World

હોર્મુઝના ભરોસે ક્યાં સુધી?, હવે ગુજરાતથી ઓમાન સુધી ભારત કરશે આ મોટું કામ

By GS Team
9 Jun 20263 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઉર્જા સંકટે સમગ્ર વિશ્વને સતર્ક કરી દીધું છે. ખાસ કરીને ભારત જેવા દેશો, જે મિડલ ઈસ્ટમાંથી સપ્લાય ખોરવાઈ જવાના કારણે સૌથી વધુ પ્રભાવિત થાય છે, તે હવે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સપ્લાયને અવિરત અને સુરક્ષિત રાખવા માટે ઓમાનથી ગુજરાત વચ્ચે એક લાંબી અંડરવોટર (સમુદ્રની અંદર) પાઇપલાઇન બિછાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ એક એવો પ્રોજેક્ટ છે, જે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)ને બાયપાસ કરીને ભારતને કોઈપણ અડચણ વિના ગેસનો પુરવઠો પૂરો પાડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝના ભરોસે ક્યાં સુધી?, હવે ગુજરાતથી ઓમાન સુધી ભારત કરશે આ મોટું કામ

Oman Gujarat Deep Sea Gas Pipeline : મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઉર્જા સંકટે સમગ્ર વિશ્વને સતર્ક કરી દીધું છે. ખાસ કરીને ભારત જેવા દેશો, જે મિડલ ઈસ્ટમાંથી સપ્લાય ખોરવાઈ જવાના કારણે સૌથી વધુ પ્રભાવિત થાય છે, તે હવે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સપ્લાયને અવિરત અને સુરક્ષિત રાખવા માટે ઓમાનથી ગુજરાત વચ્ચે એક લાંબી અંડરવોટર (સમુદ્રની અંદર) પાઇપલાઇન બિછાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ એક એવો પ્રોજેક્ટ છે, જે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)ને બાયપાસ કરીને ભારતને કોઈપણ અડચણ વિના ગેસનો પુરવઠો પૂરો પાડશે.

આ પ્રોજેક્ટ હેઠળ અરબ સાગરમાં સમુદ્રના પેટાળમાંથી આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી (Deep-Sea) ગેસ પાઇપલાઇન બિછાવવામાં આવશે. ઓમાન અને ગુજરાતને જોડતી આ યોજના છેલ્લા 3 દાયકાથી (30 વર્ષથી) ચર્ચામાં હતી, પરંતુ ઊંચો ખર્ચ, તકનીકી અવરોધો અને વ્યાવસાયિક મુશ્કેલીઓના કારણે તે આગળ વધી શકી નહોતી. હવે આ પ્રસ્તાવને સપોર્ટ કરનારા ખાનગી જૂથ SAGE (સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ) દ્વારા સમુદ્રના તળિયાનો સર્વે, તકનીકી અને નાણાકીય અભ્યાસ પૂર્ણ કરી લેવાતાં આ યોજનાને નવી ગતિ મળી છે.

પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થશે?

એક અંદાજ મુજબ આ ભગીરથ પ્રોજેક્ટ પાછળ આશરે 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ ઓમાન-ગુજરાત ડીપ-સી ગેસ પાઇપલાઇન વિશ્વના અત્યાર સુધીના સૌથી ઊંડા દરિયાઈ માર્ગોમાંથી એક હશે, જે નેચરલ ગેસ (કુદરતી ગેસ) નો અવિરત પુરવઠો ભારત પહોંચાડશે. આ પાઇપલાઇન બનવાથી ખાડીના દેશો અને ભારત વચ્ચે એક સીધો ઉર્જા કોરિડોર સ્થાપિત થશે, જેનાથી ભારતની હોર્મુઝ પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.

આ પ્રોજેક્ટ ભારત માટે શા માટે અત્યંત મહત્વનો છે?

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. દેશ પોતાની ક્રુડ ઓઇલ (કાચું તેલ) ની જરૂરિયાતો અને એલએનજી (LNG - લિક્વિફાઇડ નેચરલ ગેસ) નો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આયાત કરે છે. આ આયાત ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતા સાંકડા દરિયાઈ માર્ગ 'હોર્મુઝ' દ્વારા ભારત પહોંચે છે. આ આંતરરાષ્ટ્રીય માર્ગ પર કોઈપણ પ્રકારનો તણાવ કે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો, તેની સીધી અસર વૈશ્વિક માર્કેટ, શિપિંગ કોસ્ટ (ભાડું), ઇંધણની કિંમતો અને સપ્લાય ચેઈન પર પડે છે. આ પ્રોજેક્ટ ભારતને એ જોખમથી મુક્ત કરશે.

કેવી હશે આ અદભુત પાઇપલાઇન?

પ્રસ્તાવિત પ્રોજેક્ટ મુજબ, આ પાઇપલાઇન અરબ સાગરના પેટાળમાં બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની ઊંડાઈ છે. આ માર્ગનો કેટલોક હિસ્સો સમુદ્રના તળિયેથી 3,000 મીટર કરતાં પણ વધુ ઊંડાઈએ આવેલો હશે, જે તેને અત્યાર સુધીનો સૌથી ઊંડો અંડરવોટર પાઇપલાઇન પ્રોજેક્ટ બનાવશે. આટલી અતિશય ઊંડાઈ પર કામ કરવા માટે અત્યંત આધુનિક અને વિશેષ એન્જિનિયરિંગ સોલ્યુશન્સની જરૂર પડશે.

ગેસના પરિવહનનો અંદાજિત ખર્ચ કેટલો?

લાંબા ગાળાના સપ્લાય કરાર હેઠળ આ પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ ભારત લાવવામાં આવશે. આનાથી ભારતને પોતાના ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ મળશે, અને ઓમાનને એક કાયમી અને સ્થિર નિકાસ બજાર મળશે. પ્રોજેક્ટના પ્રસ્તાવ અનુસાર, આ પાઇપલાઇન દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટેશન (પરિવહન)નો ખર્ચ આશરે 2 થી 2.25 ડોલર પ્રતિ MMBTu (મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) ની વચ્ચે હોઈ શકે છે. જો કે, અંતિમ ખર્ચ ભવિષ્યના ફંડિંગ, બાંધકામ ખર્ચ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો પર આધારિત રહેશે.