Get The App

બી-1,બી-2 વિઝા માટે એકસ્ટ્રા 750 ડોલર ચૂકવો, 10 દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
બી-1,બી-2 વિઝા માટે એકસ્ટ્રા 750 ડોલર ચૂકવો, 10 દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ 1 - image

- એચ-1બીમાં પછડાટ પછી ટ્રમ્પની નવી ઓફર !

- વધારાની ફીની મદદથી અમેરિકન વિઝાના જંગી બેકલોગને પાસ કરવામાં મદદ મળશે તેવો દાવો

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એચ-૧બી વિઝામાં કોર્ટની સામે બરોબરની પછડાટ ખાધા પછી હવે નવો દાવ રમ્યા છે. ટ્રમ્પ તંત્રએ ઓફર કરી છે કે બી-૧ અને બી-ટુ વિઝામાં અરજી સમયે ૧૮૫ ડોલર ચૂકવ્યા પછી ૭૫૦ ડોલર જો વધારાના ચૂકવશો તો ૧૦ જ દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ કરી શકશો. સામાન્ય રીતે તેનો બેકલોગ ક્લિયર કરવામાં વર્ષ ઉપરાંતનો સમય લાગે છે. 

આ નવા પાયલોટ પ્રોગ્રામનો પ્રારંભ પહેલી જુલાઈ ૨૦૨૬થી થશે. આના લીધે ક્વોલિફાઇડ બી-૧ અને બી-ટુ વિઝા અરજદારો અમેરિકન રાજદૂતાવાસમાં ઇન્ટરવ્યુ માટેનો સ્લોટ ખરીદી શકશે અને વિદેશમાં તેમણે કોન્સ્યુલરને જે નિયત ધારાધોરણ મુજબ ૧૮૫ ડોલરની અરજી ફી ચૂકવવાની હોય છે તે ચૂકવવાની રહેશે. 

અમેરિકન વિદેશ વિભાગનું કહેવું છે કે જો તમારે અરજી કરીને વહેલામાં વહેલી તકે ઇન્ટરવ્યુ જોઈતો હોય તો ૭૫૦ ડોલર એક્સ્ટ્રા ચૂકવો અને દસ જ દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ કરી દો. આ પ્રોગ્રામ ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. આમ વિદેશ વિભાગ પાસે પણ આ પ્રકારના ઇન્ટરવ્યુની કેટલી માંગ છે તે જોવાનો અને તેની કાર્યકારી અસરની સમીક્ષા કરવાનો છ મહિનાનો સમય મળશે. તેના પછી નક્કી કરવામાં આવશે કે તેને કાયમી ધોરણે અમલમાં આવશે કે નહીં. 

અમેરિકાની મુલાકાત લેવા માંગતો કોઈ વિદેશી જે વિઝા મેળવવા માંગતો હોય તે ટૂંકાગાળાનો નોન ઇમિગ્રન્ટ વિઝા હોય કે લાંબા ગાળાનો ઇમિગ્રન્ટ વિઝા હોય. હવે નોન ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીમાં આવનારાઓ અમેરિકામાં કામચલાઉ ધોરણે પ્રવેશવા માંગતા હોય છે, તેઓ ક્યાં તો ધંધાકીય હેતુઓ માટે બી-૧ વિઝા પર આવતા હોય છે અથવા તો ખાલી ફરવા કે સગાસંબંધીને ત્યાં બી-ટુ વિઝા પર આવતા હોય છે. ઘણી વખત બંને ભેગું પણ હોય છે.

હવે ફક્ત ૭૫૦ ડોલરની ફી ચૂકવવાની તેને ફાયદો થતો હોય તો તે એકમાત્ર ફાયદો એ છે કે તેને ફક્ત ૧૦ જ દિવસમાં ઇન્ટરવ્યુની એપોઇન્ટમેન્ટ મળી જશે. અહીં આ બી-૧ અને બી-ટુ વિઝાના બાકીના નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્યાંય કોઈ માપદંડ માટે સમાધાન નહી કરાય. ફક્ત ઇન્ટરવ્યુ ૧૦ જ દિવસમાં થઈ જશે. સામાન્ય રીતે આ પ્રકારના વિઝામાં નંબર આવતા જ વર્ષ કે બે વર્ષ નીકળી જતાં હોય છે, કારણ કે અમેરિકાના વિઝામાં બેકલોગ જબરદસ્ત છે.  આ સંજોગોમાં સમયની મોટી બચત થાય છે, એક રીતે તમે આ ફી ચૂકવીને અમેરિકાનો વિઝા બેકલોગ બાયપાસ કરી જાવ છો. આ ફી નહી પણ અમેરિકાનો વિઝા બેકલોગ બાયપાસ કરવાની ચાવી છે. પણ અહીં તે યાદ રાખવું જરૂરી છે, જો તમે એપોઇન્ટમેન્ટ રદ કરી, ચૂકી ગયા કે ભૂલી ગયા તો આ ફી નોન રીફન્ડેબલ છે એટલે કે આટલા ડોલર ભૂલી જવાના. 

અમેરિકામાં દરેક વિઝાની કેટેગરીમાં લાખો અરજદારો હોય છે અને તેમા બહુ લાંબો પ્રતીક્ષા સમયગાળો હોય છે, તેમા આ પ્રકારની ફી અમેરિકન ઇમિગ્રેશન વિભાગ અને અરજદાર બંને માટે વિન-વિન સિચ્યુએશન માનવામાં આવે છે. અમેરિકા ઝડપથી આવવા માંગનારાઓ માટે તો જાણે તે બહુ મહત્ત્વનું સાધન છે. અમેરિકામાં ૨૦૨૬માં ફિફા વર્લ્ડ કપ અને ૨૦૨૮માં લોસ એન્જલ્સ ઓલિમ્પિક છે ત્યારે તેને તેનો જબરદસ્ત ફાયદો થશે તેમ મનાય છે.