- ડોલ્ફિન પફરફિશ દ્વારા નશો કરતી હોવાના સંકેત
- ગંદા પાણી, ગટર અને ટુરિઝમ સંબંધિત કચરાને કારણે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ : વૈજ્ઞાનિકોનો દાવો
બહામાસ : સમુદ્રી જીવસૃષ્ટિની ચિંતાજનક પ્રવૃત્તિઓ સામે આવી છે. એક તરફ ડોલ્ફિન નશો કરતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, શાર્કના શરીરમાં કોકેઇનના અંશ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ બધું સમુદ્રમાં વધી રહેલા પ્રદૂષણના સંકેત છે.
રિસર્ચમાં સામે આવ્યું કે, ડોલ્ફિન પફરફિશ સાથે અનોખી રીતે રમતી હોય છે. આ દરમિયાન પફરફિશમાંથી ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર બહાર પડે છે. જે ઓછી માત્રામાં નશા જેવી અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે, ડોલ્ફિન આનંદ લેવા માટે આવું કરતી હોઈ શકે છે.
બીજી તરફ, કેટલીક શાર્કના શરીરમાં કોકેઈન અને પેઈનકિલર દવાઓના અંશ મળી આવ્યા છે. આ પદાર્થો સમુદ્રમાં ગંદાપાણી, ગટર અને ટુરિઝમ સંબંધિત પ્રદૂષણ મારફતે પહોંચે છે. તેમના શરીરમાં કેફીન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યું હતું. જે વ્યાપક પ્રદૂષણ દર્શાવે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, શાર્કના વર્તનમાં કોઈ સ્પષ્ટ બદલાવ નથી જોવા મળ્યો. પરંતુ ,તેમના શરીરની અંદર રાસાયણિક ફેરફાર નોંધાયા છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી છે કે, ઘણા સમુદ્રમાં દવાઓ અને રસાયણોનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, જે સમુદ્રી જીવસૃષ્ટિ પર ગંભીર અસર કરી શકે છે.


