Get The App

1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું 1 - image

Germany Whale Mission: જર્મનીના બાલ્ટિક સમુદ્રના છીછરા પાણીમાં લગભગ એક મહિનાથી ફસાયેલી 12 ટન વજનની હમ્પબેક વ્હેલ ‘ટિમી’ને બચાવવા એક યોજના અમલમાં મૂકાઈ છે. જો કે, જીવ વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ક્રૂરતા છે કારણ કે, વ્હેલ ગંભીર રીતે બીમાર છે અને તેના મૃત્યુની આશંકા છે. આ સ્થિતિમાં જર્મનીના બે ધનિકોની આર્થિક મદદના જોરે ‘ઓપરેશન કુશન’ નામનું મિશન શરૂ કરાયું છે. આ મિશન હેઠળ ટિમીને 400 કિલોમીટર દૂર ઉત્તર સમુદ્ર સુધી ખેંચી જવાની તૈયારી ચાલી રહી છે. જોકે, આ બચાવ કામગીરીએ રાજકીય તણાવ, જીવવિજ્ઞાનીઓના વિરોધ અને સોશિયલ મીડિયા પર ધમકીઓને પણ જન્મ આપ્યો છે. તાજેતરમાં વ્હેલે 90 ડિગ્રીનો વળાંક લઈને સમુદ્ર તરફ યોગ્ય દિશા પકડી લીધી છે, જે બચાવકર્તાઓ માટે આશાનું કિરણ બન્યું છે.

‘ટિમી’ સૌથી પહેલા ક્યારે દેખાઈ?

જર્મનીના બાલ્ટિક સમુદ્રમાં 23 માર્ચ 2026ના રોજ ટિમેનડોર્ફર સ્ટ્રાન્ડ નજીક છીછરા સમુદ્રકાંઠે એક વિશાળ માછલી ફસાયેલી જોવા મળી હતી. આ તપાસને અંતે જાણવા મળ્યું કે, આ માછલી તો આશરે 12 મીટર (લગભગ 40 ફૂટ) લાંબી અંદાજે 12 ટન (લગભગ 12,000 કિલો) વજન ધરાવતી હમ્પબેક વ્હેલ છે. મીડિયામાં ‘ટિમી’ નામે ચમકેલી આ વ્હેલ કદમાં નાની છે કારણ કે, હમ્પબેક વ્હેલની સરેરાશ લંબાઈ સામાન્ય રીતે 16 મીટર અને વજન 25થી 30 ટન સુધીનું હોય છે. 

1 મહિનાથી ફસાયેલી વ્હેલને બચાવવા કરોડપતિઓએ લગાવ્યું જોર, વિજ્ઞાનીઓએ કહ્યું- માછલીને મરવા દો એ જ સારું 2 - image

‘ટિમી’ કઈ રીતે છીછરા સમુદ્રકાંઠે ફસાઈ ગઈ?

નિષ્ણાતો જણાવે છે કે 'ટિમી' નીચેના બે પૈકી એક કારણસર અહીં ફસાઈ ગઈ જોવી જોઈએ.

1. સ્થળાંતર વખતે માર્ગ ભૂલીઃ સમુદ્રમાં વધતાં માનવસર્જિત અવાજ (જહાજો, બાંધકામ) વ્હેલની સંચાર અને નેવિગેશન ક્ષમતામાં વિક્ષેપ પેદા કરે છે, જે ટિમીને પણ નડી ગયું હોઈ શકે. 

2. શિકારની શોધમાં: હેરિંગ માછલીના ટોળાનો પીછો કરતી વખતે ટિમી ઉત્તર સમુદ્રમાંથી બાલ્ટિક સમુદ્રમાં પ્રવેશી ગઈ હોય એવું પણ બની શકે. 

દરિયાઈ પાણીની ઓછી ખારાશ જીવલેણ બની

બાલ્ટિક સમુદ્રનું વાતાવરણ હમ્પબેક વ્હેલ માટે યોગ્ય નથી. હમ્પબેક વ્હેલ ખારા પાણીનો જીવ છે અને ટિમી જ્યાં ફસાઈ છે ત્યાંના પાણીમાં ખારાશ ખૂબ ઓછી હોવાથી તેના શરીર પર ફોલ્લા પડી ગયા છે, જે સમય જતાં જીવલેણ બની શકે છે. માર્ચના અંતમાં શરૂ થયેલો ટિમીને બચાવવાનો સિલસિલો એક મહિના પછી પણ સમાપ્ત નથી થયો. તેનું કારણ એ છે કે, ટિમીને બે વાર બચાવાઈ તો પણ એ ફરી છીછરા સમુદ્રમાં આવીને ફસાઈ જાય છે. 

