Get The App

'અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન', ઇઝરાયલની સંસદમાં બોલ્યા PM મોદી

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
'અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન', ઇઝરાયલની સંસદમાં બોલ્યા PM મોદી 1 - image

PM Modi Israel Visit: લગભગ 9 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી. વડાપ્રધાન મોદી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12:45 વાગ્યે તેમની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈઝરાયલની સંસદમાં સંબોધન

140 કરોડ લોકોની મિત્રતાનો સંદેશ લાવ્યો છું: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇઝરાયલની સંસદમાં સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆત શાલોમ અને નમસ્તેથી કરી. તેમણે કહ્યું કે, 'આ સંસદમાં હોવું મારા માટે સન્માનની વાત છે. ભારતના વડાપ્રધાન હોવાના નાતે હું 140 કરોડ ભારતીયોની મિત્રતાનો સંદેશ લાવ્યો છું. હું 140 કરોડ ભારતીયોની શુભકામનાઓ તમારા માટે લાવ્યો છું.'

ફરી ઈઝરાયલ આવીને ખુબ ખુશ છું: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'મને ઇઝરાયલની પહેલી યાત્રા કરનારા ભારતના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું અને હું અહીં ફરી આવ્યો અને વધુ ખુશ છું. મારો જન્મદિવસ એ જ દિવસે હોય છે, જે દિવસે ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી.'

નિર્દોષ નાગરિકોની હત્યા કોઈ કિંમત પર સહન નહીં: પીએમ મોદી

નેસેટને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ 7 ઓક્ટોબરના હુમલાની ટીકા કરી. તેમણે આને ક્રૂર હુમલો ઘણાવતા ભારત તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભારત પણ આતંકવાદનો શિકાર છે. મારી સંવેદનાઓ તે તમામ લોકોના પરિવાર સાથે છે, જેમણે હમાસના હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા. ભારત ઈઝરાયલની સાથે ઉભું છે અને આગળ પણ ઉભું રહેશે.'

વડાપ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદને સંબોધિત કરતા હમાસને આડેહાથ લેતા કહ્યું કે, 'નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં સહન નહીં. કોઈપણ કિંમત પર નિર્દોષોની હત્યાને યોગ્ય ન ગણી શકાય. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. ગાઝા શાંતિ પ્રયાસમાં ભારત તમારી સાથે છે.'

યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ સહન નહીં. અમારી આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરેન્સની નીતિ છે. ભારત ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત અબ્રહામ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે.'

હોલોકાસ્ટ ઇતિહાસનો સૌથી કાળો દિવસ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'ભારત અને ઇઝરાયલના સંબંધ 2000 વર્ષ જૂના છે. વર્લ્ડ વોર 1માં 4000 ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી હતી. હાઇફામાં ભારતીય સૈનિકોએ શહીદી આપી. યહૂદી નરસંહારનો ઇતિહાસ કાળો છે.'

ભારત ગાઝા શાંતિ પહેલને મજબૂત સમર્થન આપે છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું, 'યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલ ગાઝા શાંતિ પહેલ આગળ વધવાનો માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલ માટે પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો છે. અમારું માનવું છે કે તે પેલેસ્ટિનિયન મુદ્દાને સંબોધવા સહિત, પ્રદેશના તમામ લોકો માટે ન્યાયી અને સ્થાયી શાંતિનું વચન ધરાવે છે. અમારા બધા પ્રયાસો શાણપણ, હિંમત અને માનવતા દ્વારા સંચાલિત થાય. શાંતિનો માર્ગ હંમેશા સરળ હોતો નથી, પરંતુ ભારત પ્રદેશમાં સંવાદ, શાંતિ અને સ્થિરતા માટે તમારી અને વિશ્વની સાથે ઉભો છે.'

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સંસદમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા તેમના ભરપૂર વખાણ કર્યા. નેતન્યાહૂએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદી મિત્રથી વિશેષ મારા ભાઈ છે. તેમનું ઇઝરાયલ આવવું અમારા માટે ગર્વની વાત છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે ગાઢ સંબંધો જગજાહેર છે. વડાપ્રધાન મોદી તમે બહાના નથી બનાવતા, તમે સાચે અમારી સાથે ઉભા છો. ભારત, ઇઝરાયલની સાથે ઉભું છે. સચ્ચાઈની સાથે ઉભું છે.' તેઓ આટલું જ બોલતા આખી સંસદે ઉભા થઈને તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી.

વડાપ્રધાન મોદી નેસેટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સંબોધન કરવાના છે.

ઇઝરાયલી સંસદમાં વડાપ્રધાનનું તાળીઓના ગડગડાટથી સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરવા માટે પહોંચ્યા. સંસદમાં પહોંચ્યા બાદ તેમનું તાળીઓના ગડગડાટ અને "મોદી, મોદી!" ના નારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું.


મોદી મારા મિત્રથી વિશેષ મારા ભાઈ: નેતન્યાહૂ

વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના સભ્યોને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અવીવની એક હોટલમાં સાંસ્કૃતિક કાર્યક્રમને નીહાળ્યો હતો. તેમણે ત્યાં હાજર ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી ઇઝરાયલની બે દિવસીય રાજ્ય મુલાકાતે છે.

વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું

ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી ઍરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઍરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું.

'એર ઇન્ડિયા વન'ને સૌથી વધુ ટ્રેક કરાયું

ઈઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લાઇટ રડાર પર સૌથી વધુ એર ઇન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું.

શા માટે આ મુલાકાત મહત્ત્વની છે?

છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ 2017માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવાયા હતા. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની છે.


ઈઝરાયલ પ્રવાસનો કાર્યક્રમ

-પીએમ મોદી ઈઝરાયલની સંસદ 'નેસેટ'ને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે

-ઈઝરાયલની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ઇનોવેશનના પ્રદર્શનની સંભવિત મુલાકાત

-રાત્રે પીએમ નેતન્યાહૂ વડાપ્રધાન મોદીના સન્માનમાં ખાસ રાત્રિ ભોજનનું આયોજન

-વિશ્વના સૌથી મોટા હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર(યહૂદી નરસંહાર સ્મારક) જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

-પીએમ મોદી અને નેતન્યાહૂની બેઠક બાદ સંયુક્ત નિવેદન

-ભારત અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ, પાણી વ્યવસ્થાપન અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં મહત્ત્વના એમઓયુ(MoU) પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.

-આવતીકાલે ગુરુવારે બપોર બાદ દિલ્હી પરત આવવા રવાના થશે.