Get The App

પીઓકેમાં પાક. સેનાનો નરસંહાર : બાળકો, ગર્ભવતી મહિલાઓ સહિત 32ની હત્યા કરી

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
પીઓકેમાં પાક. સેનાનો નરસંહાર : બાળકો, ગર્ભવતી મહિલાઓ સહિત 32ની હત્યા કરી 1 - image

- પાક. સરકારના દમન સામે શાંતિથી વિરોધ કરનારા પર બેફામ ગોળીબાર

- પીઓકેના સ્થાનિકો માટે અવાજ ઉઠાવનાર અવામી એક્શન કમિટીને પાકે. આતંકી સંગઠન જાહેર કરી પ્રતિબંધ મુકતા લોકોમાં રોષ

- અનેક લોકો પર આંસુ ગેસના શેલ છોડાયા, સૈન્યની કાર્યવાહીમાં 200થી વધુ ઘાયલ, મૃત્યુઆંક વધી શકે છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરના નાગરિકોનો અવાજ ઉઠાવી રહેલા સૌથી મોટા અને પ્રખ્યાત સંગઠન અવામી એક્શન કમિટી પર પાક. સરકારે પ્રતિબંધ મુકી દેતા સમગ્ર પીઓકેમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શાંતિથી લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા જેમના પર પાક. સૈનિકોએ બેફામ ગોળીબાર કર્યો હતો. જેને પગલે ૩૨થી વધુ નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર એટલે કે પીઓકેમાં મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકો પાક. સરકાર અને સૈન્યના દમન સામે રસ્તા પર ઉતર્યા છે. પાકિસ્તાન સરકારે પીઓકેમાં સૌથી વધુ સક્રિય જોઇન્ટ અવામી એક્શન કમિટીને આતંકી સંગઠન જાહેર કરીને પર પ્રતિબંધ મુકી દેતા તેમના સમર્થકો અને સ્થાનિકો રોષે ભરાયા હતા. મંગળવારે સમગ્ર પીઓકેમાં બંધનું એલાન કરાયું હતું, મોટાભાગની માર્કેટ બંધ રહી હતી જ્યારે હજારોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. 

નાગરિકોને કોઇ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર પાક. સૈન્ય દ્વારા આંસુ ગેસના શેલ છોડાયા અને આ દરમિયાન ભારે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. જેને પગલે ૩૨થી વધુ નાગરિકો માર્યા ગયા છે. સૌથી વધુ અસર મુઝફ્ફરાબાદમાં જોવા મળી રહી છે. પીઓકેમાં સૈન્ય, સરકાર અને પોલીસ દ્વારા સ્થાનિકો પર અત્યાચાર વધી રહ્યો છે, અપહરણથી લઇને હત્યા સુધીના અનેક મામલા સામે આવી ચુક્યા છે. આ તમામનો વિરોધ કરવા માટે બનાવાયેલ જોઇન્ટ અવામી કમિટી પર પ્રતિબંધ મુકી દેતા હાલ પીઓકેમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 

બીજી તરફ નિર્દોષ કાશ્મીરીઓ પર બેફામ ગોળીબારને પગલે ભારતે પાક. સૈન્ય અને સરકારની ટીકા કરી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું જેમાં જણાવાયું છે કે પાકિસ્તાન દ્વારા કરાયેલા બેફામ અત્યાચારમાં અનેક નાગરિકોના મોત નિપજ્યા છે. આ હત્યાકાંડને છૂપાવવા માટે પાકિસ્તાન તરફથી અનેક ફેક ન્યૂઝ ચલાવાઇ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ હત્યાકાંડ બદલ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સંગઠનો પાકિસ્તાનને જવાબદાર ઠેરવશે. ખુદ પાકિસ્તાનના જ માનવ અધિકાર કમિશન દ્વારા આ હત્યાકાંડને વખોડી કાઢવામાં આવ્યું છે. 

પીઓકેમાં કહેવાતી ચૂંટણીથી વિવાદની શરૂઆત થઇ

પાક. સરકાર દ્વારા જે જોઇન્ટ અવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે કહેવાતી પીઓકેની વિધાનસભામાં ફાળવાયેલી ૧૨ શરણાર્થી સીટોને પરત લેવાની માગ કરી રહી છે. આ તમામ બેઠકો ૧૯૪૭ પછી જે પણ કાશ્મીરીઓ પાક.માં ગયા તેમના માટે અનામત રખાઇ છે. અવામી લીગનો દાવો છે કે આ બેઠકોનો ઉપયોગ પાક. સરકાર પોતાના માનિતાને સત્તામાં બેસાડવા માટે કરે છે. પીઓકેની કહેવાતી વિધાનસભામાં ૪૫ બેઠકો છે. પીઓકેમાં ૨૭ જુલાઇના બળજબરીથી પાક. ચૂંટણી યોજવા જઇ રહ્યું છે. જોકે પોતાના હાથમાં જ આ વિસ્તારનું શાસન રહે તે માટે પોતાના માનિતાને આ અનામત બેઠકોમાં ઘૂસાડી દેવાનો પાક. કારસો રચ્યો છે. જેનો હાલ પીઓકેના લોકો વિરોધ કરી રહ્યા છે.