Get The App

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ચર્ચાની શક્યતા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં ચર્ચાની શક્યતા 1 - image


- ઇરાન પરમાણુ ડીલ કરવા અને મિસાઇલ ક્ષમતા મર્યાદિત રાખવા તૈયાર : ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટન: અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ રોકવા આગામી પાંચ દિવસમાં સંમતિ સધાવવાની સંભાવના છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાનના સન્માનનીય રાજદ્વારી સાથે આ મુદ્દે મંત્રણા ચાલી રહી છે. આગામી પાંચ દિવસોમાં ડીલ થશે તો આશ્ચર્ય નહીં થાય. છતાં પણ આ હજી સંભાવના હોવાનું જણાવ્યું હતું. 

ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાન સાથે થનારી સંભવિત ડીલનો મુખ્ય આધાર પરમાણુ શસ્ત્રોનો ખાત્મો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઇરાન તે વાત પર સંમત થઈ ગયું છે કે તે ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં બનાવે. આ મહાડીલમાં મિસાઇલ પ્રોગ્રામ પર લગામ અને મધ્યપૂર્વની શાંતિ સ્થાપના જેવા મુખ્ય મુદ્દા સામેલ છે. 

તેના પર બંને પક્ષ સંમત થતાં નજરે આવી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે જો આગામી પાંચ દિવસ સુધી વાતચીત સફળ રહે છે તો યુદ્ધ કાયમ માટે ખતમ થઈ જશે. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પે આ ડીલનો સીધો સંબંધ ઓઇલની કિંમતો સાથે જોડયો છે, જે ઘટવા લાગી છે. ટ્રમ્પે મોજતબા ખામેનેઈને ઇરાનના નવા નેતા માનવાની વાત નકારી છે અને જણાવ્યું છે કે તેમનો કોઈ અતોપતો નથી.  ટ્રમ્પની રણનીતિ રીજિમ ચેન્જથી આગળ વધીને નવા નેતૃત્વ સાથે સમજૂતી કરવાની છે, કેમકે ટોચની નેતાગીરીને પહેલા જ ખતમ કરવામાં આવી ચૂકી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ વાતચીત નિષ્ફળ રહે છે તો અમેરિકા પોતાના વિનાશક બોમ્બમારાનો સિલસિલો ફરીથી શરૂ કરશે. 

ઇસ્લામાબાદમાં આ સપ્તાહના અંતે ઇરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર, અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફ, અમેરિકન રાજદ્વારી જેરેડ કુશનેર, જેડી વાન્સ અને ર્યુ એક્સિઓસિસ  વચ્ચે મંત્રણા યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ઇઝરાયેલના અધિકારીઓ પણ માને છે કે ઇરાન અને અમેરિકા આ સપ્તાહના પ્રારંભમાં મંત્રણા યોજી શકે છે. આને સંભવિત પણ યુદ્ધનો અંત લાવવાના રાજદ્વારી પ્રયાસોનો પ્રારંભ માની શકાય. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા-ઇરાન વચ્ચે સંમતિની સંપૂર્ણ સંભાવના છે, પરંતુ કશું અંતિમ ન કહી શકાય.