- અમેરિકાને મદદ કરનારા આસપાસના ગલ્ફ દેશો પર ઇરાને હુમલા વધાર્યા
- યુએઈમાં સૌથી વધારે 43 લાખ, સાઉદીમાં 27 લાખ જ્યારે કુવૈત અને કતારમાં 20 લાખ ભારતીયો
તેહરાન : અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા તે બાદ ઇરાન દ્વારા અનેક વળતા હુમલા થયા છે. અમેરિકાને મદદ કરનારા આસપાસના એવા દેશોને પણ ઇરાન નિશાન બનાવી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો છે. યુએઇમાં જ ૩૫ લાખ ભારતીયો છે, જ્યારે સાઉદીમાં ૨૭ લાખ, કુવૈતમાં ૧૦ લાખ, કતારમાં ૮ લાખ, ઓમાનમાં ૬૬૦,૦૦૦ ભારતીય છે. હાલ આ યુદ્ધ વચ્ચે આશરે એક કરોડ ભારતીયો ભયજનક સ્થિતિમાં છે.
યુએઇમાં કુલ વસતીના ૩૫ ટકા ભારતીયો છે, ઇરાન દ્વારા હાલ યુએઇ પર અનેક મિસાઇલો અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. એવામાં ભારતીયોનો જીવ પણ જોખમમાં મુકાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી અને ખાડી દેશો પર થયેલા હુમલાની ટિકા કરી હતી. ભારતીયોની સુરક્ષા કરવા બદલ મોદીએ યુએઇના રાષ્ટ્રપતિનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો રોજગારી માટે પણ ગયા છે. જ્યારે કેટલાક પર્યટન સ્થળોએ ફરવા માટે ગયા છે.
ઇરાને આસપાસના નાના મોટા સહિત આશરે ૧૦થી વધુ દેશો પર હુમલા કરીને અમેરિકાના એરબેઝ કે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે, જ્યારે દુબઇ જેવા પર્યટન સ્થળ પર પણ ઇરાનની મિસાઇલો ત્રાટકી હતી. એવામાં ભારતીયોનો જીવ જોખમમાં તો મુકાયો છે જો આ ઘર્ષણ લાંબા સમય સુધી ચાલ્યું તો જે ભારતીયો રોજગારી માટે ગલ્ફ દેશોમાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ, ઇઝરાયેલના વિદેશમંત્રી ગિડેઓન સાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ભારતીયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


