$4.8 બિલિયનની ચિપ્સ, અફેર અને ડર્ટી ગેમ: કેવી રીતે ચાઈનીઝ જાસૂસની જાળમાં Nvidia બોસ? જાણો ઈનસાઈડ સ્ટોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- Nvidia ના CEO નું ચીની જાસૂસ સાથે અફેર સામે આવતાં ટેક જગતમાં ભૂકંપ: $4.8 બિલિયનનું કૌભાંડ
- Nvidia કૌભાંડ: ચીની જાસૂસ ‘એલિસ હુઆંગ’એ કેવી રીતે વિશ્વની સૌથી મોટી કંપનીના CEO ‘જેન્સેન હુઆંગ’ને પ્રેમજાળમાં ફસાવ્યા?
- Nvidia ના CEO જેન્સેન હુઆંગની કબૂલાત: પત્ની સાથે દગો કર્યો, ચીની જાસૂસના મોહમાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મૂકી
- Nvidia ના CEO ચીની જાસૂસ ‘એલિસ હુઆંગ’ની સુંદરતા પર કેવી રીતે મોહિત થયા? $4.8 બિલિયનનું ચિપ કૌભાંડ
Nvidia CEO Jensen Huang Scandal : વિશ્વની સૌથી મોટી અને મૂલ્યવાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચિપ કંપનીના CEO કોઈ જાસૂસી જાળમાં ફસાઈ શકે, એ વાત માનવામાં આવે એવી છે? ટેક્નોલોજીની દુનિયામાં અત્યારે એક એવો મોટો ધડાકો થયો છે જેણે હોલીવુડની કોઈ થ્રિલર ફિલ્મને પણ પાછળ પાડી દીધી છે. ટેક ઉદ્યોગની સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાંની એક, Nvidia ના CEO જેન્સેન હુઆંગે જાહેરમાં કબૂલાત કરી છે કે તેમણે પોતાના 40 વર્ષના લગ્નજીવનમાં પત્ની સાથે છેતરપિંડી કરી છે. પરંતુ આ માત્ર એક વ્યક્તિગત કે પારિવારિક બાબત નથી; આમાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, ચીનની જાસૂસી અને આશરે $4.8 બિલિયનના AI ચિપ કૌભાંડની ભેદી વાત છુપાયેલી છે. ચાલો આ સનસનીખેજ મામલાની વિગતો જાણીએ.
જેન્સેન હુઆંગે કરી હૃદયદ્રાવક કબૂલાત
રવિવારે, 63 વર્ષીય જેન્સેન હુઆંગે પોતાની કંપનીના કર્મચારીઓને એક ભાવનાત્મક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ પોતાની પત્ની લોરી હુઆંગ પ્રત્યે બેવફા રહ્યા છે. તેમણે લખ્યું હતું, ‘મેં જે કર્યું તેના માટે કોઈ બહાનું નથી. મને તેનો ખૂબ જ પસ્તાવો છે. મારા કાર્યોથી મારી પત્ની અને બાળકોને ખૂબ દુઃખ પહોંચ્યું છે. એક અગ્રણી કંપની Nvidia નું નેતૃત્વ કરવું એ મારા જીવનનો સૌથી મોટો લહાવો રહ્યો છે, પરંતુ હું મારી જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયો.’ તેમણે આમાં પરિવારનો કોઈ હાથ ન હોવાનું જણાવીને તેમની પ્રાઇવસીનો ભંગ ન કરવાની અરજ કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં તપાસ શરૂ કરાઈ
29 ઓક્ટોબરના રોજ આ સમાચાર બહાર આવ્યા ત્યારે કંપનીએ તેને સામાન્ય ગ્રાહક-ડીલર સંબંધ ગણાવ્યો હતો. પરંતુ મીડિયાના વધતા દબાણ બાદ Nvidia ના બોર્ડે હવે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને આધાર બનાવીને સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. જેન્સેને આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની અને દેશની સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ રહેવાની ખાતરી આપી છે.
એલિસ હુઆંગ કોણ છે? બંને કેવી રીતે મળ્યા હતાં?
જે મહિલા સાથે જેન્સેને પોતાનો સંબંધ સ્વીકાર્યો છે તેનું નામ એલિસ હુઆંગ છે. તેને 'હુઆંગ લી' તરીકે પણ ઓળખવામાં આવે છે. બંનેની અટક સમાન છે, પરંતુ તેઓ સંબંધી નથી. જૂન 2024 માં તાઈપેઈના એક બારમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. તેમનો એક ફોટો LinkedIn પર પણ સામે આવ્યો હતો.
એલિસની રહસ્યમય કરિયર
એલિસનો કરિયર રેકોર્ડ ખૂબ જ રહસ્યમય છે. તેની પ્રોફાઇલ મુજબ તે હુનાન ટીવી અને ચીનના સરકારી ન્યૂઝ નેટવર્ક CCTV માં કામ કરતી હતી, પરંતુ બંને સંસ્થાઓએ આવી કોઈ મહિલા તેમના માટે કામ કરતી હોવાની વાતનો ઇનકાર કર્યો છે. રિપોર્ટ્સ મુજબ, બાદમાં તે સિંગાપોર સ્થિત '7Road ઇન્ટરનેશનલ' નામની મોબાઇલ ગેમિંગ કંપની સાથે જોડાઈ હતી, જેમાં ચીની સરકારનો પણ અમુક હિસ્સો હોવાનું મનાય છે. માર્ચ 2023 માં આ કંપનીનું નામ બદલીને 'મેગાસ્પીડ' રાખવામાં આવ્યું અને એલિસ તેની મેનેજિંગ ડિરેક્ટર બની. ત્યારબાદ તેણે જેન્સેન હુઆંગ સાથે સંબંધ સ્થાપિત કર્યો.
