World

ચીનનાં ગામોમાં બગાવત : અંતિમ સંસ્કાર પર સરકારી ચાબુક : ઉપર દેખાતી શાંતી નીચે ભારેલો અગ્નિ

By GS TEAM
26 Nov 20253 mins read
ચીનનાં ગામોમાં બગાવત : અંતિમ સંસ્કાર પર સરકારી ચાબુક : ઉપર દેખાતી શાંતી નીચે ભારેલો અગ્નિ

- શી-જિનપિંગના પૂર્વજોની કબરો ખોદી નાખવાની ધમકી

- ચીનનાં ગામોમાં ચાલતા વિરોધ પ્રદર્શનો : 2024ની તુલનામાં 70 ટકા વધુ દેખાવો : કુલ 1400 પ્રદર્શનો થયા

નવી દિલ્હી : દુનિયાના કેટલાએ દેશોમાં સરકાર વિરૂધ્ધ ટીકા થઈ શકતી નથી. ચીનનું સ્થાન તેવા દેશોમાં અગ્રીમ છે. ચીનમાં સરકાર વિરૂધ્ધ આંદોલન થઈ શકતું નથી. તેમ છતાં ચીનના ગામોમાં જનતા પોતાના હક્કો માટે અવાજ ઉઠાવી રહી છે અને વિરોધ પ્રદર્શનો વધતા જાય છે. દક્ષિણના ગુઈઝોઉ પ્રાંતમાં હવે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય તો તે છે કે ગત વર્ષના પ્રમાણમાં ૭૦ ટકા વૃધ્ધિ થઈ છે. ચીનના બીજા પ્રાંતોમાં મળી કુલ ૬૬૧ વિરોધ પ્રદર્શનો, ૨૦૨૪માં થયા હતા.

હજી સુધીમાં કુલ ૧૪૦૦ ઘટનાઓ બની છે. સરકાર માટે આ માથાનો દુખાવો બની રહ્યા છે. કારણ કે એક સ્થળે વિરોધ પ્રદર્શન દબાવે ત્યાં બીજે શરૂ થાય, ત્યાં ત્રીજે શરૂ થાય, કેટલે ઠેકાણે તે દબાવે ?

ઇંગ્લેન્ડનું વર્તમાન પત્ર ધી ગાર્ડીયન જણાવે છે કે, આ પ્રદર્શનો સ્થાનિક અધિકારીઓના એક હુકમ પછી શરૂ થયા. હુકમ તે હતો કે મૃતદેહને દફનાવવાને બદલે તેના અગ્નિ સંસ્કાર કરવા જોઈએ. આથી લોકો ઝનૂને ચઢયા છે. તેઓ કહે છે કે, અમારા પૂર્વજોના નશ્વર દેહને ભૂમિને અર્પણ કરવો કે અગ્નિને તે અમે નક્કી કરીએ, સરકાર કોણ થાય છે. આવી બાબતમાં નિર્ણય લેવા વળી ? તે સાથે સરકારી અધિકારીઓએ અગ્નિદાહ અંગે આપેલા આ હુકમનો ગામે ગામે વિરોધ શરૂ થઈ ગયો છે. તે પૈકી કેટલાએ તો એવી ધમકી ઉચ્ચારી છે કે આ પ્રાંત ગુઈઝોઉ પ્રાંત શી નો વતનનો પ્રાંત છે, ત્યાં તેના પૂર્વજોની કબરો છે, આથી ગુસ્સે થયેલા ગ્રામવાસીઓએ ધમકી આપી છે કે શીના પૂર્વજોની જ કબરો ખોદી નાખીશું. તેઓ કહે છે કે અમારા પૂર્વજોના નશ્વર દેહોના અંતિમ સંસ્કાર કેમ કરવા તે નક્કી કરવાનો સરકારને અધિકાર કોણે આપ્યો છે ?

ઇંગ્લેન્ડના ફ્રીડમ હાઉસ દ્વારા ચાયના ડીસેન્ટ મોનિટર (સીડીએમ) નામક એક પ્રોજેકટ શરૂ કરાયો છે, તેમાં જણાવાયું છે કે આ વર્ષે ઓકટોબરના અંત સુધીમાં ચીનમાં વિવિધ ગામોમાં મળી ૬૬૧ દેખાવો થયા હતા. વધી રહેલી બેકારી, મોંઘવારી અને ઘટી રહેલી વ્યકિત દીઠ આવકોને લીધે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થાય છે. તેમાં શી જિનપિંગ સરકારે જાહેર કરેલા આ નવા હુકમે બળતામાં ઘી હોમ્યું છે.

હજી સુધીમાં થતાં પ્રદર્શનો પૈકી આ વર્ષે તો ભારે ઉગ્ર દેખાવો થયા છે. આ વર્ષે કુલ ૬૬૧ પ્રદર્શનો ૨૦૨૫ના ઓકટો.ના અંત સુધીમાં નોંધાયા છે. જે ૨૦૨૪ની તુલનામાં ૭૦ ટકા વધુ છે અને વિવિધ ગામોમાં મળી આવી ૧૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે. પરંતુ ચીનના બાંબુ-કર્ટન માંથી પૂરી વિગતો તો બહાર આવતી જ નથી. આ વર્ષમાં હજી સુધીમાં નોંધાયેલા રમખાણો તેમજ છેલ્લા એક બે વર્ષમાં થયેલા રમખાણોની સંખ્યા તો ઘણી વધુ હોવા સંભવ છે.

ભારત આજે સંવિધાન દિવસ ઉજવી રહ્યું છે. ભારતનાં સંવિધાનમાં અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય છે. તેથી તદ્દન વિરૂધ્ધ ચીનમાં લોકોનો અવાજ ગૂંગળાવાઈ રહ્યો છે. ત્યાં ઉપર દેખાતી શાંતિ નીચે ભારેલો અગ્નિ ઘૂંઘવાય છે.