'હે ભગવાન! આ કેવી આફત...' નેપાળમાં પરિજનો પહોંચે એ પહેલા જ મૃતકોને દફનાવવાની ફરજ પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Floods Death Toll : નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી સતત મૃતદેહો મળી રહ્યા છે. જે પૈકી અનેક મૃતદેહો અત્યંત ક્ષત વિક્ષત સ્થિતિમાં હોવાથી તેની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત શબઘરો પણ ભરાઈ ગયા હોવાથી અને ચેપ ફેલાવાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે અજ્ઞાત મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવાની કામગીરી શરૂ કરી છે. શનિવાર બપોર સુધીમાં 100 થી વધુ મૃતદેહોનું DNA પ્રોફાઇલિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું અને તેને દફનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓળખ માટે વિશેષ નંબરિંગ અને જીઓ-ટેગિંગ
મૃતદેહોને દફનાવતા પહેલા દરેક શબનો DNA સેમ્પલ લેવામાં આવી રહ્યો છે. મૃતદેહને એક ખાસ બેગમાં પેક કરીને તેની અંદર ઓળખ નંબર રાખવામાં આવે છે. દફનાવ્યા બાદ તે સ્થાન પર કોંક્રિટનું ચબૂતરૂં બનાવીને તેના પર શબનો વિશિષ્ટ નંબર ધરાવતું સાઇન બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં જો કોઈ પોતાના સ્વજનને શોધવા આવે તો આ સ્થળની ચોક્કસ ઓળખ થઈ શકે તે માટે સમગ્ર પ્રક્રિયાનું વીડિયો-ફોટોગ્રાફી કરીને જીઓ-ટેગિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દફનવિધિ વાળા વિસ્તારની ચારેય તરફ લોખંડની બાઉન્ડ્રી પણ બનાવવામાં આવશે.
1.5 મીટર ઊંડો ખાડો અને 40 સેમીનું અંતર
ગ્રાઉન્ડ ઝીરો પરની માહિતી મુજબ મૃતદેહોને દફનાવવા માટે 1.5 મીટર ઊંડો ખાડો તૈયાર કરવામાં આવ્યો છે. બે મૃતદેહો વચ્ચે 40 સેન્ટીમીટરનું ચોક્કસ અંતર રાખવામાં આવી રહ્યું છે. ખાડાની ઊંડાઈ એવી રીતે નક્કી કરવામાં આવી છે જેથી જરૂર પડ્યે મૃતદેહના અવશેષો સહેલાઈથી બહાર કાઢી શકાય અને આસપાસના વૃક્ષોને પણ કોઈ નુકસાન ન પહોંચે. આ આયોજનને કારણે DNA મેચ થયા બાદ માત્ર સંબંધિત મૃતદેહને જ સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે.
સ્વજનોને શબ સોંપવા માટેની સરકારી પ્રક્રિયા
પોતાના ગુમ થયેલા સ્વજનોની શોધમાં નેપાળ પહોંચતા લોકોએ નેપાળની વિવિધ હોસ્પિટલોમાં પોતાનો DNA સેમ્પલ આપવો પડશે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સેમ્પલનું મેચિંગ કરવામાં આવશે. જો DNA મેચ થશે તો નેપાળ પોલીસ રેકોર્ડના આધારે તે નંબરનો મૃતદેહ કયા વિસ્તારમાં દફનાવવામાં આવ્યો છે તે શોધી કાઢશે. ત્યારબાદ પોલીસની મદદથી તે મૃતદેહના અવશેષો બહાર કાઢીને તેમના સ્વજનોને સોંપવામાં આવશે.




