(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૩
ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં
નેતૃત્ત્વવાળા અમેરિકન વહીવટી તંત્રે ભારતની જેમ અન્ય દેશોને પણ રશિયા પાસેથી ઓઇલ
ખરીદવાની મંજૂરી આપી છે.
ઇરાનની વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ નજીકનાં
ભવિષ્યમાં સમાપ્ત થવાનાં કોઇ સંકેત ન મળતા અમેરિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવી
છે.
અમેરિકાએ આ અગાઉ ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી શકે તે માટે
ભારતને પણ પ્રતિબંધોમાંથી મુક્તિ આપી હતી. ૨૮ ફેબુ્રઆરીએ યુદ્ધ શરૃ થયા પછી વધી
રહેલા ઓઇલનાં ભાવ ઘટાડવાના પ્રયાસરૃપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકાનાં નાણા પ્રધાન સ્કોટ બેસેંટે સોશિયલ મીડિયા એક્સ
પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ વૈશ્વિક ઉર્જા બજારોમાં
સ્થિરતાને વેગ આપવા માટે નિર્ણાયક પગલાં ભરી રહ્યાં છે અને અમે આતંકવાદી ઇરાની
શાસનથી ઉત્પન્ન ખતરા અને અસ્થિરતાનો સામનો કરવા માટે કીંમતોને અંકુશમાં મૂકવાના
પ્રયત્નો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પાંચ માર્ચે ભારતને રશિયા પાસેથી
ઓઇલ ખરીદવા માટે ૩૦ દિવસની મુક્તિ આપી હતી. આ અગાઉ તેણે રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત
પર કડક પ્રતિબંધો નાખ્યા હતાં.
બેસેંટે જણાવ્યું હતું કે વર્તમાન પુરવઠાની વૈશ્વિક પહોંચ
વધારવા માટે અમેરિકન નાણા મંત્રાલય આ અસ્થાયી પરવાનગી આપી રહ્યું છે જેથી દેશો આ
સમયે સમુદ્રમાં ફસાયેલા રશિયન ઓઇલને ખરીદી શકે.
તેમણે જણાવ્યું હતું કે ઓછા સમયગાળા માટે અને મર્યાદિત
સ્વરૃપમાં ઉઠાવવામાં આવેલું આ પગલું ફક્ત એ જ ઓઇલ પર લાગુ પડશે જે અગાઉથી
પરિવહનમાં છે અને તેનાથી રશિયન સરકારને ખાસ કોઇ મહત્ત્વપૂર્ણ નાણાકીય લાભ પ્રાપ્ત
થશે નહીં.


