વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે ટ્રમ્પ? અનેક યુદ્ધ જહાજ અને 15 હજાર સૈનિકો હુમલો કરવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Operation Southern Spear: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે છેલ્લા ઘણા સમયથી સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેક વખત વેનેઝુએલાની ધમકી આપી છે. એવામાં ટ્રમ્પે હવે સંકેત આપ્યા છે કે તેમણે વેનેઝુએલા પર કાર્યવાહીનું મન બનાવી લીધું છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર વેનેઝુએલાના શાસક નિકોલસ માદુરોને સત્તાથી દૂર કરવા માટે કેવી સૈન્ય કાર્યવાહી કરી શકાય તે અંગે ઉચ્ચ અધિકારીઓએ ટ્રમ્પને જાણકારી આપી છે.
પેન્ટાગને સમગ્ર સૈન્ય અભિયાનને ઓપરેશન સદર્ન સ્પીયર નામ આપ્યું છે. આ ઓપરેશન હેઠળ એક ડઝનથી વધુ યુદ્ધ જહાજ તથા 15 હજારથી વધુ સૈનિકોએ કેરેબિયન ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. જે ગમે તે સમયે આદેશ મળતા જ હુમલો કરવા માટે તૈયાર છે.
ટ્રમ્પે પણ હુમલાના સંકેત આપ્યા
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર મામલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું છે, કે વેનેઝુએલા વિરુદ્ધ શું કાર્યવાહી કરવી તે અંગે મેં મન બનાવી લીધું છે. શું થશે તે હું તમને જણાવી ન શકું પણ મેં મન બનાવી લીધું છે.
વેનેઝુએલા પર હુમલાને લઈને અમેરિકા જુદા જુદા વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. જેમાં સૈન્ય ઠેકાણા, સરકારી પ્રતિષ્ઠાનો, ડ્રગ્સ સ્મગલિંગના રસ્તા સામેલ છે. આટલું જ નહીં વેનેઝુએલાના શાસક નિકોલસ પર જ સીધો હુમલો કરવો કે નહીં તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.
બીજી તરફ વેનેઝુએલાએ પણ મોટી સંખ્યામાં સૈનિકોને એકત્રિત કરવા જાહેરાત કરી છે. મોટા પ્રમાણમાં હથિયાર અને ઉપકરણોની તૈનાતી કરવામાં આવી રહી છે. સમગ્ર પરિસ્થિતિને જોતાં બંને દેશો વચ્ચે સૈન્ય ઘર્ષણની સંભાવના વધી ગઈ છે.








