World

PM મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતાં રોક્યા હતા, પોલૅન્ડના મંત્રીનો સનસનાટીપૂર્ણ દાવો

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
પોલૅન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ બાર્ટોશેવસ્કીએ નવી દિલ્હીમાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને યુક્રેન પર પરમાણુ હુમલો કરતાં રોક્યા હતા. પુતિન મોદીની વાત ગંભીરતાથી સાંભળે છે, કારણ કે ભારત અને રશિયાના દાયકાઓ જૂના મજબૂત સંબંધો છે. મોદીના પ્રભાવે યુદ્ધને નવો વળાંક આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતાં રોક્યા હતા, પોલૅન્ડના મંત્રીનો સનસનાટીપૂર્ણ દાવો

PM Narendra Modi Vladimir Putin Russia Ukraine War 2026 : વૈશ્વિક રાજદ્વારી મોરચે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ઉજાગર કરતો એક અત્યંત ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. પોલૅન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોશેવસ્કીએ દાવો કર્યો છે કે, વર્ષ 2022ના અંતમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેન પર વ્યૂહાત્મક પરમાણુ હુમલો કરતા રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-પોલૅન્ડ સંયુક્ત આર્થિક સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આ વૈશ્વિક ખુલાસો કર્યો છે.

વ્લાદિમીર પુતિન વડાપ્રધાન મોદીની વાત ધ્યાનથી સાંભળે છે

પોલૅન્ડના મંત્રી બાર્ટોશેવસ્કીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી એક છે જેમની સલાહને રાષ્ટ્રપ્રમુખ પુતિન ખૂબ જ ગંભીરતાથી લે છે. મોસ્કો(રશિયા) સાથે ભારતના દાયકાઓ જૂના વ્યૂહાત્મક અને મજબૂત સબંધો આનું મુખ્ય કારણ છે. તેમણે ઉમેર્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જાણીતા અને અત્યંત આદરણીય વૈશ્વિક રાજનેતા છે. રશિયન ફેડરેશન અને અગાઉના સોવિયેત યુનિયન સાથે ભારતના ઐતિહાસિક સંબંધો રહ્યા છે. જેના કારણે પુતિન વડાપ્રધાન મોદીની વાતો પર વિશેષ ધ્યાન આપે છે."

બટોર્શેવસ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધના જટિલ સમયને યાદ કર્યો

પોલૅન્ડના ડેપ્યુટી વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2022ના અંતમાં રશિયા-યુક્રેન યુદ્ધના એક અત્યંત નાજુક અને જોખમી વળાંક પર રશિયાને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતું અટકાવીને પોતાનો પ્રભાવ સાબિત કરી બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી રશિયા પર હકારાત્મક દબાણ અને પ્રભાવ લાવી શકે તેવા સક્ષમ નેતા છે અને આ સંઘર્ષને રોકવામાં ભારત ઘણું મદદરૂપ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022માં ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિનને જાહેરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "આજનો યુગ યુદ્ધનો નથી." વડાપ્રધાન મોદીના આ નિવેદનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. ચાર વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં ભારતે પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા પરના પ્રતિબંધોમાં જોડાવાનો ઇન્કાર કર્યો છે અને સતત વાતચીત તેમજ મુત્સદ્દીગીરીની હિમાયત કરી છે.

ઈરાન મામલે પણ ભારતના સંતુલિત અભિગમના વખાણ કર્યા

પોલૅન્ડના મંત્રીએ ઈરાન યુદ્ધ અને મિડલ ઈસ્ટના તણાવ અંગે ભારતના સંતુલિત અભિગમનું પણ સમર્થન કર્યું હતું. ભારતે હંમેશા આતંકવાદની નિંદા કરી છે અને સંયમ જાળવી રાખી સંવાદ સાધવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ભારત એક મોટો અને મહત્ત્વનો દેશ છે જે ગલ્ફ(અખાતી દેશો)માંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેના હિતો ત્યાં જોડાયેલા છે. પોલૅન્ડ પણ ઈરાન સાથે સંપર્કમાં છે અને રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે, જે વડાપ્રધાન મોદીની નીતિ સમાન જ છે.