'ક્વેટા- બંધ' : બલૂચ પક્ષો વધતા ફુગાવો બેકારી અને અસલામતી સામે રણે ચઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બલુચિસ્તાનમાં 'ઓલ પાર્ટી એલાયન્સ' અને વિવિધ વ્યાપારી સંગઠનોના 'બંધ'ના એલાનને તમામ શહેરોમાં પૂરો પ્રતિભાવ
ક્વેટા : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગુરૂવારે મુખ્ય શહેર ક્વેટા સહિત તમામ શહેરોમાં તેમજ મોટા ભાગના ગામોમાં પણ સંપૂર્ણ હડતાલ રહી હતી. બલુચિસ્તાનની વિવિધ રાજકીય પાર્ટીઓના 'છાત્ર સંગઠન' ઓલ પાર્ટી એલાયન્સે રાજ્યમાં વધતી જતી બેફામ મોંઘવારી સાથે વધતા જતા ફુગાવા અને સતત વધતી બેકારી અંગે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત સમવાયતંત્રની સરકાર સામે લગભગ બંડ જ પોકારી દીધું છે.
ક્વેટામાં દુકાનો, બજારો, વાણિજ્ય સંકુલો (બેન્કો) સહિત તમામ વ્યાપારી અને વાણિજ્યિક સંસ્થાઓ બંધ રહી હતી.
ઝીન્નાહ રોડ, કંદહાર બજાર, સૂરજ ગંજ બજાર, મસ્જિદ રોડ વગેરે ઉપર રહેલા તમામ વ્યાપારી અને વાણિજ્યિક સંગઠનોએ સખત શટડાઉન (હડતાળ) જાહેર કર્યું હતું. આ સંસ્થાઓનો સૌથી મોટો વિરોધ તો તે છે કે, બલુચિસ્તાનમાં મળી આવતી દુર્લભ ખનિજો પણ પાકિસ્તાન સરકારના માણસો લઈ લે છે અને તે ગ્વાડર, પસની કે ઓરમારાના બંદરોએથી વિદેશમાં વેચી મારે છે.
વિશ્વભરના સુધરેલા દેશોમાં તે સિદ્ધાત છે કે, જમીનમાંથી મળતી ધાતુઓ કે ખનિજો કેન્દ્રસ્થ સત્તાની જ ગણાય છે પરંતુ જે પ્રાંતમાંથી તે મળી આવે તે પ્રાંતને આવક (નફા)નો એક ચતુર્થાંશ ભાગ તો આપવો જ જોઈએ. પરંતુ શહબાઝ શરીફ સરકાર તે નિયમ અનુસરતી જ નથી.
બીજી તરફ બલુચો તેમને મળતા કાનૂની ભાગને ભૂલી હવે તો સંપૂર્ણ સ્વતંત્રતા માગે છે. તેમનો વિરોધ ગ્વાડરમાં અડ્ડા જમાવીને બેસેલા ચીનાઓ સામે પણ છે.
પાકિસ્તાનનું અગ્રીમ અંગ્રેજી અખબાર ડોન વધુમાં જણાવે છે કે, ઓલ પાર્ટી એલાયન્સે ઠેરઠેર રેલીઓ પણ યોજી હતી. ક્વેટામાં યોજાયેલી વિશાળ રેલીને 'જુઈ ફત્તેહ'ના વડા મૌલાના અબ્દુલ રહેમાન રફીક, બલુચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા મુસા બલોચ, નેશનલ પાર્ટીના નેતા અલિ અહમદ લંગોએ સંબોધન કર્યું હતું. બલુચિસ્તાનમાં વિદ્રોહ શમવાને બદલે વધતો જાય છે.




