન્ય ક્ષેત્રો પણ તેની ઝપેટમાં છે.

આ પણ વાંચો: માલદીવમાં અમેરિકન રાજદૂતનું 'અપમાન'? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!

'ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે મારો ઈરાદો ચીનને ટાર્ગેટ કરવાનો છે'

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ચીન પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેણે હથિયારો દ્વારા ઈરાનને મદદ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેં કેટલાક દેશો પર 50 ટકા વધારાનો ટૅરિફ લગાવવાની જે વાત કરી છે, તે મુખ્યત્વે ચીન માટે જ છે. મહત્ત્વનું છે કે મે મહિનામાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ચીન પ્રવાસે જવાના છે. એવું પણ માનવામાં આવે છે કે કદાચ પોતાના પ્રવાસ પહેલા એક સારી ડીલ માટે ચીન પર દબાણ લાવવાની તેમની આ એક વ્યૂહનીતિ હોઈ શકે છે.