(પીટીઆઇ) સિયોલ,
તા. ૨૯
ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉને શસ્ત્રો માટે અપગ્રેડેડ, જોરદાર અને મજબૂત
ઇંધણવાળા એન્જિનનાં પરિક્ષણનું નિરીક્ષણ કર્યુ હતું અને તેને દેશની વ્યૂહાત્મક
સૈન્ય ક્ષમતાને વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું તેમ સરકારી
મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
જો કે આ પરીક્ષણ કિમે જાહેર કરેલા લક્ષ્યને અનુરૃપ હતું જે
હેઠળ તે અમેરિકા અને તેના સહયોગીઓને નિશાન બનાવનારી, વધુ શક્તિશાળી અને સરળતાથી પકડમાં ન આવનારી મિસાઇલો હસ્તગત
કરવા માંગે છે.
જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયાનો આ
દાવો અતિશયોકિતપૂર્ણ હોઇ શકે છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે
કે કિમે સંયુક્ત કાર્બન ફાઇબર સામગ્રીનો ઉપયોગ કરીને એન્જિનનું ગ્રાઉન્ડ જેટ
પરિક્ષણ જોયું હતું.
એજન્સીએ જણાવ્યું હતું કે આ એન્જિનનું મહત્તમ થ્રસ્ટ ૨૫૦૦
કિલોટન છે. જે સપ્ટેમ્બરમાં કરવામાં આવેલ આ પ્રકારનાં સોલિડ ફ્યુઅલ એન્જિન
પરીક્ષણમાં બતાવવામાં આવેલ લગભગ ૧૯૭૦ કિલોટનથી વધારે છે.
કેસીએનએએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ દેશનાં પાંચ વર્ષીય
શસ્ત્ર નિર્માણ કાર્યક્રમનાં ભાગરૃપે કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ વ્યૂહાત્મક
હુમલાના સાધનોને એડવાન્સ બનાવવાનો છે.
કેસીએનએ અનુસાર કિમે જણાવ્યું હતું કે આ નવીનતમ એન્જિન
પરિક્ષણનું દેશની વ્યૂહાત્મક સૈન્ય શક્તિને સર્વોચ્ચ સ્તરે પહોંચાડવામાં ખૂબ જ
મોટું મહત્ત્વ છે.
કેસીએનએએ જણાવ્યું નથી કે આ પરિક્ષણ ક્યાં અને ક્યારે
કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સહકાર
વધ્યો છે. ઉત્તર કોરિયાએ રશિયાની યુક્રેન સામેની લડાઇમાં મદદ માટે સૈનિક અને
પરંપરાગત શસ્ત્રો મોકલ્યા છે.


