Peter Navarro Post On PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધ્યાનની તસવીર સાથે ભારત પર આકરા પ્રહારો કરવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારો ટ્રોલ થઈ રહ્યા છે. નવારોએ શુક્રવારે પીએમ મોદીની ધ્યાનની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની નીતિ પર સવાલો ઉઠાવતાં આકરી ટિપ્પણી કરી હતી. જે તેમને હવે ભારે પડી છે.
નવારોએ ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવ્યા
નવારોએ પોસ્ટ કરી હતી કે, ભારતીય બિઝનેસમેન નફાખોર છે. ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો રળી રહ્યું છે. વધુમાં નવારોએ યુક્રેન યુદ્ધ માટે ભારતને જવાબદાર ઠેરવતો કટાક્ષ પણ કર્યો હતો કે, યુક્રેનમાં શાંતિ નવી દિલ્હી પસાર થઈને આવી રહી છે. આ પોસ્ટમાં પીએમ મોદીની ભગવા રંગના વસ્ત્રોમાં ધ્યાન કરતી તસવીરનો ઉપયોગ કર્યો હોવાથી તેઓ ટીકાઓનો ભોગ બન્યા છે.
પીએમ મોદીની તસવીરના કારણે થયા ટ્રોલ
વડાપ્રધાન મોદીની તસવીરના કારણે ભારતીય યુઝર્સ દ્વારા નવારો ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, વાહ! ટ્રમ્પના વેપાર સલાહકાર હવે ભારતને ટાર્ગેટ બનાવી ટ્વિટમાં પીએમ મોદીની ધ્યાનની તસવીરનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકો ભારત સાથે સંપૂર્ણપણે સંબંધો બગાડી રહ્યા છે.અન્ય એક યુઝરે કહ્યું કે, આ બહુ બકવાસ કરી રહ્યા છે. ભારત સાથેના વર્તમાન વ્યવહાર અને વલણ પર અમેરિકાના વહીવટીતંત્રની ટીકા કરી હતી.
આતંકવાદના ફંડિંગનો લગાવ્યો આરોપ
એક યુઝરે અમેરિકા પર આતંકવાદને ફંડિંગ કરવાનો આરોપ મૂકતાં કમેન્ટ કરી હતી કે, શાંતિનો માર્ગ મોસ્કો, કીવ કે દિલ્હી થઈને નહીં, પણ વોશિંગ્ટન થઈને જાય છે. વિશ્વમાં શાંતિ તે દિવસે નહીં આવે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે. પરંતુ તે દિવસે આવશે, જ્યારે આંતકવાદીઓને ફંડ, હથિયાર, સુરક્ષા મળવાનું બંધ થશે.
યુક્રેન યુદ્ધનું કારણ અમેરિકા-નાટો જ હતું
વધુ એક યુઝરે ટીકા કરી હતી કે, યુક્રેન યુદ્ધનું કારણ અમેરિકા અને નાટો જ છે તે વાત કોઈએ ભૂલવી જોઈએ નહીં. અમેરિકા ભારત પર આકરા પ્રતિબંધો લાદે છે. અને પાકિસ્તાનમાં આતંકવાદીને ફંડિંગ કરી રહ્યું છે. અમેરિકાએ બીજા પર આક્ષેપો કરતાં પહેલાં અરીસામાં જોવું જોઈએ.


