Get The App

યુદ્ધ વચ્ચે ઈરાન સરકારમાં તિરાડ! જાણો રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને IRGC પ્રમુખ કેમ બાખડ્યા

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
President Masoud Pezeshkian IRGC rift


President Masoud Pezeshkian IRGC rift: છેલ્લા એક મહિનાથી અમેરિકા અને ઈઝરાયલ સામે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ઈરાનમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. 'ઈરાન ઈન્ટરનેશનલ'ના રિપોર્ટ અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાન અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ(IRGC)ના ચીફ કમાન્ડર અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધની વ્યૂહરચના અને દેશની કથળતી આર્થિક સ્થિતિ બાબતે ગંભીર વિખવાદ સર્જાયો છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન પડોશી રાષ્ટ્રો પર થઈ રહેલા હુમલાઓ અને વધતા જતા તણાવના પક્ષમાં નથી, જ્યારે બીજી તરફ IRGC આ જંગને હજુ વધુ ખેંચવા માંગે છે.

આર્થિક તબાહીની ચેતવણી

રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું માનવું છે કે જો તાત્કાલિક સીઝફાયર કરવામાં નહીં આવે, તો આગામી ત્રણ અઠવાડિયા કે એક મહિનામાં ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તબાહ થઈ જશે. તેમણે અગાઉ ખાડી દેશો પર થયેલા હુમલા માટે માફી પણ માંગી હતી અને આવા હુમલા રોકવા સૂચના આપી હતી, છતાં IRGC દ્વારા હુમલા ચાલુ રખાયા છે. રાષ્ટ્રપતિએ તમામ એક્ઝિક્યુટિવ પાવર સરકારને સોંપવાની માંગ કરી છે, જેને કમાન્ડર અહેમદ વાહિદીએ ફગાવી દીધી છે.

ઈરાનમાં આંતરિક વિખવાદના સંકેત

આ સત્તા સંઘર્ષમાં IRGCએ વર્તમાન સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમનો આરોપ છે કે યુદ્ધ શરૂ થયા પહેલા સરકારે જરૂરી સુધારા અમલમાં મૂક્યા નહોતા. બીજી તરફ, ઈઝરાયલના મીડિયા અહેવાલો મુજબ, ઈરાની શાસનમાં દેખાઈ રહેલી આ તિરાડનો લાભ ઉઠાવીને ત્યાંની સત્તા ઉથલાવી પાડવાની તૈયારીઓ પણ થઈ રહી છે. નિષ્ણાતોના મતે, હવે બધો આધાર ઈરાની જનતાના વલણ પર છે.

આ પણ વાંચો: ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની તૈયારી! 7 લાખ કરોડની 'તિજોરી' અને 90 ટકા ઓઈલ ખતરામાં

યુદ્ધના કારણે ઈરાનમાં આર્થિક પાયમાલી

યુદ્ધના કારણે ઈરાનની જનતા પાયમાલ થઈ રહી છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ત્યાં મોંઘવારીનો દર 115% પર પહોંચી ગયો હતો અને કરન્સીના મૂલ્યમાં ભારે ઘટાડો થયો હતો. હાલમાં ઈરાનના અનેક શહેરોમાં ATMમાં રોકડ ખતમ થઈ ગઈ છે અને બેન્કોની ઓનલાઈન સેવાઓ ઠપ થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે સરકારી કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ મળ્યો નથી, જે દેશની ગંભીર આર્થિક કટોકટી સૂચવે છે.

યુદ્ધ વચ્ચે ઈરાન સરકારમાં તિરાડ! જાણો રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને IRGC પ્રમુખ કેમ બાખડ્યા 2 - image