World

''કશું બદલાયું નથી'' : સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું : ભારતે 10% ટેરિફ આપવો પડશે

By GS TEAM
21 Feb 20262 mins read
''કશું બદલાયું નથી'' : સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું : ભારતે 10% ટેરિફ આપવો પડશે

- ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી ટ્રમ્પે ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતીનો બચાવ કર્યો

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતીમાં કોઈ ફેરફાર થશે નહીં. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને રદ જાહેર કર્યા પછી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે કશું જ બદલાયું નથી. તેઓ ટેરિફ આપશે, આપણે ટેરિફ આપવો નહીં પડે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારત સાથેના વ્યાપારી કરારો ઉપર શી અસર પડશે. તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે આ પ્રમાણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ નીચે ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા ભરના દેશો ઉપર એક યા બીજા પ્રકારનો ટેરિફ લાદ્યો હતો. તે સુપ્રીમ કોર્ટ રદ્દ જાહેર કરતાં કહ્યું હતું કે ૧૯૭૭માં રચાયેલો સંવૈધાનિક કાનૂન પ્રમુખને ટેરિફ લગાડવાની સત્તા આપતો જ નથી. આ હુક્મ ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટસનાં નેતૃત્વ નીચેની ૯ ન્યાયમૂર્તિઓની પીઠીકા પૈકી ૬ વિરૂદ્ધ ૩થી પસાર થયો હતો.

આ હુક્મ જારી કરતાં ન્યાયમૂર્તિ રોબર્ટસે લખ્યું હતું કે અમારૃં કાર્ય માત્ર તે નિશ્ચિત કરવાનું હતું કે આઈઈઈપીએ નીચે પ્રમુખને ટેરિફ લગાડવાની સત્તા આપે છે કે નહીં ? તેવી કોઈ સત્તા અપાઈ નથી.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ધૂંધવાઈ ઉઠેલા પ્રમુખ ટ્રમ્પે અન્ય કાનૂની કલમો શોધી કાઢી ૧૦ ટકા જેટલો વૈશ્વિક ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી. આ સાથે તેવો સ્પષ્ટીકરણ કરતાં કહ્યું હતું કે આ ચુકાદાથી ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર સમજૂતીમાં કોઈ ફેરફાર નહીં થાય.

આ સાથે ટ્રમ્પે કહ્યું : ભારત સાથે થયેલી સમજૂતી અનુસાર ભારત ટેરિફ આપશે જ જે પહેલાં કરતાં તદ્દન વિરોધાભાસી જ છે. મારૃં તો માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન સજ્જન છે. ખરેખર એક મહાન વ્યક્તિ પણ છે. તેઓ અમેરિકાના અધિકારીઓ કરતાં ઘણા વધુ હોંશિયાર છે. તેઓ અમેરિકાએ મુકેલી શરતોની વિરૂદ્ધ હતા. આથી આખરે અમે સમજૂતી કરી અને બધું જ બરોબર થઇ ગયું છે. આપણે (ભારતમાં થતી નિકાસ ઉપર) ટેરિફ આપવો નહીં પડે. ભારતે તેની નિકાસ ઉપર ૧૦ ટકા ટેરિફ આપવો પડશે.

આ સાથે તેઓએ કહ્યું આ યોગ્ય સમજૂતી છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે તાજેતરમાં જાહેર કરાયેલા ૧૦ ટકાનો ગ્લોબલ ટેરિફ જ્યાં સુધી નવો કોઈ નિયમ જાહેર ન થાય ત્યાં સુધી ભારતે ૧૦ ટકા ટેરિફ આપવો પડશે.