પાકિસ્તાનમાં ભયાનક આતંકી હુમલો, કાર બોમ્બ બ્લાસ્ટમાં પોલીસ ચોકી ઉડાવી, 15ના મોતની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Terror Attack : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા બન્નુ જિલ્લામાં શનિવારે એક ભયાનક આતંકવાદી હુમલો થયો છે. અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકીઓએ એક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલામાં વિસ્ફોટકો ભરેલી કારનો ઉપયોગ કરીને આખી પોલીસ ચોકીને ઉડાવી દેવામાં આવી છે, જેમાં અંદાજે 15 જેટલા પોલીસકર્મીઓના મોત થયા હોવાની આશંકા છે. અત્યાર સુધી 3ના મૃતદેહ મળી આવ્યા છે.
હુમલાની ભયાનક રણનીતિ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકીઓએ ખૂબ જ સોચી-સમજી રણનીતિ સાથે હુમલો કર્યો હતો. સૌથી પહેલા વિસ્ફોટકો ભરેલી એક કારને પોલીસ ચોકીના મુખ્ય ગેટ સાથે અથડાવી મોટો ધડાકો કરવામાં આવ્યો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે આખી ચોકી ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારબાદ, જ્યારે અન્ય પોલીસકર્મીઓ મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આતંકીઓએ તેમના પર ઘાત લગાવીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ડ્રોનનો પણ થયો ઉપયોગ
સ્થાનિક પોલીસ અધિકારીઓના રિપોર્ટ મુજબ, આ હુમલામાં આત્મઘાતી હુમલાખોર સામેલ હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આતંકીઓએ આ હુમલામાં ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે તેઓ અત્યાધુનિક તૈયારી સાથે આવ્યા હતા. આ ઘટનામાં ચોકી પર તૈનાત 15 પૈકીના મોટાભાગના જવાનો શહીદ થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
નાગરિકો પણ ઈજાગ્રસ્ત, હોસ્પિટલોમાં ઈમરજન્સી
આ વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના મકાનો અને ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે, જેમાં બે નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ બન્નુની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
કોણે કર્યો હુમલો?
હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અથવા તેની સાથે જોડાયેલા જૂથોનો હાથ હોઈ શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ હુમલાએ સરહદી વિસ્તારોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.