ભરતી વખતે દરિયામાં ધકેલવાના નિષ્ફળ પ્રયાસ 

આ દરમિયાન ટિમેનડોર્ફર સ્ટ્રાન્ડના દરિયાકાંઠે ફસાયેલી ટિમીને ઊંડા સમુદ્રમાં મોકલવા બચાવ ટીમોએ દરિયાઈ ભરતી વખતે વધતી જળસપાટીનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીના મોજાં પૂરતા સાબિત ન થયા. તેથી બચાવ ટીમે ભારે મશીનરીનો ઉપયોગ કર્યો. બે એક્સેવેટર (excavators) વડે વ્હેલની નજીક રેતીમાં એક ઊંડો ખાડો કરાયો, જેથી ઊંડા પાણીનો રસ્તો બની શકે. લગભગ ચાર દિવસના પ્રયાસ બાદ 27 માર્ચે ટિમી છૂટી પડી અને ખુલ્લા સમુદ્રમાં તરીને જતી રહી. 

એકવાર બચાવી લેવાઈ, પરંતુ ફરી ફસાઈ ગઈ

જો કે, આ રાહત અલ્પજીવી સાબિત થઈ. માત્ર એક દિવસ પછી 28 માર્ચે ટિમી ફરીથી ફસાયેલી જોવા મળી. આ વખતે તે પોએલ ટાપુ (Poel Island) સામે વિસ્માર ખાડી(Bay of Wismar)માં ફસાઈ ગઈ હતી. 30 માર્ચે બચાવ ટીમે ઇન્ફ્લેટેબલ બોટ વડે તેને ખાડીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. ટિમીએ દિશા તો બદલી, પરંતુ બહાર જવાને બદલે તે એક સાંકડી ખાડીમાં ઘૂસી ગઈ અને ફરીથી ફસાઈ ગઈ.

ટિમીની સારવાર અને બચાવ માટે લોકોનો ઉત્સાહ

ટિમીનો કિસ્સો સોશિયલ મીડિયામાં એવો તો ચગ્યો કે યુરોપભરના પ્રવાસીઓ તેને જોવા આવવા લાગ્યા. પોલીસે તેમને ટિમીની નજીક જતાં રોકવા પડ્યા. આ દરમિયાન ટિમીના શરીર પર પડેલા ફોલ્લાની સારવાર માટે સેંકડો કિલોગ્રામ ઝીંક મલમ લગાડવામાં આવ્યું, જે કામમાં અનેક સ્વયંસેવકોએ મદદ કરી હતી.  

તો હાલ ટિમીની હાલત કેવી છે?

ટિમી અગાઉ માણસોની હાજરી પ્રત્યે પ્રતિભાવ આપતી હતી, પણ હવે તે એટલી બધી થાકી ગઈ છે કે ભાગ્યે જ હલનચલન કરે છે. તેનો શ્વાસોચ્છવાસનો દર પણ ઘણો ઘટી ગયો છે. બાલ્ટિક સમુદ્રનું ઓછું મીઠું અને ઊંડાઈનો અભાવ તેના માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે.

દરિયાઈ જીવ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, ટિમીની તબિયત ગંભીર છે. તેના મોંમાં માછીમારીની જાળ ફસાયેલી છે અને શરીર પર અસંખ્ય ફોલ્લા પડી ગયા. તેમના મતે ટિમી મૃત્યુ પામી રહી છે અને તેને ખસેડવા જતાં તેની પીડામાં વધારો થશે. ટિમીને તેના હાલ પર છોડી દેવી જોઈએ, તેને શાંતિથી મરવા દેવી જોઈએ. એક મહિનાથી છીછરા પાણીના અયોગ્ય વાતાવરણમાં સંઘર્ષ કરીને એનું શરીર એટલી હદે અશક્ત થઈ ગયું છે કે, જો તેને ઊંડા પાણીમાં ધકેલી પણ દેવાઈ તો પણ તે દરિયામાં મરી જ જશે. 

ટિમી મુદ્દે વિવાદ અને રાજકીય તણાવ 

ટિમીનો મુદ્દો વિવાદોથી ઘેરાઈ ગયો છે. એક મોટો વર્ગ ‘ટિમીને મરવા માટે છોડી દીધી’ એવો આરોપ લગાવી જર્મનીના પર્યાવરણ મંત્રીને સોશિયલ મીડિયા પર ગાળો અને ધમકીઓ આપી રહ્યો છે. તેમનું એમ પણ કહેવું છે કે, ટિમી મરી જાય પછી સરકારની મેલી મુરાદ એનું હાડપિંજર મ્યુઝિયમમાં મૂકીને એમાંથી કમાણી કરવાની છે. આ ઉપરાંત જે જીવ વિજ્ઞાનીઓએ ટિમીને શાંતિથી મરવા દેવાની વાત કરી છે, એમને પણ લોકો જાતજાતની ગંભીર ધમકી આપી રહ્યા છે.

