...તો શું ટ્રમ્પ ફેલ થયા? અલાસ્કામાં પુતિન સાથેની વાતચીત બાદ પણ યુદ્ધ શાંત ન થયું, ઉલટાનું વધ્યું
Ukraine Russia War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 15 ઓગસ્ટ, 2025ના રોજ અલાસ્કામાં થયેલી મુલાકાતને યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે 'ટર્નિંગ પોઈન્ટ' ગણાવવામાં આવી હતી, પણ પરિણામ ઊલટું આવ્યું. ટ્રમ્પે યુદ્ધવિરામ ન થવા પર રશિયાને ગંભીર પરિણામોની ધમકી આપી હતી, પણ મુલાકાત બાદ રશિયાએ હુમલાઓ વધુ તેજ કર્યા, જેનાથી ટ્રમ્પની અલાસ્કા ડિપ્લોમેસી પર સવાલ ઉઠ્યા છે.
વાતચીત પછી તરત જ હુમલો
યુક્રેનનો આરોપ છે કે અલાસ્કામાં પુતિન-ટ્રમ્પની વાતચીત પછી તરત જ રશિયાએ 85 ડ્રોન અને એક ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઈલ વડે યુક્રેન પર હુમલા કર્યા. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે 61 રશિયન ડ્રોનને રોકી દીધા.
20-21 ઓગસ્ટના રોજ ડ્રોન અને મિસાઈલ હુમલા
20-21 ઓગસ્ટ, 2025ના રોજ રશિયાએ યુક્રેન પર 574 ડ્રોન અને 40 મિસાઈલો વડે મોટો હુમલો કર્યો, જે કીવ, લીવ, સુમી, ચેરનીવત્સી અને ડિનીપ્રોપેટ્રોવસ્ક વિસ્તારો પર કેન્દ્રિત હતો. આ હુમલામાં 9 નાગરિકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલા દરમિયાન, રશિયાએ ડોનેત્સ્કમાં કેટલાક ગામો પર કબજો કર્યો અને સુમી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને 14 લોકો ઘાયલ થયા.
28 ઓગસ્ટ, 2025ના રોજ રશિયાએ 629 ડ્રોન અને મિસાઇલો વડે કીવ પર સૌથી મોટો હુમલો કર્યો, જેમાં 14 લોકોના મોત થયા અને 48 ઘાયલ થયા. આ હુમલામાં યુરોપિયન યુનિયનની ઇમારતને પણ નુકસાન થયું, જેના જવાબમાં યુક્રેને પણ વળતો હુમલો કર્યો.
દ્રુઝબા પાઇપલાઇન અને તેલ રિફાઇનરીઓ પર હુમલા
રશિયાના હુમલાના જવાબમાં, યુક્રેને દ્રુઝબા પાઇપલાઇન અને બે તેલ રિફાઇનરીઓ પર હુમલો કર્યો, જેના કારણે રશિયાએ પેટ્રોલિયમ નિકાસ અટકાવવી પડી. આ હુમલાઓ દર્શાવે છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની અલાસ્કા બેઠક, જેમાં યુક્રેનની ગેરહાજરી હતી, શાંતિ માટે નિષ્ફળ રહી, કારણ કે બેઠક પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ દરમિયાન, ઘણા અહેવાલોમાં એવી પણ ખબર આવી કે આગામી મુલાકાત પુતિન અને ઝેલેન્સકી વચ્ચે પણ થઈ શકે છે.
આ પણ વાંચો: લાહોરમાં પૂર આવ્યું તોય ભારતનો દોષ? અકળાયેલા પાકિસ્તાને સિંધુ જળ કરારના રોદણાં રોયા
લડાઈ કેમ તેજ થઈ?
યુક્રેનમાં શાંતિ માટે પુતિનની મુખ્ય માંગણીઓ છે કે, યુક્રેન NATOથી દૂર રહે, રશિયાનું ડોનબાસ પ્રદેશ (ડોનેત્સ્ક અને લુહાન્સ્ક) પર નિયંત્રણ રહે અને યુક્રેનની સૈન્ય તાકાતમાં ઘટાડો થાય. પરંતુ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ માંગણીઓનો અસ્વીકાર કર્યો, ખાસ કરીને ક્ષેત્રીય છૂટછાટોનો અને તેને પોતાના બંધારણ વિરુદ્ધ ગણાવી. આ અસ્વીકાર બાદ રશિયાએ હુમલા વધુ તેજ કર્યા છે, જ્યારે યુધ્ધના અંત બાબતે ઝેલેન્સકીનું કહેવું છે કે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાની શરતે જ આ શક્ય છે.
જર્મન ચાન્સેલરના નિવેદનથી તણાવ વધુ વધ્યો
આ દરમિયાન, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે કોઈ બેઠક થશે નહીં. તેમણે વધુમાં કહ્યું, 'આ ગયા અઠવાડિયે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી સમજૂતીથી અલગ છે.' જર્મન ચાન્સેલરના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે યુક્રેનને યુદ્ધ અટકાવવાની કોઈ ઉતાવળ નથી. યુક્રેન જો યુદ્ધવિરામ પર વાત પણ કરશે તો તે કોઈપણ શરતને મનસ્વી રીતે સ્વીકારવા તૈયાર નથી.