પાકિસ્તાનનું કાર્ગો વિમાન રડારથી અચાનક ગુમ, અરબ સાગરમાં ક્રેશ થયાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan cargo plane missing: શારજાહથી કરાચી તરફ આવી રહેલું પાકિસ્તાનનું એક કાર્ગો વિમાન મંગળવારે રાત્રે રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ભારે દોડધામ મચી ગઈ છે અને રહસ્ય ઘેરાયું છે. આ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. પ્રાથમિક વિગતો અનુસાર, ફ્લાઇટની નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ જતાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ટેકનિકલ ખામીના કારણે વિમાન કરાચીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા અરબ સાગરમાં ખાબક્યું હોવાની પ્રબળ આશંકા છે. હાલમાં ગુમ થયેલા વિમાનની શોધખોળ માટે દરિયામાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વિમાને પાકિસ્તાની સમય મુજબ રાત્રે 9:18 વાગ્યે કરાચી તરફ આગળ વધતી વખતે પોતાની નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી હતી. સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના માત્ર ત્રણ જ મિનિટ બાદ રડાર સિસ્ટમ પર વિમાન ખૂબ જ ઝડપથી નીચે તરફ ગતિ કરતું દેખાયું હતું અને ત્યારબાદ તેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. સંપર્ક તૂટ્યો તે સમયે ફ્લાઇટ કરાચીથી આશરે 155 નોટિકલ માઇલ (287 કિલોમીટર) પશ્ચિમે હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે, આ ઘટના બલૂચિસ્તાનના ઓરમરા નજીક અરબ સાગરની ઉપર બની હતી.
ફ્લાઇટ રડારના ચોંકાવનારા આંકડા
પ્રારંભિક ડેટા અનુસાર, દુર્ઘટના પહેલા વિમાનની ઊંચાઈમાં ખૂબ જ અસામાન્ય અને આંચકાજનક ફેરફારો નોંધાયા હતા. વિમાન પહેલા નીચે આવ્યું, ત્યારબાદ થોડી ક્ષણો માટે ઉપર તરફ ગયું અને પછી અચાનક અત્યંત ઝડપથી નીચે તરફ ખાબકવા લાગ્યું હતું. વિમાનના છેલ્લા મળેલા ડેટા પોઇન્ટ મુજબ, તે સમુદ્રની સપાટીથી માત્ર 1,100 ફૂટની ઊંચાઈ પર હતું અને માઇનસ 22,400 ફૂટ પ્રતિ મિનિટની અસાધારણ અને ભયાનક ઝડપ સાથે નીચે તરફ જઈ રહ્યું હતું.
27 વર્ષ જૂનું હતું આ વિમાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુમ થયેલું આ એરક્રાફ્ટ પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ થયેલું બોઇંગ 737-400 વિમાન હતું, જેને પેસેન્જર ફ્લાઇટમાંથી માલવાહક (કન્વર્ટેડ ફ્રેટર) વિમાનમાં ફેરવવામાં આવ્યું હતું. આ વિમાનનું સંચાલન K2 એરવેઝ દ્વારા કરવામાં આવતું હતું. 27 વર્ષ જૂનું આ વિમાન આ એરલાઇનનું એકમાત્ર એરક્રાફ્ટ હતું, જેણે વર્ષ 2024માં જ પોતાની સેવાઓ શરૂ કરી હતી. વર્ષ 2012માં માલવાહક વિમાનમાં રૂપાંતરિત થયા પહેલા આ વિમાન મુસાફરોની હેરફેર માટે વપરાતું હતું અને તેણે મૂળભૂત રીતે વર્ષ 1999માં રશિયાની 'એયરોફ્લોટ' એરલાઇન્સ સાથે પોતાની સફર શરૂ કરી હતી.
સમુદ્રમાં સર્ચ ઓપરેશન તેજ કરાયું
પાકિસ્તાન એરપોર્ટ્સ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, ગુમ થયેલા માલવાહક વિમાન અને તેમાં સવાર ક્રૂ મેમ્બર્સનો પતો લગાવવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં સંયુક્ત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ગંભીર ઘટના અંગે હજી સુધી K2 એરવેઝ કે બોઇંગ કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.