ટિમી ફસાયાના એક મહિના બાદ નાટ્યાત્મક વળાંક 

ટિમીના ફસાયાના ચોથા અઠવાડિયામાં નાટકીય વળાંક આવ્યો. જીવ વિજ્ઞાનીઓની સલાહ માનીને સરકારે ટિમીને બચાવવાની આશા પડતી મૂકી દીધી, એને શાંતિથી મરવા દેવાનો નિર્ણય લીધો, ત્યારે બે કરોડપતિઓ – કારિન વોલ્ટર-મોમર્ટ (અશ્વારોહણ નિષ્ણાત) અને વોલ્ટર ગુન્ઝ (ઈલેક્ટ્રોનિક્સ રિટેલરના પૂર્વ સહ-સ્થાપક) આગળ આવ્યા. તેમણે ‘ઓપરેશન કુશન’ માટે ભંડોળ ભેગું કર્યું અને આ કામ સંબંધિત કાનૂની જવાબદારી પણ લીધી. 


‘ઓપરેશન કુશન’માં શું કરવામાં આવશે? 

મંગળવાર, 28 માર્ચથી શરૂ થવા જઈ રહેલી યોજના એવી છે કે,

- ટિમીની નીચે હવા ભરેલા ગાદલા મૂકવા, જેથી ટિમીને હળવેકથી ઉપાડી શકાય.

- એક મજબૂત જાળી વડે ટિમીને લપેટી લેવી.

- 30 મીટર લાંબા વિશાળ સ્ટીલના પોન્ટૂન (એક તરતું પ્લેટફોર્મ) સાથે એ જાળીને બાંધી દેવી. 

- ટગબોટ વડે પોન્ટૂનને ખેંચીને 400 કિલોમીટર દૂર ઉત્તર સમુદ્ર સુધી લઈ જવી.

- ત્યાંના ઊંડા અને ખારા પાણીમાં જાળી ખોલીને ટિમીને મુક્ત કરી દેવી. 

તો પછી આ યોજનાનો વિરોધ શા માટે?

પર્યાવરણવાદીઓનો એક વર્ગ અને જીવ વિજ્ઞાનીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, દરિયામાં 400 કિમીનું અંતર કાપવામાં 12 કલાકથી વધુ સમય લાગશે. આટલો લાંબો સમય બંધનાવસ્થામાં ઘસડાવું ટિમીના અશક્ત શરીર માટે ખૂબ જ દર્દનાક સાબિત થશે. એ રસ્તામાં જ મરી જાય એવી શક્યતા ઘણી વધારે છે. આ કારણસર તેને અહીં જ શાંતિથી મરવા દેવી જ યોગ્ય છે.

યોજનાના તરફદારો શું કહી રહ્યા છે? 

ટિમીને બચાવવા માંગતો વર્ગ અને યોજનાને ફંડિંગ આપી રહેલા ધનિકોનું કહેવું છે કે, અધવચ્ચે ટિમી મરી જશે, એવા ભયથી એને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે અહીં જ મરવા દેવાનું યોગ્ય નથી. બની શકે કે નિષ્ણાતોની ધારણા કરતાં ટિમી વધારે મજબૂત નીકળે અને આ બચાવ અભિયાન સફળતાપૂર્વક પાર પડે.

ટિમીએ સકારાત્મક સંદેશ આપ્યો 

આ સંજોગોમાં પોતાને બચાવવાની તડામાર તૈયારી થઈ રહી છે, એમ ટિમીએ ‘ઓપરેશન કુશન’ શરૂ થાય તે પહેલાં જ એક સકારાત્મક સંકેત આપ્યો છે. આટલું અશક્ત શરીર હોવા છતાં 90 ડિગ્રીનો વળાંક લીધો છે! હવે એનું માથું ઊંડા સમુદ્ર તરફ છે, જે જાણે એની હિંમતનો સંકેત છે. એવું લાગે છે કે જાણે એ માનસિક અને ભાવનાત્મક રીતે પોતાના પ્રસ્થાન માટે તૈયાર થઈ રહી છે. 

આશા રાખીએ કે ‘ઓપરેશન કુશન’ સફળ થાય અને ટિમી હેમખેમ પોતાના ઘરે પરત જઈ શકે.