બાંગ્લાદેશમાં મંત્રીના ઘર ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શેખ હસીના ભારતને ખુશ કરે છે : તારિક રહેમાન
- વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે કહ્યું : 'આવામી લીગના કાર્યકરો સમગ્ર દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે'
ઢાકા : બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ભભૂકી ઊઠી છે. શુક્રવારે સવારે તારિક રહેમાનની સરકારમાના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરના સિલ્હર સ્થિત ઘર ઉપર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તે પછી થોડા કલાકોએ કબીરે કહ્યું, 'શેખ હસીનાનાં નેતૃત્વ નીચેની આવામી લીગના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર દેશમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે, તે આતંકવાદી ગતિવિધિ જ છે. જ્યારે વડાપ્રધાન તારિક રહેમાને ભારતનું નામ લીધા સિવાય જ ભારતને તે રમખાણો માટે જવાબદાર ઠરાવ્યું હતું.
આ ઘટના પૂર્વે ગુરૂવારે ઉત્તર બાંગ્લાદેશના મોનીર-હાટ શહેરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રહેમાને કહ્યું હતું કે, 'આવામી લીગના નેતાઓ બાંગ્લાદેશ અને તેના લોકો ઉપર ધ્યાન આપતા નથી.'
જ્યારે હુમાયુ કબીરે તે હુમલા પછી કહ્યું : 'હવે આવામી લીગ આતંકવાદી સંગઠન બની ગયું છે. ક્યાંક પેટ્રોલ બોંબ ફેંકે છે, તો ક્યાંક આગ લગાડી નાસી જાય છે.'
તે સર્વવિદિત છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર આતંકવાદી કાનૂનો નીચે પ્રતિબંધ મુકાયેલો છે.
સિલ્હટ મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમીશ્નર મોહમ્મદ અફઝલ હુસેને કહ્યું હતું કે, 'મંત્રીનાં ઘર ઉપર ફેંકાયેલા પેટ્રોલ બોંબથી કોઈનું મૃત્યુ થયું નથી કે કોઈ નુકસાન પણ થયું નથી. જો કે હજી સુધી તેમાં સામેલ લોકોની ઓળખ થઈ શકી નથી.
આ ઘટના પછી વડાપ્રધાન તારિક રહેમાને આક્ષેપ કર્યો હતો કે, આવામી લીગનાં વિરોધ પ્રદર્શન તો બોર્ડર પર બેઠેલા લોકો ચલાવી રહ્યા છે.
ભારતે રહેમાનનાં આ વિધાનો ઉપર કોઇ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો અને બાંગ્લાદેશ સાથે આપણા જૂના સંબંધો છે તે યથાવત જ છે તેમ પણ કહ્યું હતું. વધુમાં કહ્યું કે, ભારત હંમેશા પાડોશી દેશ સાથે સકારાત્મક સંબંધો જ ઇચ્છે છે.'
વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલને બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, 'તે બાંગ્લાદેશનો આંતરિક ઘટનાક્રમ છે, મારે કોઈ ટિપ્પણી કરી શકાય નહીં.'
ઉલ્લેખનીય તો તે છે કે ગુરૂવારે ઉત્તર બાંગ્લાદેશનાં લાલ મોનીર હાટહાટમાં એક કાર્યક્રમમાં કરેલાં સંબોધનમાં વડાપ્રધાન તારિક રહેમાને કહ્યું હતું કે, 'આવામી લીગ અને તેના નેતાઓએ બંગ્લાદેશ અને તેના લોકોનાં હિતનો વિચાર કરતા નથી. ભારતનું નામ લીધા સિવાય તેમણે કહ્યું કે, બોર્ડરની પેલી બાજુએ દેશ જયાં તેઓ નાસી ગયા છે, તે તેમનો માલિક છે. તે માલિકને ખુશ કરવા તેઓએ ફરી બાંગ્લાદેશ અને તેના લોકો વિરૂધ્દ સાજીશ શરૂ કરી દીધી છે.'




