- પુતિનનાં આ વિધાનો એટલા માટે મહત્વનાં છે કે યુક્રેન યુદ્ધને લીધે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા છે છતાં ટ્રમ્પ-પુતિન સાથે વાતચીત કરતા રહ્યા છે
બૈજિંગ : રશિયાના પ્રમુખ પુતિન ચીનની મુલાકાતે અહીં આવ્યા છે. પ્રમુખ શી-જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન પુતિને એક મહત્વનું નિવેદન કહ્યું કે હું અમેરિકા સાથે કામ કરવા તૈયાર છું. આ અંગે મારે શી-જિનગિંપ સાથે પણ વાત થઈ ચૂકી છે.
પુતિનનું આ નિવેદન એટલા માટે મહત્વનું મનાય છે કે યુક્રેન યુદ્ધને લીધે અમેરિકાએ રશિયા ઉપર અનેક પ્રતિબંધો મુક્યા છે તેમ છતાં પ્રમુખ ટ્રમ્પ, પ્રમુખ પુતિન સાથે સતત વાતચીત કરતા રહે છે, જેથી તે યુદ્ધ અટકી શકે.
આ સાથે મુખ્ય પ્રશ્ન તો તે ઉપસ્થિત થાય છે કે શું રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થવાની દિશામાં કાર્યવાહી તો શરૂ નથી થઈ રહી ? શી-જિનપિંગ અને વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે દ્વિપક્ષીય સંબંધો અને યુક્રેન યુદ્ધ, ઇરાન અંગે સઘન મંત્રણા થઈ હતી. તે ઉપરાંત બંને દેશોના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ વ્યાપક ચર્ચા થઈ હતી.
આ પૂર્વે શી-જિનપિંગે ગ્રેટ હોલ ઓફ પીપલમાં પ્રમુખ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંગળવારે રાત્રે પુતિનનું વિમાન બૈજિંગ પહોંચ્યું ત્યારે વિમાન ગૃહે ચીની વિદેશમંત્રી વાંગ યી એ રશિયા પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
આ પૂર્વે મંગળવાર એક વિડીયો સંબોધનમાં પુતિને કહ્યું હતું કે રશિયા-ચીન સંબંધો અત્યારે અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાવી જોઈએ. સંબંધો દ્રઢ બનાવવા જોઈએ. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તથા વિવિધ સેક્ટરમાં આપસી હિતો તથા અંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે.