અમેરિકાએ એલિસ પર ચીનની જાસૂસ હોવાનો આરોપ લગાડ્યો
અમેરિકન ગુપ્તચર અધિકારીઓનો દાવો છે કે એલિસ ખરેખર ચીનની સરકાર માટે કામ કરતી હતી અને Nvidia પાસેથી મેળવેલી ગુપ્ત માહિતી બેઇજિંગને પહોંચાડતી હતી. ચીનના સુરક્ષા મંત્રાલય (MSS - Ministry of State Security) એ એલિસને ખાસ તાલીમ આપી હતી કે તે જેન્સેન સાથે સંબંધ કેળવે અને અમેરિકન પ્રતિબંધો હોવા છતાં ચીનને એડવાન્સ્ડ ચિપ્સ અપાવવામાં Nvidia ની નીતિઓને પ્રભાવિત કરે.
$4.8 બિલિયનનું ચિપ કૌભાંડ
દાવો કરવામાં આવ્યો છે કે, મેગાસ્પીડે 2024 ની શરૂઆતમાં મલેશિયામાં 'સ્પીડમેટ્રિક્સ' નામની પેટાકંપની શરૂ કરી હતી. જૂન 2024 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે આ મલેશિયન કંપનીએ ઓછામાં ઓછા $4.8 બિલિયન (આશરે રૂ. 45,000 કરોડ) ની અદ્યતન Nvidia ચિપ્સ ખરીદી હતી. એના દ્વારા હેકર્સ અને ચીની કંપનીઓ વિદેશમાં સ્થાપિત હાર્ડવેર ભાડે લઈને AI નો સીધો ઉપયોગ કરી રહી હતી, જેથી પ્રતિબંધિત ચિપ્સને ચીનમાં લઈ જવાની જરૂર ન પડે. અમેરિકન એજન્સીઓને શંકા છે કે ઘણી મૂલ્યવાન સુપર-ચિપ્સ ગેરકાયદેસર રીતે ચીન પણ મોકલવામાં આવી હતી. વિવાદ વધ્યા બાદ Nvidia એ મેગાસ્પીડને પોતાના ક્લાઉડ ભાગીદારોની યાદીમાંથી દૂર કરી દીધી છે.
ટ્રમ્પ સરકારે કડક પગલાં કેમ નહોતાં લીધાં?
જ્યારે અમેરિકન એજન્સીઓ એલિસ હુઆંગનું ઈલેક્ટ્રોનિક ટેપિંગ કરી રહી હતી ત્યારે તેમને ખબર પડી કે તે એક અમેરિકન નાગરિકના સતત સંપર્કમાં છે, જે પાછળથી જેન્સેન હુઆંગ હોવાનું સામે આવ્યું. લગભગ એક વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ આ વાત જાહેર થઈ ગઈ તો શેરબજારમાં ગભરાટ ફેલાશે અને Nvidia ના વેચાણને અસર થશે, એવા ડરથી ટ્રમ્પે કોઈ કડક પગલાં લીધા ન હતા.
જેન્સેનને એલિસની હકીકત ખબર નહોતી?
અહેવાલ મુજબ, જેન્સેનને ખબર નહોતી કે એલિસ ખરેખર એક જાસૂસ છે. છતાં કેટલાક અધિકારીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે તેઓ આટલા અજાણ કેવી રીતે રહી શકે? જેન્સેને તાજેતરમાં જ ચીનને H200 ચિપ વેચવા દેવા માટે ટ્રમ્પ સમક્ષ લોબિંગ પણ કર્યું હતું. ઉપરાંત, Nvidia એ ટ્રમ્પના ભંડોળમાં આશરે $20 મિલિયનનું દાન આપ્યું હતું, જેના કારણે ચીન પર કડક પ્રતિબંધો લાદવાની નીતિઓ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી.
આગળ શું થશે? કોણે શું કહ્યું?
- અમેરિકન કોંગ્રેસ: 18 નવેમ્બરના રોજ અમેરિકન કોંગ્રેસની ત્રણ અલગ-અલગ કમિટીના ચેરમેનોએ જેન્સેન હુઆંગને બ્રીફિંગ માટે બોલાવ્યા છે. જ્યાં તેમને આ ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા પ્રશ્નોના અને જાસૂસી અંગેના જવાબ આપવા પડશે.
- ચીન અને સિંગાપોર: બેઇજિંગના દૂતાવાસે જાસૂસીના તમામ આરોપોને ‘પાયાવિહોણા અને ખોટા’ ગણાવ્યા છે. સિંગાપોર સરકારે પણ એલિસની ચીની એજન્ટ તરીકે તપાસ થતી હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મેગાસ્પીડમાં અલગ નાણાકીય તપાસની પુષ્ટિ કરી છે.
- એલિસ હુઆંગ: હજુ સુધી તેણે આ આરોપો અંગે જાહેરમાં કોઈ જવાબ આપ્યો નથી. તેનો ક્યાંય સંપર્ક પણ થઈ શકતો નથી.




