World

અશ્વગંધા વનસ્પતિના મૂળિયા જ ઔષધ માટે કામના, પાનનો ઉપયોગ હાનિકારક જણાતા પ્રતિબંધ મુકાયો

By GS TEAM
22 Apr 20262 mins read
અશ્વગંધા વનસ્પતિના મૂળિયા જ ઔષધ માટે કામના, પાનનો ઉપયોગ હાનિકારક જણાતા પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 22 એપ્રિલ,2026,બુધવાર 

આયુર્વેદના ઉપચારમાં પ્રચલિત અશ્વગંધાથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરનારાએ થોડા સર્તક રહેવાની જરુરિયાત છે. અશ્વગંધાના પાનથી તૈયાર કરવામાં આવતી ઔષધિ આરોગ્યને જોખમમાં નાખી શકે છે. આયુષ મંત્રાલયે એક દિશા -નિર્દેશ જાહેર કરીને અશ્વગંધાની પાનમાંથી તૈયાર થતી ઔષધિઓ પર પૂર્ણ પ્રતિબંધ મુકયો છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે આયુષ દવા નિર્માતાઓ,નિકાસકારો અને વિક્રેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે અશ્વગંધાના ઉત્પાદનોમાં અશ્વગંધા વનસ્પતિ ના મૂળનો જ ઉપયોગ થવો જોઇએ જયારે પાનનો ઉપયોગ હાનિકારક હોવાથી થવો જોઇએ નહી.

મંત્રાલય દ્વારા ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ૬ ઓકટોબર ૨૦૨૧ના એક પત્રને ટાંકીને જણાવાયું હતું કે કેટલાક નિર્માતાઓ હજુ પણ અશ્વગંધાના પાનનો ઉપયોગ કરે છે. પાનમાં રહેલું સાઇટોકિસક કોશિકાઓને ડેમેજ કરવાવાળુ છ જેમાં રહેલું તત્વ લિવરને પણ નુકસાન કરી શકે છે. ઉપલબ્ધ વૈજ્ઞાનિક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધાના પાનમાં વિથાનોલાઇડ્સ ખાસ કરીને વિથાફેરિન -એ નું પ્રમાણ વધારે હોવાથી સંભવિત સુરક્ષા સંબંધી જોખમ ઉભા થાય છે. મંત્રાલયે સ્પષ્ટ કહયું છે કે અશ્વગંધાની પત્તિઓનો કોઇ પણ સ્વરુપે ઉપયોગ થવો જોઇએ નહી. તેના મૂળિયાનો ઉપયોગ અર્ક,પાવડર કે અન્ય સ્વરુપે થવો જરુરી છે.

ડ્ગ્સ રુલ્સ,૧૯૪૫ના નિયમ ૧૬૧ હેઠળ ઉત્પાદનોના લેબલ પર ઉપયોગ કરવામાં આવેલી ઔષધિઓના મૂળિયાનો ઉલ્લેખ કરવો જરુરી છે.મંત્રાલયનું માનવું છે કે અશ્વગંધાના મૂળિયા જ ઔષધ તરીકે માત્ર ઉપયોગી છે. આ સંદર્ભમાં ખાધ્ય નિયામક સંસ્થા એફએએસએસએઆઇએ પણ મંત્રાલયના નિર્દેશૉના આધાર ૧૬ એપ્રિલના રોજ અધિસૂચના બહાર પાડીને તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશોનું પાલન કરીને આવશ્યક કાર્યવાહી કરવા જણાવાયું છે.